
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક એકતા પર વાત કરતા હિન્દુ દેવી-દેવતાઓને લઈને કંઈક એવું નિવેદન આપી દીધું છે કે જેના કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં 3 કરોડ દેવી-દેવતાઓ છે, અને લોકો પોતાના દેવતાઓને લઈને પણ એકમત નથી. કોઈ અયપ્પા સ્વામીની પૂજા કરે છે, કોઇ શિવની, અને આપણે બધા જોઈ રહ્યા છીએ. ગોશામહલના ધારાસભ્ય અને સસ્પેન્ડ કરાયેલા ભાજપના નેતા ટી. રાજા સિંહે રેવંત રેડ્ડીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે.

બુધવારે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાંધી ભવનમાં એક મોટી બેઠક થઈ હતી. TPPC અધ્યક્ષ મહેશ કુમાર ગૌડે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. AICCના પ્રભારી મીનાક્ષી નટરાજન, AICC સચિવ વિશ્વનાથન અને સચિન સાવંત, ઘણા મંત્રીઓ, નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખો અને પૂર્વ જિલ્લા પ્રમુખો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીમાં સર્વસહમતિના અભાવ અંગે બોલતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, ‘જો દેવતાઓ પર આપણી સામાન્ય સહમતિ નથી, તો પાર્ટીમાં આટલા બધા લોકો કેવી રીતે સહમત થઈ શકે?’
રેવંત રેડ્ડીએ આગળ કહ્યું કે, ‘હિંદુ ધર્મમાં કેટલા દેવી-દેવતાઓ છે? 3 કરોડ, છે ને? કેમ? જેમને લગ્ન નથી કર્યા, તેમના માટે હનુમાન છે. જે લોકો પરિણીત છે તેમના માટે વધુ એક દેવતા, જે લોકો દારૂ પી છે તેમના માટે એક દેવતા. એલ્મ્મા, પોશમ્મા અને દાળ-ભાત ખાનારાઓ માટે એક દેવતા. આ રીતે રીતે દેવતાઓ પર કોઈ એકમત નથી. કોઈ કહે છે કે હું ભગવાન બાલાજીની ભક્તિ કરીશ, કોઈ કહે છે, નહીં હું હનુમાનની પૂજા કરીશ, કોઈ કહે છે નહીં, હું અયપ્પા સ્વામીની દીક્ષા લઈશ, કોઈ કહે છે કે હું શિવની પૂજા કરીશ. આપણે આ બધું જોઈ રહ્યા છીએ.’

રેવંત રેડ્ડીનું આ નિવેદન જેવું જ સામે આવ્યું ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા ટી. રાજા સિંહે આકરી પ્રતિક્રિયા આપી, તેને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ગણાવ્યું. તો તેલંગાણા ભાજપે પણ રેડ્ડીના નિવેદન પર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી આ નિવેદન પર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી નથી. હાલમાં રેવંત રેડ્ડીના આ નિવેદનથી તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે.

