fbpx

‘હેલો, પોલીસ કાકા, મને મારી માએ ખૂબ માર્યો, તમે જલ્દી આવો’, એક કુરકુરેના પેકેટ માટે બાળકે પોલીસને ફોન કર્યો!

Spread the love
'હેલો, પોલીસ કાકા, મને મારી માએ ખૂબ માર્યો, તમે જલ્દી આવો', એક કુરકુરેના પેકેટ માટે બાળકે પોલીસને ફોન કર્યો!

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં માનવતા અને સંવેદનશીલતાથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખુટાર પોલીસ સ્ટેશન હેઠળના ચિતરવઈ કલા ગામમાં, એક માસૂમ બાળકે તેની માતા અને બહેનના હાથનો માર ખાધા પછી સીધો ડાયલ 112 નંબર પર ફોન કર્યો અને તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યો. બાળકની આ નિર્દોષ ફરિયાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, બાળક તેની માતા અને બહેન પાસેથી કુરકુરેનું પેકેટ લેવા માટે 20 રૂપિયા માંગી રહ્યો હતો. આ જ વાતને લઈને, તેની માતા અને બહેને તેને દોરડાથી બાંધી દીધો અને ખુબ માર માર્યો. રડતા રડતા બાળકે ડાયલ 112 પર પોલીસને ફોન કરી દીધો. તેણે ફોન પર કહ્યું કે, તેની માતા અને બહેને તેને ખુબ માર માર્યો. જ્યારે પોલીસ અધિકારીએ બાળકને માર મારવાનું કારણ પૂછ્યું, ત્યારે દીપકે નિર્દોષતાથી જવાબ આપ્યો: ‘મેં મારી માતા પાસે કુરકુરેનું પેકેટ ખરીદવા માટે 20 રૂપિયા માંગ્યા હતા… પરંતુ મને પૈસા આપવાને બદલે, તેઓ મારી પર ખુબ ગુસ્સે થયા અને ખુબ માર માર્યો.’ બાળકની આ ફરિયાદ સાંભળીને હેડ કોન્સ્ટેબલ ઉમેશ વિશ્વકર્મા શરૂઆતમાં તો ચોંકી ગયા, પરંતુ જ્યારે તેમને આખી વાતની ખબર પડી, ત્યારે તેઓ હસી પડ્યા. ડાયલ 112 પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં ઉમેશ વિશ્વકર્મા બાળકની આખી વાત સાંભળતા નજરે પડે છે, તેને ખુબ પ્યારથી બોલીને દિલાસો આપ્યો અને ખાતરી આપી કે તે ટૂંક સમયમાં તેના ઘરે પહોંચશે. આ વાતચીત દરમિયાન, આ પોલીસ અધિકારીએ એક વીડિયો પણ રેકોર્ડ કર્યો, જે વાયરલ થઇ ગયો છે.

Child-Call-Police

ડાયલ 112 પર હાજર રહેલા ઉમેશ વિશ્વકર્મા તરત જ ગામમાં પહોંચ્યા. તેમણે બાળક અને તેની માતાને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કર્યું. પોલીસ અધિકારીએ માતાને કડક સૂચના આપી કે, ભવિષ્યમાં બાળકને ન મારવામાં આવે અને તેની સાથે પ્રેમથી વાત કરવામાં આવે. અને તે સાથે તેમણે તેને ખુશ થઈને કુરકુરેનું પેકેટ પણ આપ્યું. તેમણે માતાપિતાને કહ્યું: ‘નાની નાની ઇચ્છાઓ પણ બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ગુસ્સે થવા કરતાં તેમને પ્રેમથી સમજાવવું હંમેશા સારું છે.

બાળકની નિર્દોષ ફરિયાદ અને પોલીસના સંવેદનશીલ અભિગમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો જોયા પછી લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. પોલીસ ઘણીવાર તેમની કડકતા અને કઠોરતા માટે જાણીતી છે, પરંતુ આ ઘટનાએ તેમનામાં પણ માનવીય લાગણીઓ હોય છે તે સાબિત કર્યું છે.

આ ઘટનાએ આખા ગામમાં ચર્ચા જગાવી છે. આ ઘટના માત્ર સોશિયલ મીડિયા પર જ વાયરલ થઈ રહી નથી, પરંતુ લોકોને સંદેશ પણ આપી રહી છે કે તેઓ નાની-નાની સમસ્યાઓ માટે પણ પોલીસની મદદ લઈ શકે છે અને પોલીસ સામાન્ય લોકોમાં પણ તેમની લાગણીઓ સાથે ઉભી છે.

error: Content is protected !!