
પક્ષીઓને ખવડાવવા માટે દાણા નાખવા એ પણ હવે ગુનો બની શકે છે, આ ગુનો કરવા બદલ દંડ અને સજા પણ થઈ શકે છે. સિંગાપોરમાં 71 વર્ષીય મહિલા સાથે આવી જ એક ઘટના બની. સિંગાપોરની એક કોર્ટે તેને જંગલી કબૂતરોને ખવડાવવા બદલ દોષી ઠેરવી હતી. તેને 3200 ડૉલર અથવા રૂ. 2,27,854નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આરોપી મહિલાની ઓળખ 71 વર્ષીય સંમુગમનાથન શામલા તરીકે થઈ છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, શામલા પર પહેલા પણ જંગલી કબૂતરોને ખવડાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને તેના માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યાર પછી તેણે આવું ન કરવાનું વચન પણ આપ્યું હતું. આમ છતાં, શામલા છેલ્લા છ મહિનામાં સિંગાપોરના ટોઆ પેયો વિસ્તારમાં નવ વખત જંગલી કબૂતરોને દાણા નાખતી જોવા મળી હતી.

સંમુગમનાથન શામલા સિંગાપોરના વન્યજીવન અધિનિયમ હેઠળ ચાર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેણે પોતાનો ગુનો પણ સ્વીકાર્યો હતો. કોર્ટે આ કેસ સાથે સંબંધિત પાંચ અન્ય ઘટનાઓ પર પણ વિચાર કર્યો હતો.
સુનાવણી દરમિયાન, ફરિયાદીએ કોર્ટને જણાવ્યું કે, ગયા વર્ષે મે મહિનામાં, શામલાને ટોઆ પેયોમાં તેના ફ્લેટ નજીક જંગલી પક્ષીઓને દાણા ખવડાવતા જોવામાં આવ્યા હતા, જેના માટે તેને 1200 (રૂ.1,08,745) ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને સિંગાપોરના રાષ્ટ્રીય ઉદ્યાનો બોર્ડ દ્વારા જંગલી કબૂતરોને પકડવાના પ્રયાસોમાં અવરોધ ઊભો કરવા બદલ પણ દોષિત ઠેરવવામાં આવી હતી.
કોર્ટમાં, શામલાએ ફરિયાદી પાસેથી પુરાવા જોવા માંગ્યા, ત્યાર પછી તેમણે રાષ્ટ્રીય ઉદ્યાનો બોર્ડના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલી તેના 4 વીડિયો ક્લિપ્સ બતાવી હતી. કોર્ટને બતાવવામાં આવેલી વીડિયો ક્લિપ્સમાં, શામલાને રાત્રે પક્ષીઓથી ઘેરાયેલી, તેમને દાણા નાખતી જોવા મળી.

ફરિયાદીએ કોર્ટમાં શામલાના વર્તનને ‘જિદ્દી અને વાતને ન માનનારું’ બતાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, શામલાને કાયમી રીતે ‘કાયદાનો ભંગ કરવાની આદત પડી ગઈ હતી.’ કોર્ટમાં, શામલાએ વિનંતી કરી કે, તેનો દંડ 1,000 ડૉલરથી 200 ડૉલર કરવામાં આવે.
તેની અંદર તેણે તેના બેરોજગારી અને તબીબી વીમા ન હોવાના કારણો ગણાવ્યા હતા. દંડની રકમ નક્કી થયા પછી, તેણે જાહેરાત કરી કે પોતે તે જ દિવસે દંડ ચૂકવી દેશે, અને બાકીની રકમ તે સામાજિક કામ કરીને ચૂકવી દેશે.
