fbpx

પ્રાંતિજ તાલુકામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી: “સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન”નો સંદેશ અપાયો

Spread the love

પ્રાંતિજ તાલુકામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી: “સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન”નો સંદેશ અપાયો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. “સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન” થીમ હેઠળ સમગ્ર અઠવાડિયા દરમિયાન શેરી બેઠકો, ઘર-ઘર મુલાકાતો તેમજ કુટુંબ નિયોજન અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પંકજ કટારાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી સરકારની કુટુંબ નિયોજન સેવાઓ અને યોજનાઓ અંગે માહિતી પહોંચાડવામાં આવી રહી છે.


બુધવારે વાઘરોટા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય કર્મચારી સીતાબેન રબારી અને નિકુલભાઈ દેસાઈએ ગામના લાયક દંપતીઓનો સંપર્ક કરી કુટુંબ નિયોજનની કાયમી તેમજ બિનકાયમી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ યોગ્ય સમયાંતરે સંતાન આયોજનના આરોગ્યલક્ષી લાભોની પણ સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજ કટારાએ જણાવ્યું હતું કે વધતી વસ્તી વૈશ્વિક પડકાર છે, જેના કારણે અનેક સામાજિક અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવે છે અને તમામ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ પ્રથમ બાળક માટે ઓછામાં ઓછા બે વર્ષનો ગાળો તેમજ બે બાળકો બાદ ત્રીજા બાળક માટે ત્રણ વર્ષનું અંતર રાખવું માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી રહી છે.


વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે યોજાઈ રહેલા આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પરિવાર નિયોજન પ્રત્યે જાગૃતિ લાવવાનો, માતા-બાળકના આરોગ્યમાં સુધારો કરવાનો અને સ્વસ્થ તથા સમૃદ્ધ સમાજના નિર્માણ માટે લોકોની ભાગીદારી વધારવાનો છે.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!