fbpx

PoKમાં શું થવાનું છે, લોકડાઉન લગાવાયું, સેના તૈનાત, ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકાયો

Spread the love
PoKમાં શું થવાનું છે, લોકડાઉન લગાવાયું, સેના તૈનાત, ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકાયો

રવિવારે રાત્રે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી હતી, તે જ વખતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં તેના ઇતિહાસના સૌથી મોટો બળવો કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. PoKની આવામી કાર્યવાહી સમિતિ (AAC)એ સોમવારે (29 સપ્ટેમ્બર) પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં મોટા વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ હડતાલને ‘શટર ડાઉન અને ચક્કા જામ’ નામ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હડતાલ અનિશ્ચિત સમય સુધી ચાલી શકે છે. આના કારણે ગભરાયેલી પાકિસ્તાન સરકારે આ પ્રદેશ (POK)માં મોટા પાયે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. આ પ્રદેશમાં ગઈકાલે મોડી રાતથી ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

POK Massive Protest

PoKમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહેલી આવામી કાર્યવાહી સમિતિ તાજેતરના મહિનાઓમાં વધુને વધુ લોકપ્રિય બની છે. તે PoKમાં રહેતા નાગરિકોનું ગઠબંધન છે. આ વ્યક્તિઓએ તેમના બેનર હેઠળ હજારો લોકોને સંગઠિત કર્યા છે, જે દાયકાઓથી ચાલી રહેલા રાજકીય રીતે ઓછું મહત્વ અને આર્થિક ઉપેક્ષા થતી હોવાની પરિસ્થિતિને દુનિયાને બતાવવા માંગે છે. આ જૂથે 38-મુદ્દાનો ચાર્ટર બહાર પાડ્યો છે, જેમાં અનેક માળખાકીય સુધારાઓની માંગ કરવામાં આવી છે. આમાં પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત PoK વિધાનસભામાં 12 વિધાનસભા બેઠકો નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે.

સ્થાનિક લોકો કહે છે કે, આ અનામત બેઠકોનું અસ્તિત્વ પ્રતિનિધિ શાસનને નબળી પાડે છે. ચાર્ટરમાં અન્ય મુખ્ય માંગણીઓમાં સબસિડીવાળા લોટની ઉપલબ્ધતા, મંગલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત વાજબી વીજળી દર અને ઇસ્લામાબાદ દ્વારા લાંબા સમયથી વચન આપેલા પરંતુ હજુ પણ પુરા ન કરેલા સુધારાઓનો અમલ શામેલ છે.

POK Massive Protest

પાકિસ્તાન સરકાર અને સૈન્ય બંને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે સતર્ક છે. શનિવારે, અધિકારીઓએ POKના ઘણા શહેરોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ દરમિયાન, એ સવાલો ઉભા થઇ રહ્યા છે કે, શું POK ક્યારેય પાકિસ્તાનના કબજામાંથી મુક્ત થશે કે કેમ?, લોકો દ્વારા થઇ રહેલા વિરોધને જોઈને પાકિસ્તાન સરકારે ઘણા વિસ્તારોમાં પ્રતિબંધો લગાવી દીધા છે અને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે. આ પરિસ્થિતિ સ્થાનિક અસંતોષ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી વચ્ચે વધતા તણાવને પ્રતિબિંબિત કરે છે.

POK Massive Protest

પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી મોટી સંખ્યામાં સૈનિકો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK)માં તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય શહેરોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે શનિવાર અને રવિવારે આ શહેરોમાં જતા મુખ્ય માર્ગોને સંપૂર્ણપણે સીલ કરી દીધા હતા. સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ત્યાંના સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જિલ્લા મેજિસ્ટ્રેટ મુદાસિર ફારૂકે જણાવ્યું હતું કે, શાંતિ જાળવવી એ નાગરિકો અને વહીવટીતંત્ર બંનેની સામૂહિક જવાબદારી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિરોધ પ્રદર્શનો અને અશાંતિને કારણે પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે.

error: Content is protected !!