

નાગપુરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ઔરંગઝેબને લઇને મોટો વિવાદ ચાલી રહ્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યુ હતું કે, ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઇએ.નાગપુરમાં સોમવારે કોઇક અફવા ફેલાઇ જતા હિંસા અને હુલ્લડ ફાટી નિકળ્યા છે અને આગજનીના બનાવો બન્યા છે. આ બાબતે વિશ્વ હિંદુ પરિષદે ઘટનાની આકરી ટીકા કરી છે અને આ માંગ કરી છે.
વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા નાગપુરમાં અફવાઓ ફેલાવીને હિંસા અને આગઝની કરનાર જેહાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સાથે જ ઔરંગઝેબની કબરના સ્થાને પૂજ્ય ધનાજી જાધવ, સંતાજી ઘોરપડે અને છત્રપતિ રાજારામ મહારાજનું સ્મારક બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિહિપના કેન્દ્રીય સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડેએ આ ઘટનાની તીવ્ર નિંદા કરતાં જણાવ્યું કે, મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈ રાત્રે મુસ્લિમ સમાજના એક વર્ગ દ્વારા કરવામાં આવેલી આગઝની અને હુમલાની ઘટનાઓ સંપૂર્ણપણે નિંદનીય છે. તેમણે કહ્યું કે, બજરંગ દળના કાર્યકર્તાઓના ઘરો પર હુમલા કરવામાં આવ્યા, હિંદુ સમાજના અનેક ઘરોને નિશાન બનાવવામાં આવ્યા અને મહિલાઓને પણ ન છોડવામાં આવી. વિશ્વ હિંદુ પરિષદ આ તમામ બાબતોની કડક શબ્દોમાં નિંદા કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં એક તરફ ખોટું ફેલાવવામાં આવ્યું કે હિંદુ સમાજે આયતો બાળી, અને બીજી તરફ હિંસા ભડકાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કરવામાં આવ્યો. આવા સમાજ વિરોધી જેહાદી તત્વો સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ.
વિહિપ મહામંત્રીએ એમ પણ કહ્યું કે, છત્રપતિ સંભાજી મહારાજ નગરમાં આવેલી ઔરંગઝેબની કબરનું મહિમામંડન બંધ થવું જોઈએ અને તેમાં કોઈ સુધારણાનો વિચાર પણ ન કરવો જોઈએ. તેના બદલે ત્યાં ઔરંગઝેબને હરાવનાર શ્રી ધનાજી જાધવ, શ્રી સંતાજી ઘોરપડે અને છત્રપતિ શ્રી રાજારામજી મહારાજનું વિજય સ્મારક બનાવવું જોઈએ. આ સ્થળે મરાઠા સામ્રાજ્યમાં ઔરંગઝેબને પરાજિત કરવાનું એક વિજય સ્તંભ ઊભું થાય, એવી માંગ વિશ્વ હિંદુ પરિષદે કરી છે. તેમણે હિંસામાં સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરીને સૌથી કડક રીતે તેમનું દમન કરવાની હાકલ પણ કરી છે.