fbpx

અણ્ણા હજારેએ સરકારને લખ્યો પત્ર, મંત્રીનું રાજીનામું લેવાથી સરકાર સત્તા નથી ગુમાવતી પણ…

Spread the love

અણ્ણા હજારેએ સરકારને લખ્યો પત્ર, મંત્રીનું રાજીનામું લેવાથી સરકાર સત્તા નથી ગુમાવતી પણ...

દેશમાં ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના આંદોલન વચ્ચે પ્રખ્યાત સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારને વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવા આગ્રહ કર્યો છે. 2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને માહિતી અધિકાર અભિયાનનું નેતૃત્વ કરનાર અણ્ણા હજારેએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, કોઈ મંત્રીનું રાજીનામું લેવાથી સમાજમાં એક મજબૂત સંદેશ જશે.

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, અણ્ણા હજારેએ PM મોદીને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે મંત્રીનું રાજીનામું માંગવાથી સરકાર નબળી નથી પડી જતી, પરંતુ તેનાથી અન્ય મંત્રીઓમાં જવાબદેહી અંગે એક કડક સંદેશ પહોંચે છે.

પત્રમાં હજારેએ લખ્યું, “જો જવાબદારી નક્કી કરીને કોઈ મંત્રીનું રાજીનામું લેવામાં આવે, તો તેનાથી સરકાર સત્તા ગુમાવી બેસતી નથી. ઊલટાનું, અન્ય મંત્રીઓને એ સ્પષ્ટ સંદેશ જાય છે કે જો તેઓ પોતાના વિભાગની જવાબદારીઓ યોગ્ય રીતે નહીં નિભાવે, તો તેમણે પણ પોતાનું પદ છોડવું પડશે. આનાથી સરકારની કામગીરી વધુ જવાબદેહ અને અસરકારક બનશે.”

બળપ્રયોગ સામે ચિંતા અને મંત્રીના રાજીનામાની માંગ

સામાજિક કાર્યકરે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા કડક એક્શન અને બળપ્રયોગ સામે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં અતિશય બળપ્રયોગ ટાળવો જોઈએ.

પરીક્ષામાં થયેલી ગડબડીઓને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વ્યાપક માંગ ઉઠી રહી છે ત્યારે અણ્ણા હજારેનું આ નિવેદન મહત્વનું બની રહે છે. આ માંગ CJPના આંદોલન તેમજ દિલ્હીમાં પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો મુખ્ય મુદ્દો રહી છે. જોકે, હજારેએ PMને લખેલા પત્રમાં સીધા ધર્મેન્દ્ર પ્રધાનનું નામ લીધું ન હતું.

NEET પેપર લીક અને 22 વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે ઘેરા દુઃખની લાગણી

NEET પરીક્ષાનો ઉલ્લેખ કરતાં અણ્ણા હજારેએ પત્રમાં નોંધ્યું કે 2024માં અને ત્યારબાદ ફરીથી 2026માં પ્રશ્નપત્ર લીક થવાના અને ગંભીર ગડબડીઓના આરોપો સામે આવ્યા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા રદ થયા બાદ 22 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો પર પણ તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં લખ્યું કે જ્યારે પણ કોઈ ગડબડી કે કૌભાંડ પ્રકાશમાં આવે છે, ત્યારે મોટાભાગે માત્ર નીચલા સ્તરના અધિકારીઓ પર જ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે, જ્યારે સકારાત્મક પરિણામોનો શ્રેય સરકાર પોતે લેતી હોય છે.

તેમણે સરકારને સલાહ આપી હતી કે શાંતિપૂર્ણ આંદોલનને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ગણવાને બદલે સરકારે પૂર્ણ જવાબદેહી સાથે તેનો ઉકેલ લાવવો જોઈએ.

પત્રના અંતમાં હજારેએ લખ્યું, “સરકારે પ્રદર્શનકારીઓની વાત શાંતિથી સાંભળવી જોઈએ, વિશ્વાસ કેળવવો જોઈએ અને ગાંધીવાદી સિદ્ધાંતો તથા લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખીને રચનાત્મક સંવાદ દ્વારા મનભેદ ઉકેલવા જોઈએ.”

Leave a Reply

error: Content is protected !!