
ચીનના ચાંગશામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ બધાને હલાવી નાંખ્યા છે. આ સાથે આ ખબર ચીનમાં શાળાના બાળકો પર કેટલું દબાણ છે તે પણ દર્શાવે છે. અહીં 11 વર્ષના છોકરાને ફક્ત એટલા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો કારણ કે તે સતત 14 કલાક અભ્યાસ કરતો હતો અને હોમવર્ક કર્યું હતું.
ઓડિટ સેન્ટ્રલના અહેવાલ મુજબ, જેની ઓળખ ફક્ત લિયાંગલિયાંગ તરીકે થઇ છે તે બાળકને તેના માતાપિતાની દેખરેખ હેઠળ સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અટક્યા વગર સતત અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે તે રાત્રે 11 વાગ્યા સુધી સતત કામ કરતો રહ્યો, ત્યારે તેની તબિયત અચાનક બગડી ગઈ.

રાત થતાં સુધીમાં, બાળક બેચેન થવા લાગ્યું. તેના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા, ચક્કર આવવા લાગ્યા અને માથાનો દુખાવો વધતો ગયો. ધીમે ધીમે, તેના હાથ અને પગ સુન્ન થવા લાગ્યા. ગભરાયેલા માતાપિતા તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોકટરોએ તેને હાઇપરવેન્ટિલેશન, એટલે કે ઝડપી અને ઊંડા શ્વાસ લેવાની સ્થિતિને કારણે શ્વાસ સબંધિત સમસ્યાઓ હોવાનું નિદાન કર્યું.
હોસ્પિટલમાં, ડોકટરોએ તેના શ્વાસને નિયંત્રિત કરવા માટે લિયાંગલિયાંગ પર માસ્ક લગાવ્યો અને ધીમે ધીમે તેની સ્થિતિને નિયંત્રિત કરી. ડોકટરોના મતે, આ સ્થિતિ વધુ પડતા અને ઊંડા શ્વાસ લેવાથી થાય છે, અને તેનું સૌથી સામાન્ય કારણ માનસિક અને ભાવનાત્મક તણાવ છે.
આ સ્થિતિના લક્ષણોમાં છાતી જકડાઈ જવી, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અને હાથ, પગ અને હોઠ સુન્ન પડી જવા વગેરે છે. ગંભીર કિસ્સાઓમાં, આખા શરીરના સ્નાયુઓ કડક થઈ શકે છે અને આંગળીઓ ધ્રુજવા લાગે છે. જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ બની શકે છે.

ડોકટરો કહે છે કે, આવા કિસ્સાઓ દુર્લભ જરૂર હોય છે, પરંતુ ફક્ત ઓગસ્ટમાં જ આવા 30થી વધુ બાળકોને ચાંગશા સેન્ટ્રલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. આ આંકડો પાછલા મહિનાઓ કરતા 10 ગણો વધારે છે. નિષ્ણાતો કહે છે કે, મુખ્ય કારણો શૈક્ષણિક દબાણ, પરીક્ષાની ચિંતા અને મોબાઇલ ફોનનો સતત ઉપયોગ છે.
લિયાંગલિયાંગનો કિસ્સો ફરી એકવાર ચીનની શિક્ષણ પ્રણાલી પર પ્રશ્નો ઉભા કરે છે. તેની કઠોર પરીક્ષાઓ, ખાસ કરીને ગાઓકાઓ, બાળકો અને માતાપિતા બંને પર ભારે દબાણ લાવે છે. આ જ કારણ છે કે ઘણા બાળકો આ દબાણ સહન કરી શકતા નથી અને તેમનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

