fbpx

સુરતમાં વરસાદમાં ન્હાયા બાદ 2 લોકોને લાગ્યો વીજ કરંટ

Spread the love

સુરતમાં વરસાદમાં ન્હાયા બાદ 2 લોકોને લાગ્યો વીજ કરંટ

રાજ્યભરમાં મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે ઘણા સ્થળો પરથી અકસ્માત, ઝાડ પડવી, વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી રહી છે. સુરતથી પણ કંઇક એવી જ ઘટના પ્રકાશમાં આવી છે.  સુરતના રાંદેર વિસ્તારમાં સોમવારે સાંજે ધોધમાર વરસાદમાં ન્હાયા બાદ એક યુવકને લોખંડની સીડીમાંથી જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. મિત્ર અને પાડોશીને તડફડતો જોઈ તેને બચાવવા દોડેલા અન્ય એક આધેડ વયના મિત્રને પણ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ પહોંચે તે અગાઉ જ જ બંનેના જીવ જતા રહેતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવકની પત્નીના હૈયાફાટ રુદન કરતી જોવા મળી હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રાંદેરગામમાં મોટી મસ્જિદ પાસે આવેલી સુઝાતખાન સ્ટ્રીટમાં 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ રહેતો હતો અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે સાંજે સુરતમાં પડેલા ધોધમાર વરસાદમાં આઝમ ઘરની બહાર વરસાદી પાણીમાં ન્હાવા માટે ગયો હતો. વરસાદમાં ન્હાયા બાદ તે ભીના કપડે પરત ઘરમાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરની લોખંડની સીડી ચઢતી વખતે તેમાં પ્રસરેલા કરંટની ચપેટમાં આઝમ આવી ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે આઝમ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી.

surat news

આઝમને કરંટ લાગ્યો હોવાની અને તે તરફડી રહ્યો હોવાની જાણ પાડોશમાં જ રહેતા તેના મિત્ર 43 વર્ષીય મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખને થતા તે આઝમને બચાવવા માટે દોડી ગયો હતો. પરંતુ કમનસીબે, જેવો જ સલમાને આઝમને પકડવાનો કે બચાવવાનો પ્રયાસ કર્યો, તે સાથે જ ભીના શરીરના કારણે હાઈવોલ્ટેજ કરંટ સલમાનના શરીરમાં પણ પસાર થઈ ગયો હતો. જોતજોતામાં બંને મિત્રો કરંટના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ લાઈન બંધ કરાવી બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ ચકાસણી બાદ બંનેને સિવિલ લાવતા પહેલા જ મૃત જાહેર કર્યા હતા. એકસાથે કમાતા-ધમાતા બે મિત્રોના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. મૃતકની પત્ની અને બાળકોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ધ્રુજી ઉઠ્યું હતું.

surat news

આ સમગ્ર મામલે રાંદેર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ આ કરંટ લાગવાની ઘટના હોવાનું સામે આવ્યું છે પરંતુ, સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, સાંજે આકાશમાં ભારે કડાકા-ભડાકા થતા હોવાથી કદાચ વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંનેના મોતના સાચા કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મૃતક સલમાનની બહેને જણાવ્યું કે, ‘સલમાન મારો નાનો ભાઈ છે. તે લિમ્બાયત (લિમ્બડીપુરા) વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. તે જે મકાનમાં રહેતો હતો તે આખા ઘરમાં કરંટ આવતો હતો. જેમાં મારી ભાભીને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો, પરંતુ સદનસીબે તેમને કંઈ થયું નહીં. અમારી બાજુમાં પણ એક પાડોશી રહે છે. અમારા બંનેના મકાન માલિક એક જ છે, આ તેમનું જ મકાન છે. જ્યારે બાજુવાળા પાડોશીને કરંટ લાગ્યો, ત્યારે તેમણે સલમાન (મારો ભાઈ)ને બૂમ પાડીને બોલાવ્યો કે ‘સલમાન મને બચાવ’. મારો ભાઈ તેને બચાવવા માટે ગયો અને તેને પણ કરંટ લાગી ગયો.”

તેણે વધુમાં જણાવ્યું કે, પાડોશીના ઘરમાં અને મારા ભાઈના ઘરમાં, આખા પરિસરમાં કરંટ દોડતો હતો. આ બાબતે મકાન માલિકને બેથી ત્રણ વાર જઈને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ક્યારેય આ બાબતને ગંભીરતાથી લીધી નહીં. તેઓ હંમેશા સમયસર આવીને ભાડું લઈને ચાલ્યા જતા હતા, પણ ક્યારેય એ ન પૂછ્યું કે ઘરમાં શું સમસ્યા છે. “આ વીજ કરંટના કારણે જ મારા ભાઈનું મોત થયું છે. અત્યારે મકાન માલિક એવું બહાનું કાઢે છે કે આકાશમાંથી વીજળી પડી હતી. જો આકાશી વીજળી પડી હોય તો શરીર આખું બળી જાય, જ્યારે મારા ભાઈના શરીર પર એવા કોઈ જ ડાઘ કે બળવાના નિશાન નથી.

surat news

હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે. પ્રાથમિક માહિતી અનુસાર વરસાદી પરિસ્થિતિ દરમિયાન કરંટ લાગવાની આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે કરંટ કેવી રીતે લાગ્યો, ખુલ્લો વીજ વાયર જવાબદાર હતો કે અન્ય કોઈ ટેકનિકલ ખામી હતી, તે અંગે સંબંધિત વિભાગ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

 વીજ વિભાગના અધિકારીઓ પણ સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કરી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વરસાદી મોસમ દરમિયાન ખુલ્લા વીજ વાયર, પાણી ભરાયેલા વિસ્તારો અને વીજ ઉપકરણોની સલામતી અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.

તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખે, ક્યાંય ખુલ્લા વાયર કે વીજ થાંભલાની આસપાસ પાણી ભરાયેલું હોય તો ત્યાં જવાનું ટાળે અને શંકાસ્પદ સ્થિતિ જણાય તો તાત્કાલિક વીજ વિભાગ અથવા પોલીસને જાણ કરે.

Leave a Reply

error: Content is protected !!