
કમર્શિયલ પર્પસ માટે બેંકિંગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી તેમ ઠરાવી ગ્રાહકની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં બે ટેક્સટાઈલના વ્યાપારીઓએ બેન્ક વિરૂદ્ધ સેવામાં કહેવાતી ખામી અંગેની દાખલ કરેલી ફરિયાદો ગ્રાહક કમિશને રદ કરી છે.
કેસની વિગત મુજબ પ્રથમ ફરિયાદ- બેંક ઓફ બરોડા, ટેક્સટાઈલ માર્કેટ શાખા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતાના ટેક્સટાઈલના વ્યવસાય માટે બેંક પાસેથી રૂ. 84 લાખની ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી હતી. ફરિયાદમાં બેંકે ગેરરીતિપૂર્વક વ્યાજ તથા અન્ય ચાર્જ પેટે રૂ. 4,47,224/- વધારાના વસૂલ કર્યા હોવાના આક્ષેપો કરીને રકમ રીફન્ડ અપાવવાની તથા અન્ય દાદની માંગણી કરવામાં આવી હતી.
બીજી ફરિયાદ- બેંક ઓફ બરોડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતાના ટેક્સટાઈલ વ્યવસાય માટે રૂ. 6૦,૦૦,૦૦૦/-ની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી હતી. ફરિયાદમાં બેંકે ફરિયાદીના ખાતામાંથી કોઈપણ જાતની જાણ કર્યા વિના કુલ રૂ. 3,40,825/- જેટલી વધારાની રકમ ડેબિટ કરી હોવાના તેમજ અન્ય રકમો પરત ન આપવાના આક્ષેપો કરી તે રકમો રીફન્ડ અપાવવાની દાદની માંગણી કરવામાં આવી હતી.
બંને ફરિયાદોમાં બેંક તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ તથા એડવોકેટ ઈશાન દેસાઈ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદીઓએ ઓવરડ્રાફ્ટની સુવિધા સંપૂર્ણપણે પોતાના ટેક્સટાઈલ વ્યવસાય માટે મેળવી હતી. એટલે કે બેન્કની સેવા વ્યાપારિક હેતુઓ માટે મેળવી હતી. ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી ગ્રાહકની વ્યાખ્યામાં કમર્શિયલ પર્પસ માટે સેવા મેળવનારનો સમાવેશ થતો નથી. તેથી તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ “ગ્રાહક”ની વ્યાખ્યામાં આવતા નથી અને તેથી ફરિયાદો મેઈન્ટેનેબલ ન હોવાની દલીલો કરી હતી.
કમિશનના પ્રમુખ પી.પી. મેખીયા તથા સભ્ય ડો. તીર્થેશભાઈ મહેતાએ બંને પક્ષોની દલીલો તથા રેકોર્ડ પરના દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ નોંધ્યું હતું કે ફરિયાદીઓએ ઓવરડ્રાફ્ટની સુવિધા પોતાના ટેક્સટાઈલના ધંધા માટે મેળવી હતી અને તે વ્યવસાયિક હેતુ માટે લેવાયેલી હોવાથી ફરિયાદીઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહક ગણાઈ શકે નહીં. તેથી કમિશને બંને ફરિયાદો ગ્રાહક ન હોવાના કારણસર રદ કરી છે. ફરિયાદીઓ સિવિલ કોર્ટમાં પોતાનો તકરારનું નિર્ણય યોગ્ય રીતે કેસ દાખલ કરી તકરારનું નિવારણ મેળવવા હકદાર રહેશે તેવું પણ હુકમમાં જણાવ્યું હતું.
બેંક ઓફ બરોડા તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ તથા એડવોકેટ ઈશાન દેસાઈ દ્વારા દલીલો કરવામાં આવી હતી.