
જો તમે દિલજીત દોસાંઝના ચાહક છો, તો તમે કદાચ આ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદથી વાકેફ હશો. ઇન્ટરનેટ પરથી તેને હટાવવાને લઇને લોકોમાં રોષ છે; જોકે, સરકારે હવે સ્પષ્ટતા જાહેર કરી છે. ફિલ્મ ‘સતલુજ’, એ દિલજીત દોસાંઝ અભિનીત એક નવી ફિલ્મ છે. તે 1990ના દાયકા દરમિયાન પંજાબમાં બનેલી ઘટનાઓ પર આધારિત છે અને માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાની કહાની દર્શાવે છે ફિલ્મ રીલિઝ થયાના બે દિવસ પછી જ Zee5 પરથી આ ફિલ્મ હટાવી દેવામાં આવી હતી. સરકારે તેને હટાવવાનો આદેશ આપ્યો, લોકો પૂછી રહ્યા છે કે આવું કેમ થયું? ચાલો સરળ શબ્દોમાં સમજીએ.
સરકારે કેમ પ્રતિબંધિત કરી ફિલ્મ
કેન્દ્ર સરકારના સૂત્રો અને સત્તાવાર અહેવાલો દ્વારા આ કડક નિર્ણય પાછળનું વાસ્તવિક કારણ અને ‘કડવું સત્ય’ સામે આવ્યું છે. સરકારી સૂત્રો અનુસાર, સમીક્ષા બાદ નક્કી થયું છે કે ફિલ્મ ‘સતલુજ’ના અમુક ભાગો અને દૃશ્યોનો ભારત વિરોધી તાકતો દ્વારા દુરુપયોગ થઈ શકે છે.
જો કે આ ફિલ્મ પંજાબના અત્યંત સંવેદનશીલ સમયગાળા (1980-90ના દાયકાના ઉગ્રવાદ) અને માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે. તેમાં સરકારનું માનવું છે કે કેટલાક અનસેન્સર્ડ દૃશ્યો જાહેર વ્યવસ્થા અને શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ મુજબ, ભલે OTT સામગ્રીને સેન્સર બોર્ડ (CBFC) પાસેથી મંજૂરીની જરૂર નથી, પરંતુ તેણે માહિતી ટેકનોલોજી (IT) નિયમો, 2021માં દર્શાવેલ ‘કોડ ઓફ એથિક્સ’નું પાલન કરવાનું હોય છે. આ નિયમો હેઠળ, કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ એવી સામગ્રી નહીં બતાવી શખે, જે દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અથવા રાજ્યની સુરક્ષાને જોખમમાં મૂકે.

ફિલ્મ પર પ્રતિબંધ પાછળનું બીજું એક મહત્ત્વપૂર્ણ ટેકનિકલ ‘કડવું સત્ય’ એ પણ છે કે નિર્માતાઓએ મૂળ રૂપે તેને 2022માં ‘પંજાબ 95’ શીર્ષક હેઠળ થિયેટ્રીકલ રીલિઝ માટે મોકલી હતી. તે સમયે, સેન્સર બોર્ડ (CBFC)એ ફિલ્મમાં 127 કાપ મૂકવાનો અને તેનું શીર્ષક બદલવાનો નિર્દેશ આપ્યો હતો. જેને નિર્માતાઓએ પાલન કરવાનો ઇનકાર કર્યો અને રીલિઝ મુલતવી રાખી દીધી.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, કાપ પર વિચાર-વિમર્શ કર્યા પછી, નિર્માતાઓએ સેન્સર બોર્ડના અધિકારક્ષેત્રથી બચવા માટે ફિલ્મનું નામ બદલીને ‘સતલુજ’ રાખ્યું અને તેમાં કોઇ કાપ વિના OTT પ્લેટફોર્મ પર રીલિઝ કર્યું. જ્યારે આ મામલો સરકારના ધ્યાન પર આવતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.