fbpx

પ્રાંતિજ એપ્રોચ રોડમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ!

Spread the love

પ્રાંતિજ એપ્રોચ રોડમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ!
૧૪ કરોડના રોડમાં કામ પૂરું થાય પહેલાં જ તિરાડો
 – હવે લોખંડ સળીયા ગાયબ થવાનો પણ ખુલાસો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ પર ચાલી રહેલા અંદાજે ૧૪ કરોડના રોડ નિર્માણ કામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી રહી છે. રોડ પૂર્ણ થાય તે પહેલાં જ ઠેરઠેર તિરાડો દેખાવા લાગતા કામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. હવે આ મામલે વધુ એક ચોંકાવનારું પાસું બહાર આવ્યું છે – કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડ સળીયાની પણ કટોકટી.


સ્થળ પર જોવા મળ્યા મુજબ સળીયાના પાંજરાઓ વચ્ચે એક ફૂટ જેટલા ગેપ જોવા મળી રહ્યા છે, જે ટેક્નિકલ રીતે ગંભીર ખામી ગણાય છે. અંદાજે ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં ૧૦૦ કિલોથી વધુ લોખંડનો ગોટાળો થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.સ્થાનિકોમાં રોષ એ બાબતે છે કે આટલી ગંભીર બાબતો સામે આવતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ માટે પહોંચતા નથી.

લોકોમાં શંકા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મીલીભગત હોવાના કારણે જ કાર્યવાહી થતી નથી ઉલ્લેખનીય છે કે આ જ રોડ અગાઉ ૯ કરોડના ખર્ચે ડામરથી બનાવાયો હતો, પરંતુ તે નવ મહિના પણ ટકી શક્યો નહોતો.

હવે ફરીથી મોટા ખર્ચે બની રહેલા RCC રોડમાં પણ શરૂઆતથી જ ખામીઓ દેખાતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, અધિકારીઓને ફોન કરાતા તેઓ જવાબ આપતા નથી અથવા ટાળટૂળ કરતા હોવાનું સામે આવ્યું છે. તિરાડો પડ્યા બાદ હજુ સુધી કોઈ સેમ્પલ લેવામાં આવ્યા નથી, જે વધુ શંકાને જન્મ આપે છે.પ્રશ્ન એ છે કે ૧૪ કરોડના ખર્ચે બનતો આ રોડ કેટલો સમય ટકશે? જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત બહાર આવી શકે તેવી શક્યતા છે.હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી “હોતાં હે ચલતાં હે”ની નીતિ હેઠળ પ્રજાના પૈસા પાણીમાં જતાં રહેશે?

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!