fbpx

4 દિવસ ગુજરાત પર ભારે, ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી

Spread the love

4 દિવસ ગુજરાત પર ભારે, ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અત્યારે ગુજરાતમાં ભારે ગરમી યથાવત્ રહેવા પામી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર આપ્યા છે

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.

rain1

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ 29 મે સુધી તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. ત્યારબાદ 30 મેના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40-50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા-મધ્યમ વરસાદ પડી શકે છે.

31 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છ માં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

1 જૂને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વાવાઝોડું અને ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું 27 મે, 2026ના રોજ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.

rain2

ઉલ્લેખનીય છે કે, બુધવારે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6°C વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7°C વધુ હતું.

આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ 43.3°C અને લઘુત્તમ તાપમાન 26.6°C નોંધાયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5°C, અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!