
Gen-Z નું પ્રદર્શન ભારતના પડોશી દેશો-શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાંથી આગળ વધીને હવે દક્ષિણપૂર્વ એશિયાના નાના દેશ, પૂર્વ તિમોર સુધી પહોંચી ગયો છે. જ્યાં આ દેશની સંસદ અને સંસદસભ્યો યુવાનોના વિરોધ સમક્ષ શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે. યુવાનોના ગુસ્સા અને વિરોધને જોઈને ત્યાંના સંસદસભ્યોએ એ કાયદા વિરુદ્ધ મતદાન કર્યું જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ PM, મંત્રીઓ અને ભૂતપૂર્વ સંસદસભ્યોને આજીવન પેન્શનનો અધિકાર આપતો હતો. હવે, Gen-Z વિરોધ સામે ઝૂકીને, સંસદસભ્યોએ સંસદમાં એક ઠરાવ પસાર કર્યો છે અને તે કાયદાને રદ કર્યો છે.
પૂર્વ તિમોર એક ગરીબ દેશ છે, પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ PM, મંત્રીઓ અને ભૂતપૂર્વ સંસદસભ્યોને આજીવન પેન્શન અને ભથ્થાંના રૂપમાં ખુબ મોટી રકમ મળી રહી હતી. યુવાનોએ આનો વિરોધ કર્યો. એથી વધુ, સરકારી અધિકારીઓને આપવામાં આવતા નોંધપાત્ર ભથ્થાંમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. યુવાનોનો તાત્કાલિક વિરોધ, વર્તમાન સાંસદો માટે કાર ખરીદવા પર ખર્ચવામાં આવેલા 4.2 મિલિયન ડૉલરનો હતો.

આ પછી, વિદ્યાર્થીઓના એક વર્ગે તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, આ વિરોધ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ PM, મંત્રીઓ અને ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતા આજીવન પેન્શન સુધી ફેલાઈ ગયો, જેના કારણે સરકાર દર વર્ષે લાખો ડૉલરનો ખર્ચ કરી રહી હતી. ભૂતપૂર્વ સાંસદો અને સરકારી અધિકારીઓને આજીવન પેન્શન આપતો કાયદો 2006માં ઘડવામાં આવ્યો હતો. આ કાયદામાં તેમના છેલ્લા પગાર જેટલું આજીવન પેન્શન આપવાની જોગવાઈ હતી, પરંતુ યુવાનોના વિરોધને પગલે હવે તેને રદ કરવામાં આવી છે.
શુક્રવારે, સંસદમાં 65માંથી 62 સાંસદોએ કાયદા વિરુદ્ધ સર્વાનુમતે મતદાન કર્યું. સંસદમાં ઠરાવ પસાર થયા પછી, ખુન્ટો પાર્ટીના સાંસદ ઓલિન્ડા ગુટીરેઝે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેમની માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને તેમણે અપીલ કરી કે તેઓ તેમનું આંદોલન પાછું ખેંચે અને વિરોધ પ્રદર્શનો સમાપ્ત કરે. આ કાયદો હવે રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટા, જે સ્વતંત્રતા સેનાની અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે, તેમની પાસે જશે. તેના પર તેમના હસ્તાક્ષર થતા જ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ PM, મંત્રીઓ અને સંસદના ભૂતપૂર્વ સભ્યો સહિત અધિકારીઓ માટે પેન્શન બંધ થઈ જશે.

જોકે, આ વિરોધ પ્રદર્શનો એક વર્ષ પહેલા ત્યારે શરૂ થયા હતા, જયારે સંસદે 65 સાંસદો માટે નવી SUV ખરીદવાની યોજનાને મંજૂરી આપી હતી, જેની કિંમત પ્રતિ કાર 61,300 ડૉલર હતી, જે કુલ મળીને 4.2 મિલિયન ડૉલર હતી. આ યોજનાથી ત્યાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો, તેથી હવે જ્યારે નેપાળમાં Gen-Z વિરોધ પછી સરકાર બદલાઈ ગઈ છે, તો પછી અહીં વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનોએ પણ વેગ પકડ્યો. ગયા અઠવાડિયાથી રાજધાની દિલીના રસ્તાઓ પર જોરદાર વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. ત્રણ દિવસના તીવ્ર હોબાળા, અરાજકતા અને હિંસક અથડામણો પછી, સરકારે આખરે શરણાગતિ સ્વીકારી અને કાર ખરીદી યોજના સહિત પેન્શન કાયદાને પણ રદ કર્યો.
પૂર્વ તિમોર, જે સત્તાવાર રીતે તિમોર-લેસ્ટે તરીકે ઓળખાય છે, તે એશિયાનો સૌથી નવો રાષ્ટ્ર અને દક્ષિણપૂર્વ એશિયાનો સૌથી ગરીબ દેશ છે. ત્યાંની વસ્તીના 42 ટકા લોકો ગરીબીમાં જીવે છે. માનવ વિકાસ સૂચકાંકમાં તિમોર-લેસ્ટે 140મા ક્રમે છે. આંકડા દર્શાવે છે કે આ દેશની 20 ટકા વસ્તી બેરોજગાર છે, એટલે કે તેમની પાસે આવકનું કોઈ સાધન નથી. 2017થી 2022 દરમિયાન રાજકીય ઉથલપાથલ તેમજ કોવિડ-19 રોગચાળો અને ચક્રવાત સેરોજા જેવી મુશ્કેલીઓને કારણે તિમોર-લેસ્ટેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઈ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓગસ્ટ 2024માં તિમોર-લેસ્ટેની મુલાકાત લીધી હતી. આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. 20 મે, 2002ના રોજ જ્યારે પૂર્વ તિમોરને સત્તાવાર રીતે સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો, ત્યારે UN મિશન વહીવટીતંત્રે ત્યાં વિવિધ વ્યવસ્થાઓને અમલમાં મૂકી હતી. UNમાં રહેલા ભારતીય રાજદ્વારીઓ, કમલેશ શર્મા અને અતુલ ખરેએ આ પ્રયાસમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓએ તિમોર-લેસ્ટેમાં વિવિધ વ્યવસ્થાઓને અમલમાં મુકવામાં અને વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
