

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેના વાહન પોર્ટફોલિયોમાં સલામતીના સંદર્ભમાં એક મોટો સુધારો કર્યો છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી કાર Alto K10 લોન્ચ કરી છે, જેમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ છે. આનો અર્થ એ થયો કે હવે Alto K10ના બધા જ વેરિઅન્ટમાં 6 એરબેગ્સની સુવિધા હશે. આ નવા અપડેટ સાથે, Alto K10ના તમામ વેરિઅન્ટની કિંમતોમાં પણ ફેરફાર થયો છે. આ કાર પહેલા કરતા વધુ મોંઘી થઈ ગઈ છે. પરંતુ આ હોવા છતાં, તેની શરૂઆતની કિંમત 4.23 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
કંપનીએ Maruti Alto K10માં સલામતી સુવિધાઓ સિવાય કોઈ મોટા ફેરફાર કર્યા નથી. આ કાર પહેલાની જેમ પેટ્રોલ એન્જિન અને CNG વેરિઅન્ટમાં કુલ 7 ટ્રિમમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ નવા અપડેટ પછી, આ કારની કિંમતમાં લગભગ 16,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જોકે, કંપનીએ વેરિઅન્ટ્સના નામોમાંથી (O) પ્રીફીક્સને હટાવી દીધો છે.

કંપનીએ આ કારના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. મારુતિ અલ્ટો K10 પહેલાની જેમ 1.0 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ એન્જિન 67 PS પાવર અને 89 NM ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG વેરિઅન્ટમાં, આ એન્જિન 57 PS પાવર અને 82 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
મારુતિનો દાવો છે કે, 5-સ્પીડ પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ 24.39 kmplની માઈલેજ આપે છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન 24.90 kmpl સુધીની માઈલેજ આપે છે. જ્યારે, આ કારનું CNG વેરિઅન્ટ 33.85 Km/Kg સુધીનું માઇલેજ આપવામાં સક્ષમ છે. જોકે, તેનું CNG વેરિઅન્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવતું નથી.

મારુતિના દરેક વોરીએન્ટની નવી અને જૂની કિંમત નીચે મુજબ છે:
મારુતિ સ્ટાન્ડર્ડ-નવી કિંમત-4.23 લાખ-જૂની કિંમત-4.09 લાખ, મારુતિ LXI-નવી કિંમત-5.00 લાખ-જૂની કિંમત-4.94 લાખ, મારુતિ VXI-નવી કિંમત-5.31 લાખ-જૂની કિંમત-5.15, મારુતિ VXI+-નવી કિંમત-5.60 લાખ-જૂની કિંમત-5.50 લાખ, મારુતિ VXI AMT-નવી કિંમત-5.81 લાખ-જૂની કિંમત-5.65 લાખ, મારુતિ LXI CNG-નવી કિંમત-5.90 લાખ-જૂની કિંમત-5.84 લાખ, મારુતિ VXI+ AMT-નવી કિંમત-6.10 લાખ-જૂની કિંમત-6.00 લાખ, મારુતિ VXI CNG-નવી કિંમત-6.21 લાખ-જૂની કિંમત-6.05 લાખ. (નોંધ: આ બધી કિંમતો એક્સ-શોરૂમ, લાખ રૂપિયામાં છે)
મારુતિ સુઝુકી અલ્ટો K10 હવે પહેલા કરતાં વધુ સુરક્ષિત બની ગઈ છે. 6 એરબેગ્સ ઉપરાંત, કંપનીએ આ કારમાં પાછળના પાર્કિંગ સેન્સર, બધા પાછળના મુસાફરો માટે 3-પોઇન્ટ સીટ બેલ્ટ, લગેજ-રિટેન્શન ક્રોસબાર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)નો સમાવેશ કર્યો છે.

મારુતિ અલ્ટો તેની ઓછી કિંમત, સારી માઇલેજ અને ઓછા મેન્ટેનન્સને કારણે ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. કંપનીનો દાવો છે કે, મારુતિ અલ્ટો ખરીદનારાઓમાંથી લગભગ 74 ટકા લોકો પહેલી વાર કાર ખરીદનારા છે. એનો અર્થ એ કે, જે લોકો પોતાની પહેલી કાર ખરીદી રહ્યા છે તેઓ મારુતિ અલ્ટો પસંદ કરે છે. કંપનીએ આ કાર પહેલીવાર વર્ષ 2000માં લોન્ચ કરી હતી અને અત્યાર સુધીમાં તેના 46 લાખ યુનિટ વેચાઈ ચૂક્યા છે.