fbpx

સુરતમાં પૂર ફરી આવશે જ, તૈયાર રહો!!!

Spread the love

સુરતમાં પૂર ફરી આવશે જ, તૈયાર રહો!!!

ઓગસ્ટ, 2006. સુરતના ઇતિહાસનો કદાચ સૌથી કાળો સમય. ઉકાઈ ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણી અને ભારે વરસાદના કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લાખો લોકો પ્રભાવિત થયા, હજારો કરોડનું નુકસાન થયું અને દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરને સમજાયું કે કુદરત સામે વિકાસ કેટલો નબળો પડી શકે છે.

આ દુર્ઘટના બાદ અનેક નિષ્ણાતો, સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સુરતનું વિશ્લેષણ કર્યું. ત્યારે અર્બન પ્લાનિંગના નિષ્ણાતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું—સુરતમાં પૂર આવશે જ તૈયાર રહો. 

આ વાક્ય આજે, લગભગ વીસ વર્ષ પછી, ફરી એક વખત સાચું સાબિત થતું દેખાઈ રહ્યું છે. દર વખતે શહેરમાં પાણી ભરાય ત્યારે તંત્રનો પાંગળો બચાવ હોય છે -આ વખતે વરસાદ ખૂબ વધારે પડ્યો.

પરંતુ શું માત્ર વરસાદ જવાબદાર છે? જો માત્ર વરસાદ જવાબદાર હોત તો વિશ્વના ઘણા શહેરો દર વર્ષે પાણીમાં ડૂબી જતા. સિંગાપોરમાં વરસાદ સુરત કરતાં વધારે પડે છે. જાપાનના ટોક્યોમાં ટાઈફૂન આવે છે. નેધરલેન્ડનું રોટરડેમ તો સમુદ્ર સપાટીથી પણ નીચે છે.

તો પછી ત્યાં શહેર કેમ ચાલે છે? અને સુરત કેમ અટકી જાય છે? જવાબ વરસાદમાં નહીં… જવાબ શહેરના આયોજનમાં છે.

03

સુરતની સૌથી મોટી મુશ્કેલી શું છે?

સુરત પાસે ત્રણ પડકાર એકસાથે છે- તાપી નદી, અરબી સમુદ્રની ભરતી, અતિભારે વરસાદ. આ ત્રણેય એકસાથે થાય ત્યારે શહેર પર અસાધારણ દબાણ આવે છે. જો વરસાદનું પાણી બહાર જતું હોય અને એ સમયે સમુદ્રમાં ભરતી હોય તો પાણી ઝડપથી બહાર નીકળી શકતું નથી. જો ઉપરથી ઉકાઈમાંથી પાણી છોડવું પડે તો સ્થિતિ વધુ ગંભીર બને છે. આ બાબત 2006માં પણ હતી. આજે પણ છે.

સુરત સમાચાર

કુદરતી ખાડીઓ ક્યાં ગઈ?

સુરતમાં વર્ષો પહેલાં વરસાદી પાણી માટે કુદરતી માર્ગો હતા. સ્થાનિક ભાષામાં જેને “ખાડી” કહેવામાં આવે છે. આ ખાડીઓ વરસાદી પાણી સીધું તાપી કે દરિયામાં લઈ જતી.

પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં… રહેણાંક પ્રોજેક્ટ, કોમર્શિયલ વિકાસ,રસ્તાઓ,  ઔદ્યોગિક વિસ્તારો વધતા ગયા. અને ઘણી જગ્યાએ કુદરતી પાણીના માર્ગો સાંકડા થતા ગયા. કેટલીક જગ્યાએ તો ગાયબ થઈ ગયા.વરસાદનું પાણી પછી જશે ક્યાં?

શહેરે કોંક્રીટનું કમ્બળ ઓઢી લીધું

એક સમય હતો જ્યારે વરસાદ જમીનમાં ઉતરી જતો. આજે? દરેક જગ્યાએ…કોંક્રીટ.પેવર બ્લોક.ટાઇલ્સ.ડામર.પાર્કિંગ.મોલ.ટાવર્સ. જમીન પાણી પીતી જ નથી.પરિણામે થોડા કલાકોમાં જ લાખો લિટર પાણી રસ્તા પર આવી જાય છે.

02

SMC પાસે ફ્લડ મેપ છે…

પણ તેનો ઉપયોગ કોણ કરે છે? 2006 પછી સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો અભ્યાસ કરાવ્યો. પૂર માટેનો નક્શો બનાવડાવ્યો, પૂરની આગાહીની સિસ્ટમ વિકસાવી. વિવિધ ડિસ્ચાર્જ પર કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાશે તેની આગાહી.

આ બધું તૈયાર થયું. આજે પાલિકા પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોર્ટલ છે, ફ્લડ મોનિટરિંગ સિસ્ટમ છે. ફ્લડ પ્રીપેર્ડનેસ પોર્ટલ છે. તો પછી સવાલ થાય…
જો આટલી માહિતી ઉપલબ્ધ છે…તો—

શું બિલ્ડિંગ પરમિશન પહેલાં આ ડેટાનો ઉપયોગ થાય છે? શું નવી ટીપી સ્કીમ પહેલાં ફ્લડ રિસ્ટ એસેસમેન્ટ થાય છે? શું નાગરિકોને ખબર છે કે તેમનું ઘર પૂર ગ્રસ્ત વિસ્તારમાં આવે છે?

જો જવાબ “ના” હોય… તો ટેક્નોલોજીનો અર્થ શું?

 2026નો વરસાદ એક ચેતવણી છે

આ વર્ષે એક જ દિવસમાં લગભગ 358 મીમી વરસાદ થયો. અંદાજે 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાની વાત છે. હજારો લોકોનું રેસ્ક્યૂ.સેકડો સોસાયટીઓ પાણીમાં.કરોડોનું નુકસાન.આ ઘટના માત્ર વરસાદની નહોતી.આ એક પરીક્ષા હતી. અને શહેર હજુ સંપૂર્ણ રીતે પાસ થયું નથી.

ક્લાયમેટ ચેન્જ હવે ભવિષ્ય નથી પરંતુ વર્તમાન છે. હવામાન ખાતું  છેલ્લા કેટલાક વર્ષોથી એક વાત સતત કહે છે.વરસાદ ઓછા દિવસોમાં પડશે.પણ અત્યંત ભારે પડશે. આનો અર્થ એ થયો કે જૂની ડ્રેનેજ ડિઝાઇન હવે પૂરતી નથી.ગઈકાલની યોજના આવતીકાલના વરસાદ સામે હારી જશે.

Photo-(2)

હવે શું કરવું?

માત્ર પંપિંગ સ્ટેશન વધારવાથી સમસ્યા નહીં ઉકલે.હવે જરૂરી છે—

 -સમગ્ર શહેરનો ફ્લડ રિસ્ટ એટલાસ જાહેર કરવો.
 -દરેક નવા પ્રોજેક્ટ માટે ફ્લડ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ફરજિયાત બનાવવું.
– કુદરતી ખાડીઓનું જીઆઇએસ મેપિંગ અને કાયદેસર રક્ષણ.
– વરસાદી પાણી માટે સ્પોન્ડ સિટી કન્સેપ્ટ અપનાવવો.
– વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે પાણી જમીનમાં ઉતરે તેવા રોડ.
-રીયલ ટાઇમ એઆઇ આધારિત પૂરની આગાહી.
-દરેક વોર્ડ માટે માઇક્રો ફ્લડ પ્લાન 
-નાગરિકો માટે મોબાઇલ પર ફ્લડ એલર્ટ 
-ફ્લડ ઇન્શ્યોરન્સ માટે જાગૃતિ
-દર 5 વર્ષ ફ્લડ માસ્ટર પ્લાન અપડેટ કરવો

04

આપણે વિશ્વના બીજા દેશોમાંથી શીખવાની જરૂર છે.

સિંગાપોર વરસાદને દુશ્મન નહીં, સંસાધન માને છે.રોટરડેમમાં પાણી માટે અલગ જાહેર ચોક બનાવે છે. વરસાદ આવે ત્યારે એ ચોક તળાવ બની જાય છે.
ટોક્યોમાં  શહેરની નીચે વિશાળ અન્ડરગ્રાઉન્ડ ફ્લટ ટનલ છે.

ભારતના સૌથી સમૃદ્ધ શહેરોમાંના એક સુરત માટે આ સ્વપ્ન નથી.યોગ્ય આયોજન હોય તો આ શક્ય છે.

આપણે દર વર્ષે એક જ ચર્ચા કરીએ છીએ.પાણી કેમ ભરાયું? પરંતુ સાચો પ્રશ્ન છે. પાણી જવું ક્યાં જોઇતું હતું? જો શહેરમાંથી પાણીને જવા માટેના કુદરતી રસ્તા જ ગાયબ થઈ જશે…તો પાણી રસ્તા પર જ આવશે.

2006માં ચેતવણી મળી હતી.2026માં ફરી કુદરતે યાદ અપાવ્યું. હવે જો આપણે ફરી માત્ર વરસાદને દોષ આપીશું… તો કદાચ 2036માં પણ આ જ લેખ લખવો પડશે. પૂર કુદરતી ઘટના છે. પરંતુ શહેરને આપત્તિમાં ફેરવવાનું કામ ઘણીવાર માનવસર્જિત આયોજનની ભૂલો કરે છે.

સુરત પાસે પૈસા છે.ટેકનોલોજી છે.નિષ્ણાતો છે.

હવે જરૂર છે માત્ર એક બાબતની—રાજકીય ઇચ્છાશક્તિ અને લાંબા ગાળાના શહેરી આયોજનની. કારણ કે.. ફરી પૂર ક્યારે આવશે એ કોઈ કહી શકતું નથી.પરંતુ આવશે એ હવે લગભગ નિશ્ચિત છે.

Leave a Reply

error: Content is protected !!