fbpx

આવું કેવું…. ઘરમાં રહે છે 10 લોકો, પણ એ જ સરનામા પર 4,000થી વધુ મતદારો નોંધાયેલા છે

Spread the love
આવું કેવું.... ઘરમાં રહે છે 10 લોકો, પણ એ જ સરનામા પર 4,000થી વધુ મતદારો નોંધાયેલા છે

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની મતદાર યાદી હાલમાં વાયરલ થઈ રહી છે. એક ઘરમાં દસ લોકો રહે છે, પણ એ જ ઘરના સરનામાં પર 4,000થી વધુ મતદારો નોંધાયેલા છે. આ ભૂલ ફક્ત એક જ ઘરમાં નથી, પરંતુ બીજા ઘણા બધા ઘરોમાં છે.

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં 2026ની પંચાયત ચૂંટણીની તૈયારી માટે બહાર પાડવામાં આવેલી મતદાર યાદી એક મોટી મજાક બની ગઈ છે. આ વિસંગતતા એટલી ગંભીર છે કે, કેટલીક જગ્યાએ, એક સાધારણ ઘરમાં 4,271 મતદારો નોંધાયેલા છે, તો ક્યાંક બીજી જગ્યાએ, એક જ ઘરમાં 243 મતદારો નોંધાયેલા છે. આ પ્રકારની બેદરકારીના કારણે લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

હકીકતમાં, આ સમગ્ર મામલો કુલપહાર તાલુકાની જૈતપુર ગ્રામ પંચાયતનો છે. ઘર નંબર 803 લોકોના ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. જુગયાનાના વોર્ડ નંબર ત્રણમાં આ ચાર રૂમવાળા ઘરના વડીલ, ઉજિયાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. છતાં, તેમનું નામ હજુ પણ મતદાર યાદીમાં નોંધાયેલું છે.

પરંતુ નવાઈની વાત તો એ છે કે, કાગળ પર મતદાર નંબર 2251, એટલે કે, ઘર નંબર 803ના કાયમી રહેવાસીઓ તરીકે 4,271 લોકો નોંધાયેલા છે. આના કારણે ત્યાંના લોકો વિભાગીય જવાબદારી પર સવાલો ઉભા કરી રહ્યા છે.

UP-Voter-List1

ઉજિયાની પુત્રી કહે છે કે, તેના ઘરમાં ફક્ત 10 મતદારો છે. પરંતુ તે જાણતી નથી કે, આ સંખ્યા હજારો સુધી કેવી રીતે પહોંચી. જ્યારે પડોશમાં રહેતા એહસાને પણ આ બાબત અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, એક જ ઘર નંબર હેઠળ આટલા બધા લોકો કેવી રીતે નોંધાયા તે નક્કી કરવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

તે જ તાલુકામાં પનવાડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 13માં પણ ખુબ મોટા પ્રમાણમાં ગેરરીતિઓ મળી આવી છે. ઘર નંબર 996માં 185 મતદારો નોંધાયેલા હતા, અને ઘર નંબર 997માં 243 મતદારો નોંધાયેલા હતા, જ્યારે હકીકતમાં, આ ઘરોમાં ફક્ત બે થી છ લોકો જ રહેતા હતા. ઘરમાલિકો પોતે આ યાદી જોઈને દંગ રહી ગયા. સ્થાનિક રહેવાસીઓએ આને ગંભીર બેદરકારી ગણાવી છે અને ચૂંટણી પંચ દ્વારા તપાસની માંગ કરી છે.

UP-Voter-List2

આ બાબતે ADM કુંવર પંકજનો અલગ જ મત છે. તેમનું માનવું છે કે આ ભૂલો કાયમી ઘર નંબરોના અભાવને કારણે છે. પરિણામે, BLOએ એક જ નંબર હેઠળ અનેક પરિવારોના નામ નોંધી દીધા હતા, પરંતુ નોંધાયેલા મતદારો એ જ ગામના જ હોય છે. હવે, સુધારણા પ્રક્રિયાના ભાગ રૂપે, ઘર નંબરોનું વિભાજન કરીને થયેલી ભૂલોને સુધારવામાં આવશે.

error: Content is protected !!