
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ પોતે આ સગાઈનો વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે. કિંજલ દવે અને ધ્રુવીન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા, આ સગાઈ પ્રસંગમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ પણ આશીર્વાદ આપવામાં માટે હાજર રહ્યા હતા. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈની સત્તાવાર જાહેરાત કરતા વીડિયો કેપ્શનમાં લખ્યું કે- ‘ગોડ્સ પ્લાન.’

લોકપ્રિય સિંગર કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેના ફેંસમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો પૂર આવી ગયો છે.
કોણ છે ધ્રુવિન શાહ?
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ ન માત્ર એક અભિનેતા, પરંતુ તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo એપના ફાઉન્ડર પણ છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ હોવાની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. કિંજલ દવેને નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2017માં તેના હિટ ગીત ‘ચાર ચાર બંગડી’થી પ્રસિદ્ધિ મેળવી હતી. ત્યારથી તેણે ઘણા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે. કિંજલ દવેએ ભારત અને વિદેશમાં પણ વિવિધ મ્યૂઝિક કોન્સર્ટ કર્યા છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક ગીતો માટે જાણીતી છે અને મ્યૂઝિકની દુનિયામાં તેના યોગદાન માટે તેને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાની તક મળી. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ થઇ ગયું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરી સગાઈ કરી લીધી છે.

