fbpx

રાજકોટમાં વેપારીના ઘરેથી 120 કિલો ચાંદીની લૂંટ

Spread the love

રાજકોટમાં વેપારીના ઘરેથી 120 કિલો ચાંદીની લૂંટ

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડનગર પાસે એક વેપારીના પરિચિતના ઘરેથી 120 થી 125 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. હાલના બજાર ભાવ મુજબ આ ચાંદીની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા ઇન્ચાર્જ પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

મળતી માહિતી મુજબ, ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી અતુલભાઈ લિંબાભાઈ ગુસાએ પોતાની ચાંદીનો જથ્થો પેડક રોડ પર ચંપકનગરમાં રહેતા તેમના પરિચિત બિપિનભાઈના ઘરે રાખ્યો હતો. રાત્રીના અંદાજે 2:00 થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણ શખ્સો કાર લઈને આવ્યા હતા અને રહેણાંક મકાનમાંથી ચાંદીના ઘરેણાં ભરેલા થેલા લૂંટીને પલાયન થઈ ગયા હતા.

02

પોલીસ તપાસનો ધમધમાટ

ચોરીની જાણ થતા જ ધારાસભ્ય ઉદય કાનગડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસમાં અત્યાર સુધી નીચે મુજબની વિગતો સામે આવી છે:

  • CCTV ફૂટેજ: પ્રાથમિક તપાસમાં ત્રણ શખ્સો સફેદ રંગની કારમાં મુદ્દામાલ ભરીને ભાગતા હોવાનું કેમેરામાં કેદ થયું છે.
  • જાણભેદુ હોવાની શંકા: પોલીસને આશંકા છે કે તસ્કરોને આ ઘરમાં આટલી મોટી માત્રામાં ચાંદી હોવાની પૂર્વ માહિતી હતી, જેથી કોઈ પરિચિત વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે.
  • પુછપરછ: મકાનના ઉપરના માળે રહેતા પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.
03

ઉચ્ચ અધિકારીઓની ટીમ મેદાનમાં

આ કેસની તપાસ માટે ઇન્ચાર્જ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-વન હેતલ પટેલ, ક્રાઇમ બ્રાન્ચ અને LCBની ટીમો કાર્યરત થઈ છે. ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, “અમે અલગ-અલગ ટીમો બનાવીને CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે.”

રાજકોટના વેપારી આલમમાં આ ઘટનાને પગલે ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા તેઑ ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલી છે ત્યાં 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ છે. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. હાલ આસપાસના વિસ્તારોના CCTV કેમેરાની ફૂટેજની ચકાસણી થઈ રહી છે. 

error: Content is protected !!