
સામાન્ય રીતે મોટા ભાગના ઘરમાં પ્રસાદ એક એવી આસ્થા સાથે વણાયેલી વસ્તુ છે કે તેનો સ્વીકાર કરવાનું ભાગ્યે જ કોઈ ટાળે. પરંતુ જો તમને ખબર પડે કે આ પ્રસાદથી જીવ જોખમમાં મુકાઇ શકે છે તો? આવો જ એક આસ્થા સાથે ખેલવાડ કરતો કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પ્રસાદે લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. ચાલો જાણીએ શું છે આખો મામલો.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, શહેરના ઉતરાણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાક સોસાયટી ‘શાલીગ્રામ હાઇટ્સ’માં રહેતા ગોરધનભાઈ ડોંડા પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ગત 10 તારીખે બપોરના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર એક થેલી લટકી રહી હતી. થેલીમાં બુંદીના લાડુ હતા જેને પરિવારના સભ્યોએ પ્રસાદ સમજીને વહેંચીને ખાધા. પરંતુ થોડા જ સમયગાળામાં ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધૂને અચાનક ચક્કર આવવા લાગ્યા. આ સાથે ઉલટી અને ભારે બેચેની જેવા લક્ષણો અનુભવાવા લાગ્યા. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો અને તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

હોસ્પિટલમાં ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ દરમિયાન જ આ મામલો સામાન્ય ફૂડ પોઈઝનિંગથી વધુ ગંભીર હોવાની આશંકા વ્યક્ત કરી. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચેલા લાડુના નમૂનાઓ તપાસ માટે મંગાવવામાં આવ્યા. તપાસ દરમિયાન લાડુમાંથી ઝેરી ગોળીઓ મળી આવતા મેડિકલ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો. આ ગોળીઓ સામાન્ય રીતે અનાજ માટે વપરાતી હોવાની માહિતી સામે આવી છે, જે માનવ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ ખુલાસા બાદ સ્પષ્ટ થયું કે આ કોઈ અકસ્માત નહીં, પરંતુ સુનિયોજિત ષડયંત્ર છે. ગોરધનભાઈની હાલત સૌથી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ હજુ પણ મેડિકલ દેખરેખ હેઠળ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે અન્ય બે સભ્યોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
આ ઘટના બાદ ઉત્રાણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સોસાયટીના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ફૂટેજમાં પાંચ જેટલા શંકાસ્પદ લોકોની હિલચાલ સામે આવી છે. જેના આધારે પોલીસે તેમની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે આ કાવતરું કોઈ નજીકના ઓળખીતાની મદદથી ગોઠવાયું હોઈ શકે છે. કારણ કે પ્રસાદ ક્યારે મૂકવો અને પરિવાર ક્યારે ઘરે હશે તેની ચોક્કસ માહિતી કોઈ જાણકારને જ હોઈ શકે.
પ્રસાદ મૂકવાનો સમય, સ્થળ અને રીત આ બાબતો સૂચવે છે કે, આરોપી પાસે પરિવાર વિશે ચોક્કસ માહિતી હતી. જેના કારણે અંગત અદાવત અથવા કોઈ જૂનો વિવાદ આ ઘટનાનું મૂળ કારણ હોઈ શકે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ ઘટનાએ સમાજમાં એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે.

પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણી વસ્તુ, ભલે તે પ્રસાદ તરીકે જ કેમ ન હોય, તેને ચકાસ્યા વિના સ્વીકારવી નહીં. સુરત જેવી પ્રગતિશીલ નગરીમાં બનેલી આ ઘટના માત્ર એક ગુનાહિત કિસ્સો નથી, પરંતુ સમાજ માટે ચેતવણીરૂપ છે. હાલમાં સમગ્ર શહેરની નજર પોલીસની તપાસ પર છે અને સૌ કોઈ આરોપીઓને ઝડપીને કડક સજા મળે તેવી આશા રાખી રહ્યા છે.
સુરતની આ ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે કે કોઈ પણ અજાણી વસ્તુ, ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુ, વિચાર્યા વગર સ્વીકારવી જોખમી બની શકે છે. ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલી આવી ઘટના સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. હાલ તો પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે ત્યારે આગળ આ ઘટનાનું શું પરિણામ આવશે તે તો સમય જ જણાવશે.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ