
તાજેતરમાં જ નવરાત્રિના પાવન પર્વમાં ગરબાના આયોજનોની પરંપરા જાળવવાના મામલે રાજકોટમાં વિવાદ થયો હતો. શહેરની નીલ સિટી ક્લબમાં પરંપરાગત ગરબાના ગીતોને બદલે બોલિવુડ અને અંગ્રેજી ગીતો પર ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ જોરદાર આપત્તિ દર્શાવી છે અને ક્લબ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી. આ દરમિયાન VHPના કાર્યકરો સરપ્રાઇઝ ચેકિંગ કરવા નીલ સિટી પહોંચ્યા હતા અને આ દરમિયાન આયોજક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને VHPના કાર્યકરો વચ્ચે હોબાળો થઈ ગયો હતો.

VHPના કાર્યકરો સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન VHPના કાર્યકરોને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રોક્યા હતા. સાથે જ ભાજપના માણસો ગણાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. VHP અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલી બોલાબોલીથી તણાવનો માહોલ ઉત્પન્ન થઈ ગયો હતો. હવે VHPના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલા હોબાળાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ VHPના કાર્યકરોને લડી લેવાની ચીમકી પણ આપી રહ્યા છે.
રાજકોટની નીલ સિટી ક્લબમાં નવરાત્રિના આયોજન દરમિયાન વિધર્મીઓને બેફામ પ્રવેશ આપવામાં આવતો હોવાના આરોપો સાથે VHPના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરવા પહોંચ્યા હતા જ્યાં ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે હોબાળો થઇ ગયો હતો. એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં રાજ્યગુરુ કહી રહ્યા છે કે, અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે તેમનો સામનો કરી શકો તો કરી લો. આ નિવેદનને લઈ વધુ વિવાદ સર્જાયો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આમ, નવરાત્રિના પાવન પ્રસંગે સામાજિક સંસ્કૃતિને ભંગ કરતી ઘટના સામે આવતા ચિંતાનો માહોલ સર્જાયું છે.
VHPએ નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન આયોજનોમાં વિધર્મીઓને પ્રવેશ આપીને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલાને રાજકીય રંગ આપ્યો છે. આ વિવાદે નવરાત્રિના ગરબા આયોજનોમાં સુરક્ષા અને નિયમોના પાલનને લઈને ફરી એક વખત મોટો સવાલ ઊભો કર્યો છે.

2 દિવસ અગાઉ રાજકોટના નીલસિટી ક્લબમાં ગરબા અને માતાજીની આરાધનાને બદલે ફિલ્મી ગીતો પર DJ સાથે ડાન્સ થતા વિવાદ સર્જાયો હતો. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સર્મથ મહેતા નીલસિટી ક્લબમાં ગરબાનું આયોજન કરે છે. ફિલ્મી ગીતના વિવાદ પર આયોજકોએ એક રાઉન્ડમાં DJના ગીત હોય છે એવું કહીને પાંગળો બચાવ કર્યો હતો. તો બીજી તરફ ગરબામાં ફિલ્મી ગીત પર ડાન્સથી બજરંગ દળ અને સાધુ-સંતોમાં પણ નારાજગી જોવા મળી હતી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ઘટનાની નિંદા કરી હતી.
