

જ્યારે તમે વર્ષો પછી પણ એકબીજાને ઊંડો પ્રેમ કરતાં દંપતીને સુખી જીવન જીવતાં જોવો ત્યારે એવું લાગે છે કે તેઓ ખૂબ નસીબદાર છે! ખરું ને? પરંતુ સત્ય એ છે કે લાંબો સમય ટકતો પ્રેમ નસીબની બાબત નથી. લગ્નજીવનમાં નસીબ કરતાં પ્રયત્ન, સમર્પણ, સમજણ અને રોજિંદા નિર્ણયોનું મહત્ત્વ વધારે છે.

દરેક દંપતીના જીવનમાં ઉતારચઢાવ આવે છે. તેઓ ઝઘડે છે, અસહમત થાય છે, ભૂલો કરે છે અને ક્યારેક એકબીજાને દુઃખ પણ પહોંચાડે છે. પરંતુ જે બાબત તેમને એકસાથે જોડી રાખે છે તે છે મુશ્કેલ સમયમાંથી પસાર થવાનો તેમનો નિર્ણય. તેઓ દૂર થવાને બદલે એકબીજાને માફ કરે છે, શીખે છે અને સમજણથી આગળ વધે છે.
મજબૂત અને સફળ લગ્નજીવન સંપૂર્ણતા પર નથી ટકતું તે સ્વીકૃતિ પર નિર્ભર છે. જીવનસાથીની ખામીઓને સ્વીકારીને તેમની સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સુખી લગ્નજીવનનો પાયો છે. સફળ દંપતીઓ એકબીજા પ્રત્યે આદર રાખે છે. નાનીનાની બાબતોમાં રસ લે છે અને એકબીજાના હૃદયને સમજવાનો સતત પ્રયાસ કરે છે.
સાચો પ્રેમ એટલે માત્ર ભેટો આપવી કે મોટીમોટી વાતો કરવી નથી. તે એટલે સમય આપવો, ધ્યાનથી સાંભળવું, સારાખરાબ બંને સમયમાં સાથે રહેવું અને એકબીજાના ઇચ્છાઓ લાગણીઓ સપનાઓને ટેકો આપવો. આદર, દયા અને વિશ્વાસ એ એવા થાંભલા છે જે સંબંધને મજબૂત રાખે છે. મુશ્કેલ ક્ષણોમાં દૂર જવાને બદલે આવા દંપતીઓ એકબીજા પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે.

વર્ષો સુધી ઊંડો પ્રેમ જાળવનારા દંપતીઓ માત્ર નસીબદાર નથી તેઓ સમજદાર અને સમર્પિત હોય છે. તેઓ દરરોજ ધીરજ, દયા અને કાળજીથી તેમના સંબંધને સીંચે છે. દરેક પડકારમાં પણ તેઓ એકબીજાને સાથ આપે છે અને સાથે રહેવાનો નિર્ણય લે છે.
આગલી વખતે જ્યારે તમે કોઈ દંપતીના પ્રેમની પ્રશંસા કરો, ત્યારે યાદ રાખો: તેઓ નસીબથી નહીં પણ સમજથી પ્રયત્નથી અને નિર્ણયથી આટલા સુંદર સંબંધ સુધી પહોંચ્યા છે. તેમણે મહેનત કરી છે, ત્યાગ કર્યો છે, માફી આપી છે અને ટકી રહ્યા છે. આ જ તેમના પ્રેમને વાસ્તવિક, સુંદર અને યાદગાર બનાવે છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)