fbpx

UPના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં 79 પોસ્ટની ભરતી હતી પણ 140 લોકોને નોકરી આપી દેવાઈ

Spread the love
UPના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં 79 પોસ્ટની ભરતી હતી પણ 140 લોકોને નોકરી આપી દેવાઈ

UP આરોગ્ય વિભાગમાં ભરતી કૌભાંડોનો સિલસિલો અવિરત ચાલુ છે. તાજેતરમાં 2016માં થયેલા એક્સ-રે ટેકનિશિયનની ભરતીમાં એક જ નામ હેઠળ અનેક વ્યક્તિઓને રોજગારી આપીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, ત્યાર પછી હવે 2008ની ભરતીનું કાળું કૌભાંડ હવે બહાર આવી રહ્યું છે. રાજ્ય મેડિકલ ફેકલ્ટીની તપાસમાં તેમની ડિગ્રીઓ નકલી સાબિત થઈ અને કન્નૌજમાં FIR દાખલ થઈ હોવા છતાં, આરોગ્ય વિભાગે 79 જગ્યાઓ માટે 140 લોકોની ભરતી કરી, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું. જો 2017-18માં જ જવાબદાર અધિકારીઓ સતર્ક થઇ ગયા હોતે તો આ કૌભાંડ સાત વર્ષ પહેલા શોધી શકાયું હોત.

હકીકતમાં, 2008માં, BSP સરકાર દરમિયાન, આરોગ્ય વિભાગે 79 એક્સ-રે ટેકનિશિયનની જગ્યાઓ પર ભરતી કરી હતી. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પછી, 25 ઓગસ્ટ, 2008ના રોજ 79 પસંદ કરાયેલા ઉમેદવારોની મેરિટ યાદી બહાર પાડવામાં આવી હતી, અને બધાને 15 સપ્ટેમ્બર, 2008 સુધીમાં એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. જોકે, અહીંથી છેતરપિંડી શરૂ થઈ હતી.

વિભાગીય અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓની મિલીભગતથી, બીજી, નકલી પસંદગી યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં વધારાના 61 ઉમેદવારોનો સમાવેશ થતો હતો. આ ઉમેદવારો 20 સપ્ટેમ્બર, 2008થી જૂન 2009 સુધી વિવિધ જિલ્લાઓમાં મનસ્વી રીતે જોડાવાનું ચાલુ રાખ્યું. કુલ 140 લોકોને નોકરી આપીને, વિભાગે મર્યાદિત સંખ્યામાં જગ્યાઓ હોવા છતાં ‘મફતિયું’ વિતરણ કર્યું હતું.

02

મીડિયા સૂત્રો દ્વારા મેળવાયેલા દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ છેતરપિંડી કેવી રીતે થઈ. આ અગાઉ, 2016ની ભરતીમાં, એક જ નામવાળા ઘણા ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે, 79ની મુખ્ય યાદીમાં, રોલ નંબર XR5035 પર મેરિટ નંબર 3 પર ફુરકાન અહેમદ (પિતા: મોહમ્મદ વસીમ ખાન, જન્મ: 5 ઓગસ્ટ, 1975)નું નામ જનરલ કેટેગરીમાં નોંધાયેલું હતું, તેને  સીતાપુરના લહરપુર CHCમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, 61 ઉમેદવારોની નકલી યાદીમાં, રોલ નંબર XR5365 પર પુષ્પેન્દ્ર સિંહ (રહે. મૈનપુરી)ને મેરિટ નંબર 67 પર બતાવીને તેને બલિયાના સોનબરસા CHCમાં નોકરી આપી દેવામાં આવી હતી. જ્યારે મુખ્ય યાદીમાં 67મા ક્રમે અનુસૂચિત જાતિના હરિમોહન (પુત્ર: બાબુલાલ, રહેવાસી, આગ્રા)નું નામ હતું, તેને આગ્રાના ફતેહાબાદ CHCમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, મેરિટ યાદીમાં નામ અદલા બદલી કરીને નકલી જોઇંનિંગ લેટર આપવામાં આવ્યા હતા.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આમાંના ઘણા વ્યક્તિઓની ડિગ્રીઓ નકલી સાબિત થઈ હતી. 11 ડિસેમ્બર, 2017ના રોજ, રાજ્ય મેડિકલ ફેકલ્ટીએ પુષ્પેન્દ્ર સિંહના ડિપ્લોમા નંબર 928ને નકલી જાહેર કર્યો અને છેતરપિંડીનો પર્દાફાશ કરતા CMO, કન્નૌજને રિપોર્ટ મોકલ્યો.

03

આ પછી, 22 માર્ચ, 2018ના રોજ, CHC હસેરનના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જાગેશ્વર પ્રસાદે કન્નૌજના ઇન્દરગઢ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી, પરંતુ આરોગ્ય મુખ્યાલયે કોઈ કાર્યવાહી કરી નહીં. આ સ્પષ્ટપણે કૌભાંડને દબાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ દર્શાવે છે.

રાજ્ય મેડિકલ ફેકલ્ટીએ પુષ્પેન્દ્ર જેવા અન્ય ત્રણ વ્યક્તિઓના નકલી ડિપ્લોમાની પણ પુષ્ટિ કરી, જેમાં દેવેન્દ્ર પાલ (જસકરણ પાલના પુત્ર)નો પણ સમાવેશ થાય છે. દેવેન્દ્ર નકલી યાદીમાં 12મા ક્રમે હતો અને તેને કન્નૌજના વિષ્ણુગઢ CHCમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે હાલમાં છિબરામઊ CHCમાં પોસ્ટેડ છે. આ કેસોમાં પણ FIR દાખલ કરવામાં આવી હતી, પરંતુ વિભાગે આંખ આડા કાન કર્યા.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, DG હેલ્થ રતન પાલ સિંહે ફાઇનાન્સ કંટ્રોલર, નર્સિંગ ડિરેક્ટર અને પેરામેડિકલ ડિરેક્ટરની બનેલી ત્રણ સભ્યોની સમિતિની રચના કરી અને તપાસનો આદેશ આપ્યો. હવે 2008 અને 2016માં કરવામાં આવેલી એક્સ-રે ટેકનિશિયન ભરતીમાં કેવી રીતે છેતરપિંડી થઈ તે અંગે તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

error: Content is protected !!