fbpx

‘કેરળમમાં SIRથી મતદાર યાદી સાફ થઈ ગઈ અને કોંગ્રેસને ફાયદો થયો, બંગાળમાં…’ શશી થરુરે સમજાવ્યું મતોનું ગણિત

Spread the love

'કેરળમમાં SIRથી મતદાર યાદી સાફ થઈ ગઈ અને કોંગ્રેસને ફાયદો થયો, બંગાળમાં...' શશી થરુરે સમજાવ્યું મતોનું ગણિત

કોંગ્રેસ નેતા શશિ થરૂર માને છે કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)થી કોંગ્રેસને ફાયદો થયો. થરૂરે કહ્યું કે કેરળમમાં, આ પહેલા એક જ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ઘણી વખત દેખાય તે અસામાન્ય નથી. તેમના મતે, કેટલાક લોકોના નામ બે વાર, ત્રણ વાર કે ચાર વાર પણ સૂચિબદ્ધ હતા. તેમણે દાવો કર્યો હતો કે આવા ડુપ્લિકેટ નામો દૂર કરવાથી મતદાર યાદી સાફ થઈ ગઈ અને કદાચ કોંગ્રેસને ફાયદો થયો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, શશિ થરૂરે આ ટિપ્પણીઓ USAના સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત સ્ટેનફોર્ડ ઇન્ડિયા કોન્ફરન્સ દરમિયાન કરી હતી. ‘ઇન્ડિયા, તે ભારત છે’ શીર્ષકવાળી રાઉન્ડ ટેબલ પર બોલતા, થરૂરે કેરળમ અને પશ્ચિમ બંગાળ બંનેના ઉદાહરણો આપ્યા હતા.

Shashi Tharoor

કેરળની રાજધાની તિરુવનંતપુરમના સંસદ સભ્ય શશિ થરૂરે કહ્યું, ‘ખાસ કરીને કેરળમમાં, મને લાગે છે કે, નામ કાઢી નાખવાથી કોંગ્રેસને ફાયદો થયો, કારણ કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) (CPI-M) લાંબા સમયથી બે વખત નોંધણી, ત્રણ વખત નોંધણી, ચાર વખત નોંધણી, એમાં હોશિયાર હતી. જેમ કે, ચાર અલગ અલગ બૂથ પર એક જ વ્યક્તિ એવું થતું હતું. અને તેથી SIRએ તેમને કાઢી નાખ્યા, અને જેમ તમે કહ્યું, કેરળમ અને તમિલનાડુમાં ખૂબ ઓછી અપીલો હતી. પરંતુ બંગાળમાં, તેમાં કોઈ શંકા નથી કે 34 લાખ અપીલો હતી. અને આ 34 લાખ લોકોએ 34 લાખ ફોર્મ ભર્યા હતા. અને તેમાંથી માત્ર થોડાક જ સાંભળવામાં આવ્યા છે.’

બીજા શબ્દોમાં કહીએ તો, શશિ થરૂર દલીલ કરી રહ્યા હતા કે નકલી અથવા એક થી વધારે વખત નોંધાયેલા નામને દૂર કરવાથી ચૂંટણી વધુ સ્વચ્છ બની. તેમનું માનવું છે કે આનાથી કોંગ્રેસને ફાયદો થયો.

શશિ થરૂરે દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી આશરે 91 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. આમાંથી, આશરે 34 લાખ લોકોએ અપીલ કરી હતી, જેમાં તેઓ સાચા, જીવે છે અને મતદાન કરવા માટે લાયક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમણે બતાવ્યું હતું કે, નિયમો અનુસાર, દરેક અપીલની વ્યક્તિગત રીતે તપાસ કરવાની હતી. જોકે, મતદાન પહેલાં માત્ર થોડાક સો કેસનો ઉકેલ આવ્યો હતો. પરિણામે, લાખો લોકો મતદાન કરી શક્યા ન હતા.

Shashi Tharoor

શશિ થરૂરે કહ્યું, ‘પશ્ચિમ બંગાળનો કેસ જુઓ. 91 લાખ નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આમાંથી 34 લાખ લોકોએ અપીલ કરી હતી, અને દાવો કર્યો હતો કે તેઓ માન્ય મતદારો હતા. જીવતા છે અને માટે આપવા માટે લાયક છે. નિયમ હતો કે, દરેક કેસને અલગથી સાંભળવામાં આવે. પરંતુ મતદાન પહેલાં માત્ર થોડાક સો કેસનો ઉકેલ આવ્યો હતો.’

તેમણે આગળ કહ્યું, ‘આજે પણ, આશરે 31-32 લાખ લોકોના કેસ પેન્ડિંગ છે. શક્ય છે કે, આવનારા સમયમાં તેઓ સાચા મતદારો ગણાઈ શકે છે, પરંતુ તેઓએ આ ચૂંટણીમાં મતદાન કરવાની તક ગુમાવી દીધી છે.’

ત્યારપછી શશિ થરૂરે સૌથી મોટો પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે જીતના માર્જિન અને પેન્ડિંગ અપીલની સંખ્યાની તુલના કરી. તેમણે કહ્યું, ‘બંગાળમાં BJP લગભગ 30 લાખ મતોના માર્જિનથી જીત્યું. હવે મને કહો, શું આ સંપૂર્ણપણે ન્યાયી અને લોકશાહી છે? આ જ પ્રશ્ન હું પૂછી રહ્યો છું.’

Shashi Tharoor

થરૂરે એ પણ સ્પષ્ટતા કરી કે, તેમને નકલી મતદારોના નામ દૂર કરવામાં કોઈ વાંધો નથી. તેમણે કહ્યું, ‘મને નકલી, મૃતક અથવા સ્થળાંતરિત થયેલા મતદારોના નામ દૂર કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો સાચા મતદારોને જ મતદાન કરતા અટકાવવામાં આવે તો પ્રશ્નો ઉભા થશે.’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. BJPએ 294 બેઠકોવાળી વિધાનસભામાં 207 બેઠકો જીતીને જંગી વિજય મેળવ્યો હતો. જ્યારે, મમતા બેનર્જીની પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. એક બેઠક ફલતા પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી યોજાશે.

કેરળમ વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ જંગી વિજય મેળવ્યો હતો, 140માંથી 102 બેઠકો જીતી હતી. CPI-Mના નેતૃત્વ હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ 35 બેઠકો જીતી હતી, જ્યારે BJPને ફક્ત 3 બેઠકો મળી હતી.

Leave a Reply

error: Content is protected !!