
5.jpg?w=1110&ssl=1)
એક સચોટ પ્રશ્ન છે કે… ગુજરાત ભાજપને કેવા અધ્યક્ષની જરૂર છે?
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ગુજરાતમાં દાયકાઓથી એક મજબૂત સંગઠન અને સરકારનું પ્રતીક રહી છે. આપણું ગુજરાત જે રાષ્ટ્રના વિકાસનું એક મોડેલ બન્યું છે તેની પાછળ પાર્ટીના કાર્યકર્તાઓની અથાગ મહેનત અને સમર્પણ રહ્યું છે. પરંતુ સમય સાથે પરિસ્થિતિઓ બદલાય છે અને હાલના સમયે ગુજરાત ભાજપને એવા અધ્યક્ષની જરૂર છે જે સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જાય, કાર્યકર્તાઓનું મનોબળ વધારે અને સંઘ પરિવારની વિચારધારા સાથે સમન્વય સાધીને સૌને એકજૂટ રાખે. અહીં આપડે એવા નેતૃત્વની ચર્ચા કરીશું જે ગુજરાત ભાજપની હાલની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે.
કાર્યકર્તાઓની લાગણીઓ સમજનાર નેતા:
ભાજપની સફળતાનો આધાર તેના કાર્યકર્તાઓ છે. આ કાર્યકર્તાઓ એવા સૈનિકો છે જેઓ દિવસરાત ગામડે ગામડે, શેરીએશેરીએ પાર્ટીના કાર્યક્રમો અને સંદેશને લઈ જાય છે. પરંતુ જ્યારે કાર્યકર્તાઓની લાગણીઓને સમજવામાં નેતૃત્વ નિષ્ફળ જાય ત્યારે એક અદ્રશ્ય અંતર ઊભું થાય છે. હાલ ગુજરાત ભાજપને એવા અધ્યક્ષની જરૂર છે જે કાર્યકર્તાઓના હૃદયની વાત સાંભળે, તેમની મુંજવણો/સમસ્યાઓને સમજે અને તેમની અપેક્ષાઓને સન્માન આપે. આવું નેતૃત્વજ કાર્યકર્તાઓમાં નવો ઉમંગ જોશ ભરી શકશે.
જ્યારે કાર્યકર્તા પોતાને સાંભળવામાં આવેલો અનુભવે છે ત્યારે તેનું સમર્પણ બમણું થાય છે. એક અધ્યક્ષ કે જે ગામના નાના કાર્યકર્તાથી લઈને શહેરના મોટા નેતા સુધી સૌની વાત શાંતિથી સાંભળે, તેમની સાથે બેસીને ચર્ચા કરે અને તેમની લાગણીઓને મૂલ્ય આપે તે જ સાચા અર્થમાં સંગઠનને મજબૂત કરી શકે છે.

હૂફનો ખૂણો અને સમન્વયની ભાવના:
એક સફળ નેતા એ જ છે જે પોતાના કાર્યકર્તાઓ માટે હૂફનો ખૂણો બને એટલે કે જ્યાં કાર્યકર્તા પોતાની વાત ખુલ્લા દિલે કહી શકે, પોતાની મુશ્કેલીઓ રજૂ કરી શકે અને એક પરિવારની જેમ સમાધાન મેળવી શકે. ગુજરાત ભાજપને એવા અધ્યક્ષની જરૂર છે જે કાર્યકર્તાઓને એક રાખે, તેમની વચ્ચે સમન્વયનું વાતાવરણ ઊભું કરે અને કોઈપણ પ્રકારના વિખવાદને થતો અટકાવે.
સમન્વયની ભાવના એટલે માત્ર કાર્યકર્તાઓને જોડવું નહીં પરંતુ સંગઠન અને સરકાર વચ્ચે પણ એક સેતુ બનવું. ઘણી વખત સરકારની નીતિઓ અને સંગઠનની અપેક્ષાઓ વચ્ચે અંતર ઊભું થાય છે. આવા સમયે અધ્યક્ષની ભૂમિકા એક બુદ્ધિશાળી મધ્યસ્થીની બની રહે છે જે બંનેનો સુમેળ સાધીને પાર્ટીના હિતને પ્રાથમિકતા આપે.

વિવેકી, પારદર્શી અને પ્રજાવત્સલ નેતૃત્વ:
ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાઓ એવા નેતાને સન્માન આપે છે જેની છબિ વિવેકી અને પારદર્શી હોય. નિર્ણયો લેવામાં સચોટતા, કામમાં પારદર્શિતા અને જનતા પ્રત્યે પ્રેમ એ એવા ગુણો છે જે એક અધ્યક્ષને કાર્યકર્તાઓ અને લોકોના હૈયામાં સ્થાન અપાવે છે. ગુજરાત ભાજપને એવા નેતાની જરૂર છે જેનો ભૂતકાળ સ્વચ્છ હોય, જેનું જીવન પ્રજા અને કાર્યકર્તાઓ માટે સમર્પિત હોય અને જેના પર વિશ્વાસ કરી શકાય.
આવું નેતૃત્વ જ કાર્યકર્તાઓમાંથી નિરાશા અને વિવાદના વાદળો દૂર કરી શકે છે. જ્યારે કાર્યકર્તાઓ જુએ કે તેમનું નેતા પારદર્શી રીતે કામ કરે છે અને તેમના હિતને પ્રાથમિકતા આપે છે, ત્યારે તેમનો વિશ્વાસ વધે છે અને તેઓ નવા ઉત્સાહ સાથે કામે લાગે છે.
સંઘ પરિવાર સાથે સમન્વય અને વિચારધારાનું સમર્પણ:
ભાજપની મૂળ શક્તિ તેની વિચારધારામાં રહેલી છે, જે સંઘ પરિવારના આદર્શો પર આધારિત છે. ગુજરાત ભાજપના અધ્યક્ષે સંઘના આયામો સાથે સમન્વય સાધવો જોઈએ અને તેની વિચારધારા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોવું જોઈએ. સંઘનો મૂળ સિદ્ધાંત રાષ્ટ્રવાદ, સમાજ સેવા અને સંસ્કૃતિનું સંવર્ધન છે. આ સિદ્ધાંતોને પાર્ટીના કાર્યક્રમોમાં સમાવીને અધ્યક્ષે સંઘ અને ભાજપ વચ્ચે એક મજબૂત સેતુ બનવું જોઈએ.
આ સમન્વય માત્ર નેતાઓના સ્તરે જ નહીં, પરંતુ કાર્યકર્તાઓના સ્તરે પણ થવો જોઈએ. સંઘના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ એકબીજાના પૂરક બને તે માટે અધ્યક્ષે સક્રિય પહેલ કરવાની હોય છે. આવું નેતૃત્વ જ ભાજપને તેના મૂળ સિદ્ધાંતો સાથે જોડી રાખી શકે છે.
વિનમ્રતા અને સચોટતા:
એક સારા અધ્યક્ષની ઓળખ તેની ધાકમાં નથી, પરંતુ તેની વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં સચોટતામાં છે. ગુજરાત ભાજપને એવા અધ્યક્ષની જરૂર નથી જે દંડો મારે કે ધમકાવે, પરંતુ એવા નેતાની જરૂર છે જે સૌને સાથે લઈને ચાલે. તોછડી બોલી કે અહંકારનું પ્રદર્શન નેતૃત્વને નબળું બનાવે છે જ્યારે વિનમ્રતા અને સ્પષ્ટતા તેને મજબૂત કરે છે.
જે નેતાની પરિવારના વડા જેવી ધાક હોય પરંતુ તેની વાણીમાં મધુરતા અને કાર્યમાં નિષ્ઠા હોય તે કાર્યકર્તાઓનું મન જીતી શકે છે. આવું નેતૃત્વ જ કાર્યકર્તાઓને એક પરિવારની જેમ જોડી રાખી શકે અને સંગઠનને નવી દિશા આપી શકે.

નબળા સંગઠનને મજબૂત કરવાની જવાબદારી:
હાલના સમયે ગુજરાત ભાજપનું સંગઠન કેટલાક સ્થળોએ નબળું પડ્યું છે.
કાર્યકર્તાઓમાં નિરાશા, વાદ વિવાદ અને ઉત્સાહનો અભાવ જોવા મળે છે. આવા સમયે અધ્યક્ષની ભૂમિકા નિર્ણાયક બની રેહશે. ગુજરાત ભાજપને એવા નેતાની જરૂર છે જે આ નબળાઈઓને ઓળખીને તેને દૂર કરે, કાર્યકર્તાઓને સક્રિય કરે અને સંગઠનને નવું જોમ આપે.
આ માટે અધ્યક્ષે ગામડાઓથી લઈને શહેરો સુધી સંગઠનની મજબૂતી માટે સતત પ્રવાસ કરવો પડશે. કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધવો જોઈશે અને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈશે. જ્યારે કાર્યકર્તાઓ જુએ કે તેમનું નેતૃત્વ તેમની સાથે ઊભું છે ત્યારે તેમનું મનોબળ વધે છે અને તેઓ પૂર્ણ શક્તિ સાથે કામે લાગે છે.
ટૂંકમાં…
ગુજરાત ભાજપને હાલના સમયે એવા અધ્યક્ષની જરૂર છે જે કાર્યકર્તાઓની લાગણીઓ સમજે, સંગઠન અને સરકાર વચ્ચે સમન્વય સાધે, સંઘ પરિવારની વિચારધારા પ્રત્યે સમર્પિત હોય અને પારદર્શી, વિવેકી તેમજ પ્રજાવત્સલ નેતૃત્વ સાબિત થાય. આવું નેતૃત્વ જ ગુજરાત ભાજપને નવી શક્તિ આપી શકે છે, કાર્યકર્તાઓમાંથી નિરાશા દૂર કરી શકે છે અને સંગઠનને મજબૂત કરીને ભવિષ્યની સફળતાઓનો પાયો નાંખી શકે છે. આવા યોગ્ય અધ્યક્ષની શોધ અને પસંદગી એ ગુજરાત ભાજપનું આગામી મહત્વનું પગલું હશે, જે પાર્ટીને નવી દિશા અને દ્રષ્ટિ આપશે.