fbpx

પ્રાંતિજ ના તાજપુર કુઈની શ્રી શેઠ એમ.કે. ઓરણ ગ્રુપ શાળામાં ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના તાજપુર કુઈની શ્રી શેઠ એમ.કે. ઓરણ ગ્રુપ શાળામાં ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ યોજાયો

  • નિવૃત કર્મચારીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું કરાયું ભવ્ય સન્માન


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ખાતે આવેલી શ્રી ઓરણ કેળવણી મંડળ સંચાલિત શ્રી શેઠ એમ.કે. ઓરણ ગ્રુપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિવૃત કર્મચારીઓના સન્માન, ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના બહુમાન તેમજ શાળાના દાતાશ્રીઓના સન્માનને કેન્દ્રમાં રાખી “ત્રિવેણી સંગમ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું


કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે” પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ડૉ. ભાવિનભાઈ પટેલે મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યો હતો આ પ્રસંગે નિવૃત પૂર્વ આચાર્ય કૃષ્ણુસિંહ એન. રાઠોડ, જીગ્નેશ એમ. શેઠ, નિરંજના બહેન એન. પટેલ, ભગીરથ બી. સાધુ તથા જવાનસિંહ એ. રાઠોડ સહિતના નિવૃત કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે ફૂલહાર, શાલ અને શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા તેમના સન્માનપત્રોનું વાચન કરી મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના નિવૃત જીવનને નિરોગી, તંદુરસ્ત અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના નિવૃત શિક્ષક જીગ્નેશભાઈ એમ. શેઠની પુત્રી ડૉ. હેમાંગી શેઠને પીએચ.ડી.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી પરિવાર તથા શાળાનું ગૌરવ વધારવા બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું દાન આપનાર દાતાશ્રીઓનું પણ ફૂલહાર, શાલ અને શ્રીફળથી બહુમાન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શ્રી ઓરણ કેળવણી મંડળ દ્વારા સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


નિવૃત કર્મચારીઓએ પોતાના શાળાકાળના સંસ્મરણો વાગોળી ભાવુકતા વ્યક્ત કરી હતી. હર્ષ અર્પણ ફાઉન્ડેશન અને રોબિન હૂડ આર્મીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપી સમાજસેવાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મંડળના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પૂર્વ જિલ્લા સભ્યશ્રી, નિવૃત કર્મચારીઓ, શિક્ષકગણ, ગ્રામજનો, વાલીઓ, સ્નેહીજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય ડૉ. ભાવિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ બાદ સહભોજન સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!