

ક્રિકેટના મેદાન પર ઘણી એવી ઘટનાઓ જોવા મળી છે, જેણે ફેન્સને ચોંકાવ્યા છે. હવે જો કોઈ ટીમ 2 રન પર ઓલઆઉટ થઈ જાય, તો પછી શું કહેવું. આ આશ્ચર્યજનક ઘટના ઈંગ્લેન્ડમાં આયોજિત થઈ રહેલી મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ લીગમાં જોવા મળી. આ લીગના ત્રીજા ટિયરની મેચ નોર્થ લંડન CC અને રિચમંડ CC, મિડએક્સ વચ્ચે રમાઈ હતી.
આ મેચમાં, રિચમંડ CC, મિડેક્સની ટીમ માત્ર 34 બૉલનો જ સામનો કરી શકી અને તેની આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમના 8 બેટ્સમેન ખાતું પણ ખોલાવી ન શક્યા. બેટ્સમેનોના શરમજનક પ્રદર્શનને કારણે, રિચમંડ CC, મિડેક્સની ટીમને આ મેચમાં 424 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં રિચમંડ CC, મિડડેક્સે ટોસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય આત્મઘાતી સાબિત થયો. નોર્થ લંડન CCએ 45 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 426 રન બનાવ્યા હતા. ડેન સિમન્સે સૌથી વધુ 140 રન બનાવ્યા હતા. તો જેક લેવિથે 43 અને નેવિલ અબ્રાહમે 42 રનનું યોગદાન આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ The BS ટીમના નામે છે. તેણે વર્ષ 1810માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારે The BSની ટીમ માત્ર 6 રન પર જ સમેટાઇ ગઈ હતી. આ શરમજનક રેકોર્ડ આજે પણ ફર્સ્ટ ક્લાસમાં અકબંધ છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર:
ન્યૂઝીલેન્ડની ટીમના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી ઓછા રન બનાવવાનો શરમજનક રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓકલેન્ડના મેદાન પર વર્ષ 1955માં માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડનો આ શરમજનક રેકોર્ડ આજે પણ અકબંધ છે.

વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર:
વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વે અને USAના નામે છે. એપ્રિલ 2004માં શ્રીલંકા વિરુદ્ધ 35 રન બનાવ્યા હતા. તો ફેબ્રુઆરી 2020માં, USAની ટીમ નેપાળ વિરુદ્ધ માત્ર 35 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર:
આઇવરી કોસ્ટના નામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. તેણે નવેમ્બર 2024માં અબુજામાં નાઇજીરીયા વિરુદ્ધ આ કારનામું કર્યું હતું. ત્યારબાદ આઇવરી કોસ્ટની ટીમ માત્ર 7.3 ઓવરમાં 7 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.