
નવરાત્રિ અને દુર્ગા પૂજાનું નામ આવતા જ સૌથી પહેલા મનમાં આવે છે ઉપવાસ, સાત્વિક ભોજન અને વ્રત-ભક્તિ. ઉત્તર ભારતમાં લોકો નવરાત્રિ દરમિયાન માંસ, દારૂ, ડુંગળી અને લસણ જેવી વસ્તુનો ત્યાગ કરે છે, જ્યારે બંગાળમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. અહીં માંસ, માછલી અને ખાસ વાનગીઓ દુર્ગા પૂજા પરંપરાનો અભિન્ન હિસ્સો છે. આ જ કારણ છે કે ઘણા લોકો વારંવાર પૂછે છે કે, દેવી દુર્ગાની પૂજામાં માંસાહારનો સમાવેશ કેવી રીતે કરી શકાય. ચાલો આ અનોખી પરંપરા પાછળની માન્યતાઓ અને ધાર્મિક મહત્ત્વ જાણીએ.
બંગાળી દુર્ગા પૂજાની ખાન-પાનની પરંપરા કેમ અલગ છે?
દેશના અન્ય ભાગોથી વિપરીત દુર્ગા પૂજા દરમિયાન બંગાળી સમુદાયની ખાદ્ય પરંપરા અનેક માન્યતાઓ અને કારણો પર આધારિત છે. બંગાળી સમુદાયમાં દેવી દુર્ગાને માત્ર દેવી તરીકે જ નહીં, પરંતુ બંગાળની પુત્રી તરીકે પણ જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદીય નવરાત્રિ (દુર્ગા પૂજા) દરમિયાન, દેવી દુર્ગા પોતાના બાળકો સાથે પોતાના પિયરમાં એટલે કે ઘરે આવે છે. જેમ કોઈ દીકરી ઘરે આવે ત્યારે તેની પસંદગીની દરેક વાનગી બને છે, તેવી જ રીતે બંગાળીઓ દેવી માતાને તેમના પરિવારના સભ્ય માનીને તેમની ખુશીમાં પરંપરાગત બંગાળી વાનગીઓ બનાવે છે.

આ વાનગીઓમાં માછલી, મટન (બકરાનું માંસ) અને અન્ય પરંપરાગત વાનગીઓનો સમાવેશ થાય છે, કારણ કે તે બંગાળી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. આ ઉત્સવ ધાર્મિક અનુષ્ઠાન અને ભવ્ય પારિવારિક પુનઃમિલન બંને બની જાય છે. બંગાળમાં દેવી દુર્ગાની પૂજા મુખ્યત્વે શાક્ત સંપ્રદાયની પરંપરાઓ સાથે સંકળાયેલી છે. શાક્ત પરંપરામાં બલિ અને કેટલીક જગ્યાએ માંસાહારનું વિશેષ મહત્ત્વ હોય છે.
ઘણી જગ્યાએ દેવી દુર્ગાને માંસ અથવા માછલી પણ ચઢાવવામાં આવે છે. આ ભોગ ઘણીવાર ડુંગળી અને લસણ વિના ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે, જેને ‘નિરામીશ મંગશો’ (નિરામીશ મટન) તરીકે ઓળખવામાં આવે છે. આ ભોગ બાદમાં ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ પ્રથા દર્શાવે છે કે તેમના માટે આ ખોરાક માત્ર સ્વાદ નથી, પરંતુ આસ્થા અને પરંપરાનો એક ભાગ છે.
બંગાળમાં માછલી માત્ર ખોરાક નથી, પરંતુ તેને સમૃદ્ધિ, ઉર્વરતા અને સુખાકારીનું પ્રતિક માનવામાં આવે છે. ઘણા બંગાળીઓ શુભ પ્રસંગોએ માછલીની વાનગીઓ બનાવવી જરૂરી માને છે. અહી સુધી કે વિજયા દશમીની સવારે મંગળ ઘાટની સામે ખાસ માછલીની જોડી રાખવી પણ શુભ માનવામાં આવે છે. આમ દુર્ગા પૂજા દરમિયાન માછલી ખાવી એ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, ઉપવાસ તોડવાનું કાર્ય નહીં.

શું બધા બંગાળીઓ માંસ ખાય છે?
એ જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે કે બધા બંગાળી પરિવારો દુર્ગા પૂજા દરમિયાન માંસ ખાતા નથી. બંગાળી સમુદાયમાં પણ કેટલાક બ્રાહ્મણો અને વૈષ્ણવ પરંપરા (જે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે) સાથે જોડાયેલા પરિવારો માત્ર સાત્વિક ખોરાક જ ખાય છે અને માંસ અને માછલી ટાળે છે. જોકે, મોટાભાગના બંગાળી પરિવારોમાં આ ખાસ વાનગીઓ તૈયાર કરવી એ ઉજવણીનો ભાગ માનવામાં આવે છે.
સમય સાથે કેટલાક શહેરોમાં નવા પ્રભાવોને કારણે સાત્વિક ખોરાક સાથે દુર્ગા પૂજા ઉજવતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ આ સદીઓ જૂની પરંપરા હજુ પણ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને એક અનોખી ઓળખ આપે છે. દુર્ગા પૂજામાં માંસ-માછલી ખાવી એ બંગાળી સંસ્કૃતિ અને આસ્થાનનું એક અનોખું મિશ્રણ છે, જ્યાં દેવીને પુત્રી તરીકે પ્રેમ અને સન્માન આપવામાં આવે છે અને ખાન-પાનને તેમના પિયર આવવાના ઉત્સવનું મહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે.
