fbpx

પેસેફિક મહાસાગરમાં રાગસા તોફાનનો ખતરો, ગુજરાત સુધી પડી શકે છે અસર

Spread the love
પેસેફિક મહાસાગરમાં રાગસા તોફાનનો ખતરો, ગુજરાત સુધી પડી શકે છે અસર

પેસેફિક મહાસાગરમાં સર્જાયેલું રાગસા (RAGASA) તોફાન ઝડપથી વિકરાળ બની રહ્યું છે. જોઇન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર (JTWC)ના અનુમાન મુજબ, આવતા બે દિવસમાં આ તોફાન સુપર ટાઈફૂનનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પવનની ગતિ 230 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ તોફાનથી ફિલિપાઈન્સ, તાઈવાન, ચીન અને હોંગકોંગને ગંભીર અસર થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું માનવું છે કે રાગસા સુપર ટાઈફૂન તરીકે અનેક રેકોર્ડ તોડી શકે છે. આગામી દિવસોમાં આ તોફાન હોંગકોંગ, હાઈનાન ટાપુ અને વિયતનામમાં દુર્લભ ટ્રિપલ લેન્ડફોલ કરી શકે છે.

Rain1

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમને  મળશે બળ

અથ્રેયા શેટ્ટી અનુસાર, રાગસાના અવશેષો આવતા સપ્તાહે બંગાળની ખાડીમાં બનનારા લો પ્રેશરને બળ પૂરુ પાડશે. ભારતીય હવામાન વિભાગે પણ 25 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે એવું અનુમાન આપ્યું છે. નિષ્ણાતોના કહેવા મુજબ, આ સિસ્ટમ આગળ વધીને ડીપ ડિપ્રેશન કે હળવું વાવાઝોડું પણ બની શકે છે.

ગુજરાત સુધી વરસાદની સંભાવના

આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે, એટલે કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રથી પસાર થઈને ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જો આવું થાય તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

Rain

અગાઉ નોન્ગફાના અવશેષોથી પડ્યો હતો વરસાદ

ગયા સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ચીન સાગરમાં બનેલા નોન્ગફા તોફાનના અવશેષો પણ બંગાળની ખાડી થઈને ગુજરાત સુધી પહોંચ્યા હતા. તેની અસરથી બનાસકાંઠાના સૂઈગામમાં ભારે વરસાદ પડ્યો હતો. હવે ફરી એક વખત રાગસાના અવશેષો ગુજરાત સુધી પહોંચશે તેવી આશંકા છે.

ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતા

જો આ સિસ્ટમ વરસાદ લાવશે તો ખેડૂતોની ચિંતા વધી શકે છે, કારણ કે હાલમાં ખરીફ પાક કાપણી માટે તૈયાર છે. વરસાદથી પાકને ભારે નુકસાન થઈ શકે છે. ઉપરાંત, સોમવારથી શરૂ થતું નવરાત્રિ પર્વ પણ વરસાદના કારણે ખેલૈયાઓ માટે નિરાશાજનક બની શકે છે.

error: Content is protected !!