fbpx

સુરત મનપાના વરાછા ઝોનનો આકારણી ક્લાર્ક ફૂટપાથ પરથી રૂ. 3500ની લાંચ લેતો ઝડપાયો

Spread the love

સુરત મનપાના વરાછા ઝોનનો આકારણી ક્લાર્ક ફૂટપાથ પરથી રૂ. 3500ની લાંચ લેતો ઝડપાયો

સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન ઓફિસમાં ફરજ બજાવતો આકારણી વિભાગનો વર્ગ-3 ના ક્લાર્ક રાકેશકુમાર ચંદુભાઇ શ્રીમાળી (ઉંમર 35 વર્ષ) ને રૂપિયા 3,500 ની લાંચ લેતા એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ છે, જેમાં તેઓ સાડીનો સામાન રાખતા હતા. આકારણી વિભાગના ક્લાર્ક રાકેશકુમાર શ્રીમાળીએ આ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાં સાડીઓનો સામાન જોઈને તેને ‘કોમર્શિયલ ગોડાઉન’ તરીકે દર્શાવવાનો આક્ષેપ કર્યો હતો. આરોપી ક્લાર્કે ફરિયાદીને ડરાવતા કહ્યું હતું કે, આ રૂમ ગોડાઉન તરીકે હોવાથી તેના પર વાર્ષિક આશરે રૂપિયા 12,000 જેટલો મોટો પ્રોપર્ટી ટેક્સ (વેરો) આવી શકે છે.ત્યારબાદ આરોપીએ ફરિયાદીને એક વચગાળાનો રસ્તો બતાવ્યો હતો. તેણે જણાવ્યું કે જો આ મકાનનો વેરો રહેણાંક તરીકે જ ચાલુ રાખવો હોય અને વધારાના આર્થિક બોજમાંથી બચવું હોય, તો તેના બદલામાં વ્યવહાર પેટે રૂપિયા 3,500 આપવા પડશે.

bribe

ફરિયાદી પોતાના સાચા મકાન માટે કોઈ પણ પ્રકારની લાંચ આપવા માગતો નહોતો. ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે તેણે આ બાબતે ACBનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. ફરિયાદીએ ACB કચેરી ખાતે જઈને ક્લાર્ક દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBની ટીમ દ્વારા તાત્કાલિક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. યોજના મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે આરોપી ક્લાર્કને મળ્યો હતો. વરાછા ઝોન ઓફિસની બિલકુલ બાજુમાં આવેલી હરદેવ સમોસા અને ગોએલ સેલ્સ પોઇન્ટ નામની મોબાઈલની દુકાનની સામે ફૂટપાથ પર બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન આરોપી રાકેશકુમાર શ્રીમાળીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને વેરો ઓછો રાખવાના કામના બદલામાં રૂપિયા 3,500ની લાંચ માંગી હતી. ફરિયાદીએ જેવી લાંચની રકમ આરોપીને આપી અને આરોપીએ તે સ્વીકારી, કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે આરોપી ક્લાર્કને લાંચની રોકડા રકમ સાથે સ્થળ પર જ દબોચી લીધો હતો.

ACBની ટીમે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ 3,500 રૂપિયાની રિકવર કરી લીધી છે. આરોપી સરકારી કર્મચારી હોવા છતા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને નાગરિક પાસેથી નાણાં પડાવતા પકડાઈ ગયો હતો. હાલમાં ACB દ્વારા આરોપી ક્લાર્ક વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!