
છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં હેલ્મેટની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. અમે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, રાજકોટમાં હેલ્મેટના દંડ સામે છુટ આપવામાં આવે છે એવી મને ખબર પડી એટલે મે રજૂઆત કરી હતી કે તો બાકીની બધા મહાનગર પાલિકાઓમાં પણ છૂટ મળવી જોઇએ.
કાનાણીએ કહ્યુ કે, મને સમજ નથી પડતી કે સરકાર માત્ર હેલ્મેટની પાછળ જ કેમ પડી ગઇ છે? સરકારને એ દેખાતું નથી કે ભારે વાહનો પ્રતિબંધિત સમયમાં પણ શહેરમાં બિન્દાસ્ત ફરે છે તેને કોઇ પકડવા વાળું નથી અને હેલ્મેટ વગરનાને પકડે છે. ભારે વાહનોને કારણે પણ મોત થાય છે એ સિવાય પણ મોતના અન્ય કારણો છે તો માત્ર હેલ્મેટ જ કેમ? સરકારને એ પણ દેખાતું નથી કે લોકો આટલો બધો વિરોધ શું કામ કરે છે અને જ્યારે ગુરુવારે રાજ્યના બીજા શહેરોમાં પણ હેલ્મેટની મૂક્તિના સમાચાર આવ્યા તો લોકો ખુશ થઇ ગયા તો સરકારે વિચારવું જોઇએ કે લોકો ખુશ કેમ થયા?