fbpx

સુરતમાં ખેડૂત પાસેથી 5 કરોડ કિંમતની વ્હેલની ઉલટી મળી; વેચવા જતા ઝડપાયો

Spread the love
સુરતમાં ખેડૂત પાસેથી 5 કરોડ કિંમતની વ્હેલની ઉલટી મળી; વેચવા જતા ઝડપાયો

ગુજરાતના સુરતમાં એક ખેડૂત પાસેથી વ્હેલ ઉલટી મળી આવી હતી, જેને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું વજન પાંચ કિલોગ્રામથી વધુ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. એમ્બરગ્રીસ અત્યંત મૂલ્યવાન હોય છે, કારણ કે તેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ અને દવાઓ બનાવવા માટે થાય છે. ભારતમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે. ખેડૂતને ગેરકાયદેસર રીતે વેચવાનો પ્રયાસ કરતી વખતે પોલીસે ધરપકડ કરી હતી.

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વરાછા હીરાબાગ સર્કલ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં 5.72 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવી હતી. આરોપીની ઓળખ વિપુલ ભૂપતભાઈ બાંભણિયા તરીકે થઈ છે, જે ભાવનગર જિલ્લાના હાથબ ગામના રહેવાસી છે. વિપુલ પોતાને વ્યવસાયે ખેડૂત તરીકે વર્ણવે છે.

પોલીસે જ્યારે તેને પૂછ્યું કે આટલી કિંમતી વસ્તુ તેની પાસે કેવી રીતે આવી, ત્યારે તેણે સમજાવ્યું કે લગભગ ચાર મહિના પહેલા, તેને ભાવનગરના હાથબ ગામના દરિયા કિનારે મીણ જેવો ટુકડો મળ્યો. તેણે તરત જ તેને ઓળખી લીધું કે આ કોઈ સાધારણ વસ્તુ નથી, પરંતુ એમ્બરગ્રીસ છે. ત્યારપછી તેણે તેને સ્થાનિક રીતે વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેને કોઈ ખરીદનાર ન મળ્યો, ત્યારે તે તેને સુરત લઈને આવ્યો. જ્યારે તે એમ્બરગ્રીસ વેચવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો.

02

આરોપીને વધુ તપાસ માટે ગુજરાત વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગ હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરશે કે વિપુલ એકલો કામ કરતો હતો કે મોટા આંતરરાજ્ય દાણચોરી નેટવર્કનો ભાગ હતો. પોલીસને તેના મોબાઇલ ફોન પર ઘણા શંકાસ્પદ સંપર્કો મળ્યા છે. હાલમાં, પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.

એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલની ઉલટી છે. સ્પર્મ વ્હેલ એ માછલીની એક પ્રજાતિ છે, જે તેમના વિશાળ માથા માટે અલગ ઓળખાણ ધરાવે છે. તેઓ માછલી (ખાસ કરીને કટલફિશ) અને સ્ક્વિડ ખાવાનું પસંદ કરે છે. સ્ક્વિડ એ ઊંડા પાણીના દરિયાઈ જીવો છે જે લગભગ 1 કિલોમીટરની ઊંડાઈમાં રહે છે, જ્યાં સ્પર્મ વ્હેલ તેમનો શિકાર કરે છે.

સ્પર્મ વ્હેલ સ્ક્વિડ અને કટલફિશની ચાંચ અને હાડકાંને પચાવી શકતી નથી, તેથી તેઓ તેમને ઉલટી કરીને શરીરની બહાર કાઢી નાંખે છે. જોકે, તે ક્યારેક વ્હેલના આંતરડામાં રહી જાય છે. આંતરડામાં હલનચલન થવાથી નાના ટુકડાઓ જોડાઈ જઈને મોટા ટુકડાઓમાં રૂપાંતરિત થઇ જાય છે. તેને જોડાવાનું કામ કરે છે ‘બાઈલ’, વ્હેલના લીવર દ્વારા સ્ત્રાવિત એક પાચક રસ. આવી રીતે વ્હેલના આંતરડામાં એમ્બરગ્રીસ ઉત્પન્ન થાય છે, જે ઉલટી દ્વારા બહાર કાઢવામાં આવે છે.

એકવાર સ્પર્મ વ્હેલ એમ્બરગ્રીસને બહાર કાઢે છે, ત્યારે આ ચીકણો, કાળો પદાર્થ પાણીમાં તરતો રહે છે, તે વખતે તેમાંથી તીવ્ર દુર્ગંધ ઉત્પન્ન થાય છે. જો કે, સમય જતાં, દરિયાઈ પાણી અને સૂર્યપ્રકાશના સંપર્કની અસરથી ગંધ ઓછી થવા લાગે છે. કાળા રંગથી, તેનો રંગ ભૂખરા રંગમાં બદલાય છે, અને પછી અંતે સફેદ, કઠણ મીણ જેવો થઈ જાય છે. જેમ જેમ રંગ બદલાય છે, તેમ તેમ દુર્ગંધ સુગંધમાં ફેરવાઈ જાય છે.

સમુદ્રમાં તરતી તરતી એમ્બરગ્રીસ મોજા દ્વારા કિનારા સુધી આવી જાય છે. જો કે, આ પ્રક્રિયામાં ક્યારેક ઘણા વર્ષો પણ લાગી શકે છે. સમય જતાં, એમ્બરગ્રીસની સુગંધ તીવ્ર બનતી જાય છે. તેથી, એમ્બરગ્રીસ દરિયામાં જેટલી લાંબી તરે છે, તેટલી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. તેનો ઉપયોગ પરફ્યુમ, અત્તર, સૌંદર્ય પ્રસાધનો અને દવાઓ બનાવવા માટે થાય છે. જો કે, વિશ્વભરની ઘણી સરકારોએ એમ્બરગ્રીસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી તેના કારણે સ્પર્મ વ્હેલના શિકારને પ્રોત્સાહન ન મળે.

error: Content is protected !!