
ભારતમાં ઘણા એવા ગામડાઓ છે જે તેમની અનોખી પરંપરાઓ અને રહસ્યમય ઓળખને કારણે ચર્ચામાં રહે છે. આવું જ એક સ્થળ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલું ધડકાઈ (અથવા દધકાઈ) ગામ છે, જે દેશભરમાં ‘સાઇલેન્ટ વિલેજ’ તરીકે ઓળખાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે મોટી સંખ્યામાં રહેવાસીઓ સાંભળી કે બોલી શકતા નથી; ગામમાં રહેનારા ઘણા પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય મૂક-બધિર છે. આ જ કારણ છે કે, અહીં સામાન્ય ગામોની જેમ બાળકોના અવાજો, વાતચીત કરવાના અને સામાન્ય ગામડાઓમાં જોવા મળતા સામાન્ય ધમાલના અવાજો અહીં ઓછા સંભળાય છે. લોકો સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને એક-બીજા સાથે વાતચીત કરે છે.
પરિસ્થિતિ શું છે?
એવું કહેવામાં આવે છે કે ગામમાં મૂક-બધિર બાળકનો પહેલો કેસ 1901માં નોંધાયો હતો. ત્યારબાગ સમય જતા આવા કેસોની સંખ્યામાં વધારો થયો, અને આજે ગામના ઘણા પરિવારો આ સમસ્યાથી પ્રભાવિત છે. આ કોઈ શ્રાપનું નહીં, પરંતુ આનુવંશિક પરિબળોનું પરિણામ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાંબા સમય સુધી બંધ સમુદાયમાં લગ્નો થવાને કારણે આ આનુવંશિક લક્ષણ પેઢી દર પેઢી આગળ વધતું ગયું. જો કે, ગામના કેટલાક વડીલો હજુ પણ આ સ્થિતિને પ્રાચીન અભિશાપ તરીકે જોડીને જુએ છે.

આ ગામમાં રહેનારા લોકો તેમનું સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે છે. ખેતી, પશુપાલન અને નાના પાયે નોકરીઓ તેમની આવકના પ્રાથમિક સ્ત્રોત છે. જે લોકો સાંભળી કે બોલી શકતા નથી તેઓ સાંકેતિક ભાષા દ્વારા તેમના પરિવારો અને સાથી ગ્રામજનો સાથે સરળતાથી વાતચીત કરે છે. શૈક્ષણિક અને આરોગ્યસંભાળ સુવિધાઓનો અભાવ અહીં એક મહત્ત્વપૂર્ણ પડકાર છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે વિશેષ શિક્ષણ અને સારી તબીબી સંભાળ મળવાથી મૂક-બધિર બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવી શકાય છે. તાજેતરના વર્ષોમાં આ ગામની કહાની દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની છે. ઘણાં સંશોધકો અને ડૉક્ટરો અહીં પહોંચીને અભ્યાસ કરી ચૂક્યા છે. તેમનો હેતુ આ દુર્લભ આનુવંશિક સ્થિતિને સમજવા અને ભવિષ્ય માટે ઉકેલ શોધવા માટે કામ કરવાનો છે.