
ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી ગઇ છે. ABVP દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીને નાણાકીય નુકસાન કરાવ્યું છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા અને તેમના પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર રાખી અગાઉ કરતા 5-6 ગણો પગાર ચૂકવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, નીરજા ગુપ્તાએ 1 જુલાઈ 2023ના રોજ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો અને 30 જૂન 2026ના રોજ તેમની ટર્મ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન તેમણે યુનિવર્સિટીની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાની ABVPએ ફરિયાદ કરી છે. જેના મુજબ અગાઉ જે કર્મચારીઓના પગાર હતા તેના કરતા 5-6 ગણા પગાર વધારા સાથે બહારથી કર્મચારીઓ લાવીને નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને લાખો રૂપિયાના પગાર આપવામાં આવ્યા હતા. આ ફરિયાદને લઈને યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવવામાં આવી છે.

ABVPએ આક્ષેપ કર્યો છે કે, પવન પંડિત યુનિવર્સિટીના કર્મચારી ન હોવા છતા સીધા જ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા છે. પવન પંડિત પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના Ph.Dના વિદ્યાર્થી હોવાને કારણે સત્તાનો દુરુપયોગ કરી તેની નિમણૂક કરી છે. ચંદ્રશેખર ઝા અને દિનેશકુમાર જેઓ નીરજા ગુપ્તાના પતિ અરૂણકુમાર સાથે ONCGમાં હતા. નિવૃત્તિ બાદ નીરજા ગુપ્તા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે.
સરકારની મંજૂરી વિના UGCના નિયમો વિરૂદ્ધ ઓળખીતા લોકોને મહિને 5 લાખના પગારે નોકરી રાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના કેટલાક લોકોની IKS વિભાગમાં પણ નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તાએ બેફામ કરેલી નિમણૂકના કારણે યુનિવર્સિટીને છેલ્લા 3 વર્ષમાં 10.93 કરોડનું આર્થિક ભારણ સહન કરવું પડ્યું છે.

ABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, ‘અમે ગુજરાત યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરી યુનિવર્સિટીને થયેલા નુકસાનની રિકવરી કરવાની માંગ કરવામાં આવી છે.’ ABVPની ફરિયાદના પગલે નીરજા ગુપ્તા સામે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિની રચવામાં આવી છે. આ તપાસ સમિતિમાં સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ, IQAના ડિરેક્ટર પ્રોફેસર સી.જી. બ્રહ્મભટ્ટ અને સ્કૂલ ઓફ લોના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડની નિમણૂક કરાઈ છે. આ સમિતિ ફરિયાદની તપાસ કરશે અને જો તેમાં તથ્ય જણાય તો ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ શકે છે અને યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.