
આજના જમાનામાં ઓનલાઇન પ્લેટફોર્મ પરથી વસ્તુઓની ખરીદી કરવાનું ચલણ વધ્યું છે, ત્યારે આપણને પણ એવું જ હોય કે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી આવતું પાર્સલ કોઇ ખોલી નહીં શકે. જો તમે પણ આવું વિચારતા હોવ તો અમદાવાદનો એક કિસ્સો તમારી આંખ ખોલી નાખશે. આજકાલ જેટલી ગતિથી જમાનો અને ટેક્નોલોજી એડવાન્સ થઇ રહી છે, તેટલી જ ગતિથી ગઠિયાઓ પણ એડવાન્સ બનીને આંખમાં ધૂળ નાખીને ગુનાને અંજામ આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં ઓનલાઇન પ્લેટફોર્મ પ્લેટફોર્મ પરથી આવતા પાર્સલમાંથી વસ્તુને કાઢીને નકલી પેક પધરાવતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.
આ ટોળકી કુરિયર બોક્સને એવી રીતે ખોલતી હતી કે કંપનીને પણ શંકા ન જાય. પોલીસે જ્યારે આરોપીઓને ઝડપ્યા ત્યારે તેમણે પોલીસની હાજરીમાં માત્ર બે જ મિનિટમાં ઇન્જેક્શન અને ખાસ પ્રવાહીની મદદથી પાર્સલ ખોલી, અસલી iPhone કાઢીને નકલી ફોન પેક કરી બતાવતા પોલીસ અધિકારીઓ પોતે પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપીઓ અને તેના મિત્રો વિવિધ IDથી ખોટા સરનારા પર ઓનલાઇન ઓર્ડર બુક કરાવતા હતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકીને વિશાલ નામના આરોપીને આપી દેતા હતા.
નવા નરોડામાં આવેલી કુરિયર પાર્સલની કંપની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની એક કંપનીના ઓનલાઇન પાર્સલોની ડિલિવરીનું કામ કરે છે. ગત 28 જાન્યુઆરીએ 60 પૈકીમાંથી એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થયો હોવા અંગે અને તેમાં છેડછાડ થવા બાબતે જાણ કરી હતી. જેથી તે પાર્સલની તપાસ કરતા તેમાંથી ડુપ્લીકેટ ફોન મળી આવ્યો હતો.

રિષભે ઓનલાઇન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખનો iPhone 17 Pro અને અન્ય 1.22 લાખનો ફોન સરદારનગરના સરનામા પર ડિલીવરી કરવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ વધુ તપાસ કરાતા કંપનીમાં કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલીવરી માટે લઇ ગયો હતો. જેથી વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે સમગ્ર બાબતે વટાણા વેરી નાખ્યા હતા. વિશાલે પરત કરેલા અન્ય પાર્સલોની તપાસ કરતા iPhone સહિત 2 ફોન, 1.79 લાખની 1 Apple વોચ પણ છેતરપિંડીથી મેળવી હોવાનું ખુલવા પામ્યુ હતું.
ક્રાઇમ બ્રાંચના DCPના જણાવ્યા અનુસાર, આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. ગેંગના માસ્ટરમાઇન્ડ્સ પહેલા પોતાના માણસોને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના જાલોર જેવા શહેરોમાં કુરિયર કંપનીઓમાં ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખતા હતા. ત્યારબાદ, ફેક IDનો ઉપયોગ કરીને મોંઘા iPhone અને અન્ય ગેજેટ્સના ઓર્ડર આપવામાં આવતા હતા. પાર્સલ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં જ, કંપનીમાં રહેલો તેમનો સાગરીત પેકેજને આંતરી લેતો હતો.

આ ટોળકી પાસે પાર્સલ ખોલવા માટેની ખાસ ‘સ્કેમ કિટ’ હતી, જેમાં ગ્લૂ રિમૂવર, ઇન્જેક્શનની સિરીંજ અને ખાસ સ્ટીલના સાધનોનો સમાવેશ થતો હતો. આ સાધનોની મદદથી તેઓ પાર્સલનું સીલ એવી રીતે ખોલતા કે કોઇને ખબર ન પડે. અસલી પ્રોડક્ટ કાઢીને તેમાં તેના જેવી જ દેખાતી ડમી વસ્તુ ભરી દેતા અને ત્યારબાદ ઓર્ડર કેન્સલ અથવા રિટર્ન કરી દેતા હતા. ચોરી કરેલો અસલી સામાન તેઓ બ્લેક માર્કેટમાં વેચીને મોટો નફો કમાતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયર બડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેંસ, હેરડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજ કુમાર માલી, ભરત કુમાર સુંદેશા તેમજ સુરતના વિશાલ પંચાલ અને અમદાવાદના વિશાલ બાવરીનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ જાન્યુઆરી 2026માં વડોદરામાંથી iPhone 17 Pro Max અને ઓક્ટોબર 2025માં સુરતમાંથી અનેક એપલ વોચની ચોરી કરી હતી. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓ ઋષિપાલ ભાટી અને વિનોદને પકડવા શોધખોળ હાથ ધરી છે.
