
F35 ફાઇટર જેટનું લાઈટનિંગ 2 વર્ઝન વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પાઇલોટ્સ દ્વારા પહેરવામાં આવતું હેલ્મેટ વિશ્વની સૌથી અત્યાધુનિક પહેરી શકાય તેવી ટેકનોલોજી છે, જે મોટા પાયે લશ્કરી ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે. દરેક હેલ્મેટની કિંમત આશરે રૂ. 4 કરોડ (4,00,000 US ડૉલર) છે. તે ફક્ત માથાનું જ રક્ષણ નથી કરતું પણ સમગ્ર કોકપીટને પાઇલટના ચહેરાની સામે લાવી દે છે.
આ હેલ્મેટને હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે સિસ્ટમ (HMDS) અથવા Gen 3 હેલ્મેટ કહેવામાં આવે છે. તેમાં જેટના શરીરની આસપાસ 6 કેમેરા લગાવેલા છે. આ કેમેરા સંપૂર્ણ 360-ડિગ્રી વ્યૂ કેપ્ચર કરે છે અને તેને હેલ્મેટના વિઝર પર એક જ, સીમલેસ ફીડમાં પ્રોજેક્ટ કરે છે.

આનો અર્થ એ છે કે, જો પાઇલટ નીચેની તરફ જુએ છે, તો તે જેટની નીચે આરપાર જમીન જોઈ શકે છે, જાણે કે જેટનુ ફ્લોર પારદર્શક બનેલું હોય. પાઇલટ માથું ફેરવ્યા વિના ચારેય તરફ જોઈ શકે છે. નાઇટ વિઝન, ટાર્ગેટિંગ ડેટા, ફ્લાઇટની સ્પીડ, ઊંચાઈ, ખતરાની ચેતવણીઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સીધી વિઝર પર દેખાતી હોય છે.
F35 ફાઇટર જેટમાં પરંપરાગત હેડ્સ-અપ ડિસ્પ્લે (HUD) નથી. બધી માહિતી હેલ્મેટ દ્વારા જ દેખાતી હોય છે, તેથી જ તેને પહેરી શકાય તેવું કોકપીટ પણ કહેવામાં આવે છે.
એક હેલ્મેટની કિંમત આશરે રૂ. 4 કરોડ છે. આનું કારણ એ છે કે, દરેક હેલ્મેટ પાઇલટના માથાના આકાર અનુસાર કસ્ટમ સાઈઝમાં બનાવવામાં આવે છે. આમાં ઉચ્ચ-રિઝોલ્યુશન લેસર સ્કેનિંગ, 3D મોડેલિંગ અને એક સ્પેશિયલ ફિટિંગ પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં બે દિવસ જેટલો સમય લાગી શકે છે.

તેમાં વપરાતા અદ્યતન કેમેરા, સેન્સર, કમ્પ્યુટર પ્રોસેસિંગ અને ડિસ્પ્લે ટેકનોલોજી ખૂબ ખર્ચાળ છે, જે દાયકાઓના સંશોધન અને વિકાસના ખર્ચાનો પણ આમાં સમાવેશ થઇ ગયો હોય છે.
પહેલાના સંસ્કરણો (Gen 1 અને Gen 2)માં ઘણી વધારે સમસ્યાઓ હતી, જેમાં ફોટા દેખાવામાં લાગતો સમય, આમ-તેમ હલવાની સમસ્યા અને રાત્રે લીલા રંગની ચમકતી વસ્તુ દેખાવાની સમસ્યાનો સમાવેશ થાય છે. આ સમસ્યાઓને ઉકેલવામાં ઘણા વર્ષો લાગી ગયા.
હવે, Gen 3 સંસ્કરણે આમાંના મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. એક નવું ઓર્ગેનિક લાઇટ-એમિટિંગ ડાયોડ (OLED) ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફોટાઓને વધુ સ્પષ્ટ દેખાવાનું અને અને જલ્દી દેખાવાનું બનાવે છે.
આ હેલ્મેટ ફાઇટર પાઇલટ્સની સાથે સાથે જેટની ક્રિયાપ્રતિક્રિયા પણ સંપૂર્ણપણે બદલી નાખે છે. પહેલાં, કોકપીટ પાઇલટની આસપાસ કેન્દ્રિત હતી, પરંતુ હવે આખી કોકપીટ પાઇલટના ચહેરા સામે દેખાય છે.

પાઇલટને 360-ડિગ્રી પરિસ્થિતિગત જાગૃતિ મેળવે છે, જે યુદ્ધમાં ખુબ મોટો ફાયદો પૂરો પાડે છે. તે સરળતાથી દુશ્મનને ટ્રેક કરી શકે છે, મિસાઇલો લોન્ચ કરી શકે છે અને ઉપર કે નીચે જોયા વિના મુશ્કેલ દાવપેચ કરી શકે છે.
F35 ફાઇટર જેટ માટેનું આ હેલ્મેટ લશ્કરી ટેકનોલોજીમાં એક ક્રાંતિકારી પરિવર્તન છે. તે દર્શાવે છે કે, ભવિષ્યમાં પાઇલટ્સ કઈ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જોકે તેની ઊંચી કિંમત અને પ્રારંભિક તકનીકી પડકારો ચર્ચાનો વિષય રહ્યા છે.
તો પણ તે હજુ F35 ફાઇટર જેટને વિશ્વના સૌથી ઘાતક અને બુદ્ધિશાળી ફાઇટર જેટમાંનું એક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે માત્ર એક હેલ્મેટ નથી, પરંતુ પાઇલટની આંખો, કાન અને મગજનું વિસ્તરણ છે.