

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં DRI અને ATSએ દરોડા પાડીને 95 કિલો સોનું અને 60 લાખ રૂપિયા રોકડા જપ્ત કરી લીધા છે. આ ફ્લેટ મુળ અમદાવાદના પણ મુંબઇમાં ડબ્બા ટ્રેડીંગના બેતાજ બાદશાહ ગણાતા મેઘ શાહનો હતો. કરોડપતિ હોવા છતા ડબ્બા ટ્રેડીંગની કમાણીમાંથી ખરીદેલું સોનું છુપાવવા માટે મેઘ શાહે ફલેટ ભાડે રાખ્યો હતો.
અધિકારીઓએ રોકડ અને સોનું સહિત કુલ 84 કરોડની મત્તા જપ્ત કરી છે અને તિજોરીમાંથી કરોડો રૂપિયાના વહેવારની કાચી ચિઠ્ઠી પણ મળી આવી છે.
મેઘ શાહ ઓછા ભાવના શેરોમાં ઉથલ પાથલ કરીને કરોડો રૂપિયા કમાયો હતો.સોનાના બિસ્કીટોના વજન કરવા માટે કાંટો મંગાવવો પડ્યો હતો અને નોટ ગણવા મશીન મંગાવવા પડ્યા હતા. DRIના અધિકારીઓએ ફલેટની આજુબાજુ 5 દિવસ સુધી ફેરિયાના સ્વાંગમાં વોચ રાખી હતી.