fbpx

‘આજે બધા હાજર છે એટલે તું બચી ગયો..’, PM મોદીના વતનમાં કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરને લાફા ઝીંકી દીધા

Spread the love

‘આજે બધા હાજર છે એટલે તું બચી ગયો..’, PM મોદીના વતનમાં કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરને લાફા ઝીંકી દીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગામમાં ભાજપના કોર્પોરેટરને લાફો મારી પતાવી દેવાની ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં બની છે. કોંગ્રેસના સભ્ય મહેન્દ્ર ઠાકોરે દંડકના હાથમાંથી વ્હીપ ઝૂંટવી લીધો. આ સમયે ત્યાં હાજર ભાજપના કોર્પોરેટર સમીર પટેલ વ્હીપનો કાગળ પરત લેવા માટે વચ્ચે પડતા મહેન્દ્ર ઠાકોર વધુ ઉશ્કેરાઈ ગયા અને સમીર પટેલ સાથે ઝપાઝપી કરી જાહેરમાં અપશબ્દો કહીને ગાલ પર બે લાફા ઝીંકી દીધા હતા અને કહ્યું કે, ‘આજે બધા હાજર છે એટલે તું બચી ગયો છે, પણ જો લાગમાં આવીશ તો તને પતાવી દેવો છે.’ આ અંગે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર સમીર વસંતલાલ પટેલે વિપક્ષના સભ્ય સામે વડનગર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 30 મેના રોજ સવારે લગભગ 11:00 અગિયાર વાગ્યાના સુમારે વડનગર નગરપાલિકાના સભાખંડમાં ચૂંટાયેલા સભ્યોની એક સામાન્ય સભા યોજાઈ હતી. સભાની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે નગરપાલિકા પ્રમુખ મીતીકા શાહની સૂચનાથી દંડક જતીન દરજી ભાજપના સભ્યોને પાર્ટીનો વ્હીપ વાંચી સંભળાવવા માટે ઊભા થયા હતા. આ દરમિયાન વિપક્ષના સભ્ય મહેન્દ્ર ઠાકોર એકાએક ઉશ્કેરાઈને દંડક પાસે ધસી ગયા હતા અને તેમની સાથે બહેસ કરી હાથમાંથી વ્હીપનો કાગળ ઝૂંટવી લીધો હતો.

vadnagar

આ સમયે ત્યાં હાજર કોર્પોરેટર સમીર પટેલ વ્હીપનો કાગળ પરત લેવા માટે વચ્ચે પડતા આરોપી મહેન્દ્ર ઠાકોર વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને સમીરકુમાર સાથે ઝપાઝપી કરી જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા. સમીરકુમારે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેમને ગાલ પર બે લાફા ઝીંકી દીધા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સભાખંડમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન પાલિકાના ઉપપ્રમુખ જયંતીજી ઠાકોરે વચ્ચે પડીને સમીરકુમારને વધુ માર ખાતા બચાવ્યા હતા.

ત્યારબાદ આરોપી મહેન્દ્ર ઠાકોરે ભાજપ પાર્ટીના વ્હીપનો કાગળ ફાડીને નીચે ફેંકી દીધો હતો, જેના ટુકડા ભાજપના અન્ય સભ્ય વિરલ પટેલે એકઠા કર્યા હતા. ઘટના બાદ આરોપીએ જાહેરમાં ધમકી આપતા જણાવ્યું હતું કે, ‘આજે બધા હાજર છે એટલે તું બચી ગયો છે, પણ જો લાગમાં આવીશ તો તને ખતમ કરી દેવો છે.’ ત્યારબાદ ભાજપના અન્ય સભ્યો ગીરિશ પટેલ અને વિક્રમજી ઠાકોરે આરોપીને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપી મહેન્દ્ર ઠાકોર સભામાં પોતાનો વિરોધ નોંધાવી અધવચ્ચેથી જ જતા રહ્યા હતા.

આ સમગ્ર હિંસક ઘટના અંગે ભોગ બનનાર કોર્પોરેટર સમીરકુમારે પોતાની પાર્ટીના હોદ્દેદારો અને સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ વડનગર પોલીસ સ્ટેશને આરોપી મહેન્દ્રભાઈ ઈશ્વરજી ઠાકોર (રહે. વડનગર) વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાલિકાની સામાન્ય સભામાં લોકશાહીના ચીંથરા ઉડતી આ ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

ફરિયાદી, ભાજપના કોર્પોરેટર સમીર પટેલે કહ્યું કે, આ ઘટના લોકશાહી માટે દુઃખદ છે. કોંગ્રેસના સભ્ય ભાજપનો વ્હીપ ઝૂંટવાનો પ્રયાસ કરે અને અમે પાર્ટીનો વ્હીપ બચાવવા જઈએ એટલે અમને લાફો મારે ધક્કામૂકી કરે. 14 મહિલા કોર્પોરેટરોની હાજરીમાં ગાળાગાળી કરે એ સાબિત કરે છે કે કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ છે. કોંગ્રેસનું કલ્ચર હંમેશાં અરાજતાકથી ભરેલું રહ્યું છે.

vadnagar

કોંગ્રેસના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે જણાવ્યું કે અત્યારે હું હરિદ્વાર છું. 30 તારીખે 11:00 વાગ્યે સામાન્ય સભાનો સમય હતો. એ દરમિયાન અધ્યક્ષ પોતે મોડા આવ્યા હતા. સભા 11:11 વાગ્યે ચાલુ કરી. એ દરમિયાન પ્રમુખે પોતાના પર્સમાંથી એક કવર કાઢ્યું. એ કવર કોર્પોરેટર જતીનભાઈને આપતા એ ભાઈ વ્હીપ વાંચવા લાગ્યા. આ દરમિયાન મેં કહ્યું એજન્ડા છે તો એની ચર્ચા કરો એ લોકોએ કહ્યું આ અમારી પાર્ટીનો વ્હીપ છે. મેં કહ્યું પાર્ટીનો વ્હીપ સામાન્ય સભા શરૂ થાય એ પહેલા આપવો પડે અલગ મીટિંગ કરીને, નગરપાલિકા સભા કક્ષમાં તમે વ્હીપ વાંચી નહીં શકો એનો મેં વિરોધ કર્યો હતો.

10 વાર કહેવા છતા અધ્યક્ષે મને કહ્યું કે અમારી પાર્ટીનો વ્હીપ વાંચશે જ. તો મેં કહ્યું કે નગરપાલિકા એક્ટના અધિનિયમમાં પાર્ટીનો વ્હીપ સામાન્ય સભા શરૂ થયા પછી ના વંચાય. આ વાત મેં ચીફ ઓફિસરને પણ કહી, પરંતુ એ ચૂપ રહ્યા. તેમણે વધુમાં કહ્યું કે, એ લોકો વ્હીપ વાંચી રહ્યા હતા. હું રોકવા ગયો એ દરમિયાન પ્રમુખ સહિત 5 લોકોએ મને ઘેરી લીધો મારા પર એટેક કર્યો. એટલે મેં સ્વબચાવમાં હાથાપાઈ કરી હશે. મારો કોઈ ઈરાદો નહોતો. મારા પર ખોટો આક્ષેપ છે. મારો કોઈ વાંક નથી.

Leave a Reply

error: Content is protected !!