fbpx

પ્રાંતિજ ના પોગલુ ખાતે 300થી વધુ લોકોને આયુર્વેદિક શક્તિવર્ધક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ

Spread the love

પ્રાંતિજ ના પોગલુ ખાતે 300થી વધુ લોકોને આયુર્વેદિક શક્તિવર્ધક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન મોસમી અને પાણીજન્ય રોગોથી બચાવ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી સરકારી આયુર્વેદ દવાખાના, સોનાસણ દ્વારા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા, પોગલુના સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદિક શક્તિવર્ધક ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો


પોગલુ પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર પોગલુ અને શ્રી વારાહી શક્તિપીઠના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને ભક્તોએ લાભ લીધો. સરકારી આયુર્વેદ દવાખાના, સોનાસણના મેડિકલ ઓફિસર ડૉ. કિંજલ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા ઔષધીય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.


આ પ્રસંગે શ્રી વારાહી શક્તિપીઠના મહામંડલેશ્વર 1008 મહંત શ્રી સુનિલદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, “આયુર્વેદ આપણી પ્રાચીન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. સરકાર અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આરોગ્ય સેવાઓ ગામડાં સુધી પહોંચે તે સમયની જરૂરિયાત છે. ગૌસેવા સાથે નરસેવા એ જ સાચી સેવા છે.”


ડૉ. કિંજલ ગોસ્વામીએ જણાવ્યું કે ઉકાળામાં તુલસી, આદુ, ગળો, દારૂહળદ અને તજ જેવી ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, શરદી-ખાંસીમાં રાહત આપવામાં અને મોસમી રોગોથી બચાવવામાં ઉપયોગી છે.


કામધેનુ ગૌશાળાના સેવકોએ ઉકાળા તૈયાર કરવા અને તેના વિતરણની વ્યવસ્થા સંભાળી હતી. ગ્રામજનોએ આ આરોગ્યલક્ષી પહેલને આવકારી સરકાર, સરકારી આયુર્વેદ દવાખાના તથા શ્રી વારાહી શક્તિપીઠનો આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, પોગલુ પ્રાથમિક શાળાના શિક્ષકો તથા કામધેનુ ગૌશાળાના સેવકોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!