

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો છે જેમાં તેમણે સુનિતાની અવકાશયાત્રાની સફળતા અને પૃથ્વી પર તેમની સુરક્ષિત વાપસીની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. આ પત્ર ન માત્ર એક રાષ્ટ્રના નેતાની લાગણીઓને પવ્યક્ત કરે છે પરંતુ ભારતના 1.4 અબજ લોકોની ગર્વની ભાવનાને પણ રજુ કરે છે. સુનિતા વિલિયમ્સ જેમનું પૈતૃક મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ સાથે જોડાયેલું છે તેઓ ભારતની પુત્રી તરીકે દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે. આ પત્ર એક એવી વ્યક્તિને સંબોધવામાં આવ્યો છે જે હજારો માઇલ દૂર અવકાશમાં હોવા છતાં ભારતીયોના હૃદયની નજીક રહ્યા.
વડાપ્રધાનની લાગણીઓ અને ભાવનાઓ:
આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણીઓ ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી રીતે પ્રગટ થાય છે. તેમણે સુનિતા વિલિયમ્સને “ભારતની પુત્રી” તરીકે સંબોધીને એક રાષ્ટ્રીય ગર્વની ભાવના વ્યક્ત કરી છે. આમાં તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અને ભારતીય મૂળના વ્યક્તિઓની સિદ્ધિઓ પ્રત્યેની ગહન લાગણી ઝળકે છે. જ્યારે તેઓ લખે છે કે “તમે હજારો માઇલ દૂર હોવા છતાં, તમે અમારા હૃદયની નજીક છો,” ત્યારે તેમની વાતમાં એક પિતૃત્વની લાગણી અને સ્નેહનો સ્પર્શ જોવા મળે છે જે દરેક ભારતીયના હૃદયની વાતને પ્રતિબિંબિત કરે છે.

આ ઉપરાંત પત્રમાં સુનિતાને ભારત આવવાનું આમંત્રણ આપીને વડાપ્રધાને તેમની ઉષ્મા અને આતિથ્યની ભાવના પણ દર્શાવી છે. આ એક એવી ભાવના છે જે દર્શાવે છે કે તેઓ સુનિતાને માત્ર એક સફળ અવકાશયાત્રી તરીકે જ નહીં પરંતુ ભારતના પરિવારના સભ્ય તરીકે જુએ છે. તેમના શબ્દોમાં એક આશા પણ વ્યક્ત થાય છે કે સુનિતાની સફળતા યુવા પેઢીને વિજ્ઞાન અને અવકાશ સંશોધન તરફ પ્રેરિત કરશે.
આ પત્ર એક ઐતિહાસિક ક્ષણને ઉજાગર કરે છે, જ્યાં ભારતના વડાપ્રધાને એક ભારતીય મૂળની વ્યક્તિની વૈશ્વિક સફળતાને ન માત્ર સન્માન્યું છે પરંતુ તેને રાષ્ટ્રના ગૌરવ સાથે જોડી છે. સુનિતા વિલિયમ્સ જેમણે અવકાશમાં સૌથી લાંબો સમય વિતાવવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે તેમની સફળતા ગુજરાતના નાનકડા ગામ ઝુલાસણથી શરૂ થઈને અવકાશ સુધીની સફરનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીનો આ પત્ર એક રાષ્ટ્રના નેતાની ભૂમિકાથી આગળ વધીને એક એવા વ્યક્તિની ભાવનાઓને રજૂ કરે છે જે પોતાની દીકરીની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે.
આ પત્ર ભારતની એકતા અને સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ છે જ્યાં દૂર અવકાશમાં રહેતી એક વ્યક્તિને પણ પોતાના મૂળ સાથે જોડાયેલી ગણવામાં આવે છે. વડાપ્રધાનની આ લાગણીઓ ગુજરાતીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે સુનિતાના પિતૃઓ મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. આ એક એવું ઉદાહરણ છે જે દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં સફળતા માત્ર વ્યક્તિગત નથી હોતી પરંતુ તે સમગ્ર સમાજ અને રાષ્ટ્રની સંયુક્ત જીત છે.

આ પત્રની ભાવના એ પણ સૂચવે છે કે વડાપ્રધાન મોદી ભારતના યુવાનોને સપનાં જોવા અને તેને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે. સુનિતા વિલિયમ્સની સફર એક એવી મિસાલ છે જે દરેક ગુજરાતી અને ભારતીયને બતાવે છે કે મહેનત અને લગનથી કોઈ પણ ઊંચાઈને સ્પર્શી શકાય છે. આ પત્ર એક સંદેશ છે… ગર્વનો, પ્રેમનો અને આશાનો જે ભારતના અને ખાસ કરીને પ્રત્યેક ગુજરાતીના હૃદયમાંથી નીકળીને અવકાશ સુધી પહોંચ્યો છે.
(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)