
છત્તીસગઢની એક છોકરીએ તેના કાકાના ઘરેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી નાખી. છોકરીના કાકા RTO અધિકારી છે. આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી સહિત 5 લોકોની અટકાયત કરી છે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ ઘટના જશપુર જિલ્લાના નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કેરાડીહ (રૈનીડાંડ)માં બની હતી, જ્યાં વિજય નિકુંજની ભત્રીજી મીનલ નિકુંજે ચોરીની ઘટનાને અંજામ આપી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન મીનલે ખુલાસો કર્યો કે તેણે પહેલા iPhone ખરીદવા માટે 2 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે તેના પરિવારના સભ્યોને ખબર પણ ન પડી તો તેને વધુ હિંમત આવી ગઈ. ત્યારબાદ તેણે બીજી વખત ઘરમાંથી લગભગ 3 લાખ રૂપિયાની ચોરી કરી. આ વખતે પણ ચોરી કોઈના ધ્યાનમાં ન આવી. ત્યારબાદ મીનલે ઘરમાં ત્રીજી ચોરી કરી. આ વખતે, તે સોનાના દાગીના અને પૈસા ભરેલી બેગ લઈને ઘરેથી નીકળી ગઈ. મીનલ અને તેનો બોયફ્રેન્ડ પણ આ ચોરીમાં સામેલ હતા.

ચોરી કરેલી રકમથી મીનલ અને તેના બોયફ્રેન્ડ અનિલ પ્રધાને 25 લાખ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી. તેમણે રાયપુરમાં તેનો જન્મદિવસ ઉજવવા માટે એક વિલા પણ બુક કરાવ્યું. જન્મદિવસ ઉજવવા માટે તેમણે માત્ર 3 દિવસમાં લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે ચોરી કરેલી સૂટકેસમાં 15 લાખ રૂપિયા રોકડા, સોનાની બિસ્કિટ અને દાગીના હતા, જેની કિંમત આજે લગભગ 5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે જશપુર નજીક રાની દાહ વોટરફોલમાં પાર્ટી દરમિયાન સૂટકેસ ચોરાઈ ગઈ હતી ત્યારે મામલો જટિલ બની ગયો.

આ કેસની તપાસ માટે પોલીસ અધિક્ષક શશિ મોહન સિંહના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી હતી. જેણે આરોપીઓની રાંચીની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 51.82 લાખ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. જેમાં એક લક્ઝરી કાર, 3 સોનાની બિસ્કિટ, 86 હજાર રૂપિયા રોકડા, 3 મંગળસૂત્ર અને અનેક iPhoneનો સમાવેશ થાય છે.
