
ભાવનગર શહેર અને જિલ્લામાં રોકાણકારોને રાતોરાત અમીર બનવાના સપના બતાવી કરોડો રૂપિયાનું બૂચ મારનાર ધામેચા બ્રધર્સના સ્કેમમાં ભાવનગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. થોડા દિવસો અગાઉ જ પકડાયેલા મુખ્ય સૂત્રધાર સંજય ધામેચાની પૂછપરછમાં તેના જ પિતરાઈ ભાઈ યોગેશ ધામેચાનું નામ ખુલ્યું હતું. યોગેશ આ સમગ્ર ગેરકાયદેસર પોન્ઝી સ્કીમના નાણાકીય વ્યવહારો સંભાળતો હોવાના પુરાવા મળતા પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે. આ બંને ભાઈઓએ ભેગા મળીને ભાવનગરના મહેનતકશ વર્ગને નિશાન બનાવ્યો હતો.
શરૂઆતના તબક્કે રોકાણકારોને આકર્ષવા માટે થોડું વળતર ચૂકવાયું હતું, પરંતુ સમય જતા કરોડો રૂપિયા એકઠા થઈ જતા બંને ભાઈઓ રફુચક્કર થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક ડાયરીમાં હાલ 1.25 કરોડથી વધુની રકમની છેતરપિંડી સત્તાવાર રીતે સામે આવી ચૂકી છે, પરંતુ દાખલ થયેલી ફરિયાદ મુજબ આંકડો વધારે છે. અંદાજે 1500થી વધુ છેતરાયેલા રોકાણકારો પાસેથી અંદાજે કરોડોનું રોકાણ મેળવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ આંકડો હવે 300-400 કરોડને પાર જવાની શક્યતા છે.
LCBએ આરોપીઓની ઓફિસ અને ઘરેથી લેપટોપ, બેંકના ડિજિટલ દસ્તાવેજો અને રોકાણકારોના નામ અને વળતરની વિગતો દર્શાવતું લખાણવાળું સાહિત્ય જપ્ત કર્યું છે. કોર્ટે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હોવાથી પોલીસ હવે આ કરોડો રૂપિયા કયા વ્યવસાય કે રિયલ એસ્ટેટમાં સગેવગે કરાયા છે તેની ઊંડી તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, યોગેશ ધામેચા ભાજપનો સંગઠન મંત્રી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ એક વ્યક્તિ પાસેથી મોટી રકમ મેળવી અન્ય વ્યક્તિને આપેલા વચન મુજબ 20% વ્યાજ ચૂકવી રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ કરોડો રૂપિયા એકત્ર કરીને અંદાજે બે માસથી ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં સાત રોકાણકારોની ફરિયાદના આધારે રૂ.1,03,14,500ની છેતરપિંડી સામે આવી હતી.
જોકે LCBની તપાસ દરમિયાન વધુ આઠ રોકાણકારો આગળ આવતા ફરિયાદની રકમ વધીને 1 કરોડ 29 લાખ 4 હજાર 500 રૂપિયા થઈ છે. બીજી તરફ, પીડિતોના જણાવ્યા મુજબ બંને ધામેચા બંધુઓએ અંદાજે રૂ. 400 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું તેઓ દાવો કરી રહ્યા છે. આરોપીના પરિવારે જણાવ્યું હતું કે, સંજય ધામેચાની આશરે 43 વર્ષની ઉંમર છે. તેના લગ્ન થઇ ચૂક્યા છે.
બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી છે અને તેના પિતા નિવૃત્ત શિક્ષક છે. સંજયે ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ ITIમાંથી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ વ્યવસાયે ઈકો વાહન ચલાવી જીવનનિર્વાહ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ તે મંડળનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેના શેરબજાર કે રોકાણના વ્યવસાય અંગે પરિવારને કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.

યોગેશ ધામેચાની અંદાજીત ઊંમર 28-30 વર્ષ છે. તેના પરિવારમાં માતા અને 3 ભાઈઓ છે. જેમાં યોગેશ બીજા નંબરનો દીકરો છે અને તેણે ત્રીજા સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન થઈ ગયા છે અને બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકીય કનેક્શન અંગે પૂછતા યોગેશ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી ભાજપમાં સંગઠન મંત્રી છે.
રોકાણકારોએ નાણાંનું રોકાણ કર્યું છે અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાય છે, તે તમામ લોકોના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની તેમજ તેમના નિવેદનો નોંધવાની કામગીરી ચાલી રહી છે. આરોપી યોગેશ ધામેચા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવે છે કે નહીં તે અંગે પૂછતાં PSI વાઢેરે જણાવ્યું હતું કે, હાલ સુધીની પોલીસ તપાસમાં તે બાબત અંગે કોઈ પુરાવો કે હકીકત સામે આવી નથી. સાથે જ તેમણે અપીલ કરી હતી કે, જે કોઈ રોકાણકારો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તેઓ જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી માટે આગળ આવે.
કૌભાંડી યોગેશ ધામેચાની લીલાબેન માતાએ જણાવ્યું હતું કે, આ બાબતે અમને કંઈ ખબર નથી. અમે મજૂર માણસ છીએ. હું દાડીએ જઉં પછી સાંજે ઘરે પાછી આવું. એ શું કરતો એ ખબર નથી. મેં દાડી કરીને નાનપણથી મોટા કરી લગ્ન કરાવ્યા. છેલ્લા 4-5 મહિનાથી મારા જેઠના દીકરા સંજય સાથે ફરતો હતો. 20%-20% કરતો એ આપણને ખબર ન હોય અને હું કંઈ ભણેલી નથી તો મને કંઈ ખબર મતી. હું દાડી કરી સાંજે આવતી.

આ મુદ્દે એજન્ટ તરીકે કામ કરતા રઘુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલમાં મારા અંડરમાં 20-25 લોકો છે અને 20%નું વળતર ચૂકવવાની બંનેએ મને બાંહેધરી આપી હતી. સંજયે સ્ટેમ્પ પેપર લખાણ આપ્યું હતું અને તેનો વિશ્વાસ કરી મેં રોકાણ કર્યું હતું. અંદાજે મારા ખાતામાં 56 લાખ 70 હજાર જેટલા રૂપિયા પડ્યા છે. જેમાં 20% ટકા વળતર આપવાનું હતું અને મારા ખાતામાં જે છે એ બધા નાના, ગરીબ માણસોના પૈસા છે.
મારી એક એજન્ટ તરીકે જવાબદારી બને છે કે, હું એમના માટે અવાજ ઉઠાવું, લડું અને રોકાણકારોના પૈસા પરત આવે તે માટે હું એમને પૂરેપૂરી મદદ કરીશ. મારા પર્સનલ 7થી 8 લાખ રૂપિયા હતા જે મેં મારું સારૂ ઘર બનાવવા ભેગા કર્યા હતા. અત્યારે હાલ એ ઘરમાં પાણી પડે છે, પણ જે મારા પૈસા ડૂબી ગયા તો મારો વિશ્વાસ પણ તૂટી ગયો કે હવે આ મકાન આગળ નહીં વધે. આમાં કૂલ 150થી વધુ એજન્ટો હતો અને હું પણ એજન્ટ હતો. હું સ્થાનિક છું એટલે અમે અવારનવાર મળતા હતા. એમણે મને કહ્યું કે, તું આમાં રોકાણ કર તો તારૂં મકાનને બધું અને તારી જે કન્ડિશન છે તેમાંથી તું બહાર નીકળી જઈશ. મેં વિશ્વાસ મૂકીને આમાં રોકાણ કર્યું હતું. આજે મારી સાથે વિશ્વાસઘાત થયો.
તેણે કહ્યું કે, બંને ભાઈએ મને 20% નું વળતર ચૂકવવાના હતા. આ દરમિયાન કસ્ટમરોના મારી ઉપર ફોન આવવા લાગ્યા હતા. જે કસ્ટમરો નાના, ગરીબ અને શોષિત માણસોનો અવાજ બનીશ અને એક એજન્ટ તરીકે આગેવાની લઈને તેમને વળત પરત અપાવવા પર્યત્ન કરીશ.
ફરિયાદકા ગામના સામાજિક કાર્યકર્તા બળવંત બોરીચાએ જણાવ્યું હતું કે, બે-અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું અને મને છેલ્લા એક વર્ષથી આ ઘટનાની બધી જાણ થઈ હતી. આમાં અંદાજીત 30થી 35 ગામોના અલગ અલગ જગ્યાએથી રોકાણકોરો છે અને હજારો માણસો આમાં ભોગ બન્યા છે. આ બંને ભાઈઓમાંથી યોગેશ ધામેચા છેલ્લા 15 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર્તા છે. યોગેશ સારા એવા દિગ્ગજ મોટા નેતાઓ સાથે સંકળાયેલો છે.

સંજય ધામેચા સાથે 5થી 10 લોકો 24 કલાક સાથે રહેતા હતા. રાત-દિવસ હરવું-ફરવું, એના એકાઉન્ટનું કામ સંભાળવું, પૈસાની લેવડ-દેવળ, કોઈપણ જગ્યાએ લઈ જવા આ તમામ કાર્યો પાંચથી 10 લોકો જ સંભાળતા હતા. હું તો એવું ઈચ્છું છું કે, તપાસમાં આ લોકોની પણ તપાસ થવી જોઇએ તો જ ખ્યાલ આવશે કે આમાં કોણ-કોણ કેટલું ઊંડાણપૂર્વક ઉતરેલું છે અને ગુનામાં કોણ કોણ સામેલ છે.
તેમણે કહ્યું અંદાજીત 300-350 કરોડનું આ કૌભાંડ છે. આ બધુ એજન્ટો મારફતે કરવામાં આવતું હતું અને શરૂઆતમાં તે પર્સનલી બધા સાથે કોમ્યુનિકેશન કરતો કે, ભાઈ હું આ રીતે બિઝનેસ ચલાવું છું. તમને ઈન્ટરેસ્ટ હોય તો આમાં ઇન્વેસ્ટ કરો.
આમ જોઈ તો એક પ્રકારનું બહુ મોટાપાયે ફ્રોડ છે. અત્યારે માણસો આ ભૂખમરી, મોંઘવારીના સમયમાં એવું ઇચ્છતા હોય છે કે, આપણે ક્યાંક બે-પાંચ પૈસા કમાઈએ. એટલે આ લાલચ અને લોભમાં આવીને ભોગ બનનારો આ પગલાં ભરે છે.