
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ બજારમાંથી હાનિકારક બટાકાના બે ટ્રક જપ્ત કર્યા છે, જેને લાલ, ચમકદાર અને તાજા દેખાય તે માટે હાનિકારક રસાયણોથી રંગવામાં આવી રહ્યા હતા. ટીમે તેમાંથી અમુક બટાકા લઈને નમૂના તરીકે પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલ્યા હતા. રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે ગોરખપુરની નવીન મહેવા શાકભાજી માર્કેટમાં કેમિકલથી રંગાયેલા બટાકા વેચાઈ રહ્યા છે. રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ, ટીમે અચાનક દરોડો પાડ્યો અને આશરે 500 ક્વિન્ટલ બટાકા ભરેલા બે ટ્રક જપ્ત કર્યા. આ બટાકા તમિલનાડુના વેલ્લોર અને ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી આયાત કરવામાં આવ્યા હતા. કેટલાક ડ્રાઇવરો ટ્રક છોડીને ભાગી ગયા, અને માલનો ઓર્ડર આપનારા વેપારીઓ પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
પ્રારંભિક તપાસ કરતા આ બટાકામાં રસાયણો મળી આવ્યા. અધિકારીઓએ બંને ટ્રકનો માલ જપ્ત કર્યો અને નમૂના લીધા અને પરીક્ષણ માટે મોકલી આપ્યો. ફૂડ સેફ્ટીના આસિસ્ટન્ટ કમિશનર ડૉ. સુધીર કુમાર સિંહે જણાવ્યું કે, રિપોર્ટ આવે ત્યાં સુધી માલ જપ્ત રહેશે. જો રિપોર્ટમાં રસાયણો હોવાનું પુરવાર થશે તો આ બટાકાનો નાશ કરવામાં આવશે. તેમણે સમજાવ્યું કે આવા બટાકા હાનિકારક હોય છે અને ત્વચા, કિડની અને હૃદયની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

રિપોર્ટ મુજબ, કેમિકલની અસરવાળા બટાકા નિયમિત બટાકા કરતાં આશરે 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધુ વેચાય છે. દુકાનદારો તેમને તાજા અને સ્વસ્થ બટાકા તરીકે વેચે છે. ડૉ. સુધીર કુમાર સિંહે સમજાવ્યું કે, આ બટાકા કાનપુર, ઉન્નાવ, બારાબંકી અને કન્નૌજના કોલ્ડ સ્ટોરેજમાંથી ગોરખપુર બજારમાં આવી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢ્યા પછી, તેમને રસાયણોથી રંગવામાં આવે છે અને પછી અલગ અલગ જિલ્લાઓની બજારોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે.

ફૂડ સેફ્ટી વિભાગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બટાકા પાણીમાં મૂકતાની સાથે જ પાણી લાલ રંગનું થઇ ગયું. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે મંડી સચિવ સાથે મળીને જથ્થાબંધ વેપારીઓ સાથે વાત કરી અને તેમને આવા શાકભાજીનો ઓર્ડર ન આપવા માટે જાગૃત કર્યા.
