
UPના સુલતાનપુરમાં BJPની એક મહિલા નેતાની દબંગગીરી જોવા મળી. પોતાને BJPના જિલ્લા કોષાધ્યક્ષ ગણાવતી મહિલા પૂજા કસૌધનએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. BJPના આ મહિલા નેતાએ ઈન્સ્પેક્ટરની સામે એક યુવકને થપ્પડ મારી. તેમણે કહ્યું, શાસન અને વહીવટીતંત્ર મારું છે. મહિલા નેતાની આ હરકતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બુધવાર સાંજનો હોવાનું કહેવાય છે.

BJP નેતા ગીતા ગુપ્તા ઉર્ફે પૂજા કસૌધન શહેરના કોતવાલી વિસ્તારના શાહગંજ ચોકી વિસ્તારની રહેવાસી છે. તેઓ BJPની મુખ્ય સમિતિમાં કોષાધ્યક્ષ પણ છે. કોતવાલી પ્રભારી સુરેશ મિશ્રાએ જણાવ્યું કે, ગીતા ગુપ્તા ઉર્ફે પૂજા કસૌધને એક ઘર માટે કરાર કર્યો છે. શહેરના રહેવાસીઓ શિવ સુંદર ગુપ્તા, અભિષેક બરનવાલ, અનુજ કસૌધન પૂજાના આ કરારનો વિરોધ કરે છે. બુધવારે અભિષેક બરનવાનને ત્યાં કામ કરતો યુવક અરુણ બાઇક પર ક્યાંક જઇ રહ્યો હતો. આ દરમિયાન યોગાનુયોગ ગીતા ઉર્ફે પૂજા પણ તેના પુત્ર સાથે ટુ-વ્હીલર પર જઈ રહી હતી. આ યોગાનુયોગ જ હતો કે અરુણ પૂજાની ગાડીની પાછળ બાઇક લઈને જતો હતો.
અરુણ વિરોધી માટે કામ કરતો હોવાથી, પૂજાએ યુવક પર તેનો પીછો કરવાનો આરોપ લગાવ્યો અને તેને પકડીને શાહગંજ ચોકી પર લઈ ગઈ. અહીં તેણે યુવકને પોલીસને સોંપી દીધો અને તેની સામે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન પૂજા ઉભી થઈ અને યુવક પાસેથી તેનો મોબાઈલ છીનવી લીધો અને તેને થપ્પડ મારી દીધી. પોસ્ટની અંદર યુવકને થપ્પડ મારતા પૂજાએ કહ્યું, શાસન અને વહીવટીતંત્ર મારું છે. તું મારી જશે, કોઈ પૂછવાવાળું નહીં હોય. આ બધું કેમેરામાં કેદ થઈ ગયું અને વાયરલ થયું. જોકે, KHABARCHHE.COM આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ સમગ્ર ઘટના શાહગંજ ચોકીના ઈન્ચાર્જની સામે બની, તેઓ ફક્ત મૂક પ્રેક્ષક બનીને રહ્યા. થપ્પડ મારવાની સાથે BJPની આ નેતાએ યુવકને કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા.

SPએ વાયરલ વીડિયોની નોંધ લીધી અને રિપોર્ટ નોંધીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ચોકીની અંદર બનેલી આ ઘટનાની તપાસ CO નગર રાઘવેન્દ્ર સિંહને સોંપવામાં આવી છે. જ્યારે ગીતા ઉર્ફે પૂજા કસૌધનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે તે પોતાનો પક્ષ પાછળથી રજૂ કરશે, અત્યારે તે ક્યાંક બેઠી છે. બીજી તરફ CO નગર રાઘવેન્દ્ર સિંહે રિપોર્ટ નોંધ્યો છે અને તપાસના આદેશની પુષ્ટિ કરી છે.

જ્યારે બીજી તરફ, આગ્રામાં બ્રાહ્મણ સન્માન પર સેમિનાર સમાપ્ત થતાં જ SPની બેઠક દરમિયાન પાર્ટીના સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. મથુરા જિલ્લા પ્રમુખ વીરેન્દ્ર યાદવ અને મુલાયમ સિંહ યુવા બ્રિગેડના જિલ્લા અધ્યક્ષ રાઘવેન્દ્ર તોમર વચ્ચે અપશબ્દો બોલવામાં આવ્યા હતા. ઓફિસની અંદરથી શરૂ થયેલો તણાવ રોડ સુધી પહોંચ્યો હતો. લડાઈ થવાની જ હતી પરંતુ આગ્રાના કાર્યકર્તાઓએ ગમે તેમ કરીને વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.