fbpx

KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

Spread the love

KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુરના મામલતદાર અમિતા સિંહ તોમરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પૂર રાહત ભંડોળ કૌભાંડ કેસમાં હાઇકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન માટેની તેમની અરજી પણ ફગાવી દીધી છે. ત્યારબાદ તેમની ધરપકડની શક્યતા વધી ગઈ છે અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના 2021ની છે, જ્યારે શ્યોપુર જિલ્લામાં પૂર બાદ પીડિતોને રાહત ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે અમિતા સિંહ તોમર બડોદા તાલુકામાં મામલતદાર તરીકે પોસ્ટેડ હતા, ત્યારે તેમણે લગભગ 25 પટવારી અને 100થી વધુ વચેટિયાઓ સાથે મળીને 127 નકલી બેંક ખાતાઓમાં લગભગ 2.57 કરોડ રૂપિયાની રકમ વહેંચી દીધી હતી. આ ગેરરીતિ ડેપ્યુટી કલેક્ટર દ્વારા હાથ ધરાયેલા ઓડિટ દરમિયાન પકડાઈ ગઈ હતી, ત્યારબાદ બડોદા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી હતી.

Amita-Singh-Tomar2

તપાસમાં એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે રાહત ભંડોળના વિતરણ દરમિયાન સંબંધીઓ અને પરિચિતોને પૂર પીડિત બતાવીને તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. આ કથિત કૌભાંડમાં તાલુકા કચેરીના કર્મચારીઓ અને મધ્યસ્થીઓ વચ્ચે મિલીભગત હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં અમિતા સિંહ તોમર અને 25 પટવારી સહિત 100થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

ધરપકડથી બચવા માટે અમિતા સિંહ તોમરે શરૂઆતમાં હાઇકોર્ટ (ગ્વાલિયર બેન્ચ)માં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી, જેને બાદમાં કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ, તેમણે આગોતરા જામીન માટે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 17 માર્ચે સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી હતી. હવે અથવા તો સ્વેચ્છાએ આત્મસમર્પણ કરવું પડશે અથવા પોલીસ દ્વારા ધરપકડનો સામનો કરવો પડશે.

સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધા બાદ મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બડોદા પોલીસ સ્ટેશનની પોલીસ કોઈપણ ક્ષણે અમિતા સિંહ તોમરની ધરપકડ કરી શકે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, હવે તેમની પાસે શરણાગતિ કરવાનો અથવા કસ્ટડીમાં પૂછપરછની શક્યતા માટે પોતાને તૈયાર રહેવાનો વિકલ્પ છે.

Amita-Singh-Tomar1

નોંધનીય છે કે મહિલા મામલતદાર અમિતા સિંહ તોમર પહેલી વાર 2011માં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની પાંચમી સીઝન દરમિયાન ₹50 લાખ જીત્યા હતા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં, સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ અને કોમેન્ટ કરીને વહીવટી કાર્યવાહીને ખોટી ગણાવવા અને સંવિધાન સાથે જોડાયેલી એક પોસ્ટ પર આપત્તિજનક કોમેન્ટ કરીને અમિતા તોમર સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

આટલું જ નહીં, અમિતા સિંહ તેમના વારંવારના ટ્રાન્સફરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પણ લખી ચૂક્યા છે. વર્ષ 2023માં, તાલુકાનો હવાલો ન સોંપવાથી નારાજ તેમણે રાજીનામું પણ લખ્યું હતું.

error: Content is protected !!