

ભારત સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને તેની ભાગીદાર કંપનીને 2.81 બિલિયન ડૉલર (રૂ. 24,500 કરોડ)ની ડિમાન્ડ નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પછી આ નોટિસ મોકલવામાં આવી છે. આ કેસ રિલાયન્સને કુદરતી ગેસના ઉત્પાદન અને વેચાણમાંથી થતા નફા સાથે સંબંધિત છે. આ મુદ્દે રિલાયન્સે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિનમાં ક્રૂડ ઓઇલ અને ગેસની ખાણો આવેલી છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ વિવાદ 2013માં શરૂ થયો હતો જ્યારે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને શંકા હતી કે તેના KG-D5 અને G-4 બ્લોકનો વિસ્તાર રિલાયન્સના KG-D6 બ્લોક સાથે જોડાયેલો છે. રિપોર્ટ અનુસાર, ONGCને ખ્યાલ આવ્યો કે રિલાયન્સે સીમાને અડીને આવેલા વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર કુવા ખોદીને KG-D5 બ્લોકના સંસાધનોનો દુરુપયોગ કર્યો છે.
ત્યારપછી સરકારે 2016માં ONGCના આસપાસના વિસ્તારોમાંથી KG-D6 બ્લોકમાં ટ્રાન્સફર કરાયેલા ગેસ માટે રિલાયન્સ અને તેની ભાગીદાર કંપનીઓ પાસેથી 1.55 બિલિયન ડૉલર (રૂ. 13,528 કરોડ)ની માંગણી કરી. રિલાયન્સે આનો વિરોધ કર્યો અને મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યો. જ્યાં વર્ષ 2018માં, આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેટરે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સ આ વળતર ચૂકવવા માટે બંધાયેલ નથી.

ભારત સરકારે આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો. જ્યાં મે, 2023માં સિંગલ જજની બેન્ચે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો. પરંતુ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ, દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ રેખા પલ્લી અને જસ્ટિસ સૌરભ બેનર્જીની બેન્ચે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો. રિલાયન્સ અને તેના ભાગીદાર વિરુદ્ધ ચુકાદો આપતી વખતે, બેન્ચે સિંગલ જજના આદેશને બાજુ પર રાખ્યો. આ નિર્ણય પછી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રિલાયન્સને ડિમાન્ડ નોટિસ મોકલી છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મંત્રાલયે હવે તેની માંગ વધારીને 2.81 બિલિયન ડૉલર કરી દીધી છે. ગેસ સ્થળાંતર કેસના નવા કાનૂની વિકાસ અને પુનઃમૂલ્યાંકનના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ જણાવ્યું હતું કે, કંપનીને 3 માર્ચ, 2025ના રોજ ડિમાન્ડ નોટિસ મળી હતી. કંપની દ્વારા શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં આ ડિમાન્ડ નોટિસની માહિતી આપવામાં આવી છે.

રિલાયન્સે જણાવ્યું હતું કે, ‘ડિવિઝન બેન્ચના નિર્ણય પછી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, BP એક્સપ્લોરેશન (આલ્ફા) લિમિટેડ અને નિકો લિમિટેડ (NECO)પાસેથી 2.81 બિલિયન ડૉલરની માંગણી કરી છે.’
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, RILએ વધુમાં જણાવ્યું હતું કે, ‘કંપનીને કાનૂની સલાહ આપવામાં આવી છે કે, બેન્ચનો નિર્ણય અને આ ડિમાન્ડ નોટિસ ટકી શકશે નહીં. કંપની આ બાબતમાં કોઈ નાણાકીય જવાબદારીની અપેક્ષા રાખતી નથી.’