
રાજકોટમાં અલગ અલગ 5 બેંકોમાં 2 ભેજાબાજોએ કેશિયરોની નજર ચૂકવીને 90 હજારની ઉઠાંતરી કરી હતી. બેન્ક કર્મીને શંકા પણ ન જાય એવી મોડેસ ઓપરેન્ડીથી આ ભેજાબાજો ચોરીનો પ્લાન બનાવતા હતા. આરોપીઓ માત્ર બેન્કને જ ટાર્ગેટ કરીને રોકડ રૂપિયાની ચોરી કરતા હતા અને ચપળતાથી ચોરી કરી ફરાર થઈ જતા હતા. જો કે, A ડિવિઝન પોલીસે CCTV અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરવ સાથે ચોરીની રકમ કબજે કરી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપી મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહા સાથે બેંકમાં જતા હતા અને બાદમાં બેન્કની બહાર સૌરભ વાહન લઇ ઉભો રહેતો હતો, જ્યારે ચોરી કરવા માટે મહેશ બેંકમાં અંદર જતો હતો. મહેશ પોતે 200 રૂપિયાની 100 નોટોનું બંડલ (કુલ 20 હજાર રૂપિયા) લઈને બેન્કના કેશિયરને આપી તેમની પાસેથી 500 રૂપિયાની નોટના બંડલ માંગતો હતો. ત્યારબાદ બેન્ક કેશિયરે આપેલી 500ની 40 નોટ પોતે ગણતો અને તેમાંથી 10 હજાર રૂપિયાની કુલ 20 નોટ બેન્ડ કરી પોતાના હાથમાં છુપાવી દેતો હતો અને કેશિયરને વાતોમાં રાખી તેમનું ધ્યાન ભટકાવી દેતો હતો.

ત્યારબાદ પોતે ઉત્તર પ્રદેશનો વતની હોવાનું કહી વતનમાં લગ્ન પ્રસંગમાં વરરાજાને પહેરાવવા નવી ચલણી નોટો હાર બનાવવા સીરિયલ નંબર મુજબ નવી નોટો જોઈએ છે કહી કેશિયરે આપેલી રૂપિયા 500ની 40 પૈકી માત્ર 20 નોટ આપી તેમની પાસેથી 20 હજારની નવી ચલણી નોટ મેળવી લેતો હતો. અગાઉ કેશિયરે તેમને ગણીને 40 નોટ આપી હોય છે તે જ પાછી આપીને ફરી નવી નોટ માંગી રહ્યા હોવાનું માની કેશિયર નવી નોટ પરત આપી દેતા હોય છે. આ રીતે રાજકોટમાં તેમણે 8 વખત નોટ બદલાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો, જેમાંથી કુલ 5 વખત સફળતા મળી હતી, આમ કુલ 90 હજાર તફડાવી લીધાની ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હતી.
આ બેંક ચોરીની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, રાજકોટમાં બેંક કેશિયરની નજર ચૂકવીને નોટો પર હાથ સાફ કરતા મધ્ય પ્રદેશના 2 આરોપીઓની ધરપરડ કરવામાં આવી છે. આરોપી મહેશ દેવીલાલ ગુર્જર અને સૌરભ કુશવાહા (ભોપાલના વતની) એક અઠવાડિયામાં અલગ-અલગ 5 બેંકોને ટાર્ગેટ બનાવી કુલ 90 હજાર રૂપિયાની રોકડ સેરવી લીધી હતી.
તો રાજકોટ શહેર ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ બેંકમાં ચોરીની ફરિયાદ મળી હતી, જેના આધારે અમે CCTV ચેક કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હ્યુમન સોર્સિઝની મદદથી ચોક્કસ માહિતીના આધારે આ ગુનામાં સંડોવાયેલા મધ્ય પ્રદેશના 2 આરોપી મહેશ દેવીલાલ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ બંને આરોપીઓએ ગુજરાતમાં પહેલી વખત રાજકોટમાં આવી અલગ-અલગ 5 વખત આ રીતે બેંકમાં જઈ ચોરીને અંજામ આપ્યો છે જેમાં તેમની વિરુદ્ધ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 તાલુકા પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં આરોપીઓએ કુલ 90 હજારની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ અને યુનિવર્સિટી પોલીસ દ્વારા પણ આરોપીનો કબજો મેળવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ A ડિવિઝન પોલીસે CCTV, હ્યુમન સોર્સિસ અને તપાસથી તેમને ધરપકડ કરી, ચોરીની રકમ કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મહેશ વિરુદ્ધ 2025માં ઓરિસ્સામાં પણ આ જ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
