fbpx

અનામત હટાવો આંદોલનથી ગુજરાતમાં ખળભળાટ, પાટીદાર આગેવાનોથી લઇને આદિવાસી આગેવાનોએ જાણો શું કહ્યું

Spread the love

અનામત હટાવો આંદોલનથી ગુજરાતમાં ખળભળાટ, પાટીદાર આગેવાનોથી લઇને આદિવાસી આગેવાનોએ જાણો શું કહ્યું

દેશભરમાં હવે સોશિયલ મીડિયા પર ‘અનામત હટાવો'(REMOVE RESERVATION) નામની ઝુંબેશ ચાલી રહી છે. દેશભરમાં પેપરલીક મુદ્દે ચાલી રહેલા આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ શરૂ થઈ છે. જેમા દેશમાંથી અનામત સિસ્ટમને નાબૂદ કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે તેની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આ કેમ્પેઇનને સમર્થન આપતા કહ્યું કે, અનામત નીતિની 10 વર્ષે સમીક્ષા કરવામાં આવે અને જરૂરિયાતમંદને લાભ મળે તે રીતની વ્યવસ્થા કરવી જોઇએ. તો બીજી તરફ આદિવાસી અને ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે, શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રાખવી જોઇએ. અનામત હટાવવાની વાત કરનારાઓનો હેતુ શું છે તે સમજાતો નથી. આ સમગ્ર ઝૂંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે.

1

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, સરદાર પટેલ ગ્રુપ (SPG)ના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, અનામતનો લાભ જ્ઞાતિના આધારે આપવાને બદલે માત્ર આર્થિક આધારે જ મળવો જોઈએ. વર્ષ 2012થી SPG દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન અને આંદોલનના પરિણામે જ 2021માં 10% EWS અનામત શક્ય બન્યું હતું, પરંતુ વર્તમાન સ્થિતિમાં જે વર્ગ કે સમાજને અનામત મળી રહ્યું છે, તેમાં છેવાડાના અને વાસ્તવિક રીતે ગરીબ માણસ સુધી તેનો લાભ પહોંચતો નથી.

સમાજના શિક્ષિત, આર્થિક રીતે સંપન્ન અને નોકરીયાત વર્ગના પરિવારો જ વારંવાર અનામતનો લાભ મેળવી રહ્યા છે. સરકારે જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર એક એવો કાયદો લાવવો જોઈએ જેનાથી કોઈપણ જ્ઞાતિનો ગરીબ પરિવાર અનામતનો સાચો હકદાર બને. જો સાચા અને જરૂરિયાતમંદ વર્ગને લાભ નહીં મળે તો તેનાથી દેશને મોટું નુકસાન થશે.

2

પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અનામતનો લાભ માત્ર આર્થિક કે સામાજિક રીતે ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ મળવો જોઈએ. સરદાર પટેલ ગ્રુપ દ્વારા પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ સુધારાવાદી કેમ્પેઇનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

EWS, OBC, SC, ST કે ઓપન કેટેગરી સહિત દરેક વર્ગમાં સરકારે એવી નીતિ બનાવવી જોઈએ જેથી સક્ષમ લોકોને બાદ કરી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી લાભ પહોંચી શકે. 90% કે 95% ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ ન બને તે માટે સરકારે તજજ્ઞો અને અનુભવીઓ સાથે મળીને નવી સુધારેલી વ્યવસ્થા ગઠિત કરવી જોઈએ.

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા વરૂણ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી ‘અનામત હટાવો’ કેમ્પેઇનમાં યુવાનોની લાગણી અને દેશના લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. અનામતની પદ્ધતિનું આકલન કરી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે સુધારા થવા જોઈએ.

અનામતનો લાભ જરૂરિયાતમંદના ઘર સુધી પહોંચવો જોઈએ. જાતિ વ્યવસ્થાની વાત કરીએ તો દુનિયામાં બે જ જ્ઞાતિ છે. એક અમીર અને એક ગરીબ. ગરીબનું હંમેશા શોષણ થયું છે અને અમીરને લાભ મળતા રહ્યા છે. અનામતમાં પણ આ જ પરિસ્થિતિનું સતત રિપિટેશન થઈ રહ્યું છે. અમારી માગણી છે કે, પોતાની નૈતિક જવાબદારી અને હિંમત દાખવે. આ વિષયમાં તમામ સમાજવર્ગોને સાથે રાખીને અનામતની સમીક્ષા અને સુધારા કરવાની તૈયારી દાખવવી જોઈએ.

રાજકીય દોરીસંચાર અંગે વરુણ પટેલે જણાવ્યું કે, ભારતમાં અત્યારે કોઈપણ એવી રાજકીય પાર્ટી નથી કે જે આટલું મોટું કેમ્પેઇન ચલાવી શકે. જાતિગણના કેમ્પેઇન હોય કે અનામત હટાવો , આ કોઈ રાજકીય પાર્ટીની તાકાત હોય એવું મને લાગતું નથી. આ રાષ્ટ્રના યુવાનોની તાકાત છે.

ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અનામતના દુરુપયોગને અટકાવી જરૂરિયાતવાળા વ્યક્તિને, તે કોઈપણ જ્ઞાતિનો હોય તેને લાભ મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ. હાલમાં જે સિસ્ટમ છે તેના કારણે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે જે ભેદભાવ થાય છે, તે ઓછો થાય તે રીતે પુનઃસમીક્ષા થવી જોઈએ.

‘હાલમાં જે ઝુંબેશ ચાલી રહી છે તેને અમે સપોર્ટ કરીએ છીએ. અમારા સમાજની પણ બેઠક યોજાવાની છે. બિનઅનામત કમિટીની બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર મુદ્દો પ્રાથમિક તબક્કામાં છે અને સોશિયલ મીડિયા પર જે કેમ્પેઇન ચાલી રહ્યું છે તેનું પરિણામ આવવું જોઈએ. આ ઝુંબેશમાં કંઈ ખોટું નથી.’

વધુમાં જણાવ્યું હતું કે, આ ઝુંબેશ કોઈ રાજકીય પાર્ટીથી ચાલી રહ્યું હોય તેવું મને લાગતું નથી. NEET પેપર લીક બાદ જે જાગૃતિ આવી છે, તેના પછી આ પ્રકારની ચળવળ શરૂ થઈ છે. સમાજની બેઠક બાદ સરકાર સમક્ષ રજૂઆત કરાશે કે, અનામતની સમીક્ષા ન્યાયાધીશની અધ્યક્ષતામાં થવી જોઈએ.

3

પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે, અનામત નીતિની સમીક્ષા કરી સુધારા થવા જોઈએ. જે ઝુંબેશ ચાલી રહી છે, તે એક વ્યક્તિએ મૂકેલા વિચારથી શરૂ થઈ છે અને તેમાં સમગ્ર ભારતના લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. અનામતમાં જે ખામીઓ છે, કેટલીક કેટેગરીના લોકોને મળતા લાભો અને અત્યાર સુધી મળેલા લાભો સહિત તમામ બાબતો પર વિચાર થવો જોઈએ.

‘આ ઝુંબેશમાં રાજકીય હાથ કે દોરીસંચાર છે કે નહીં તે સમય જતા ખબર પડશે. સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે કે આર્થિક નબળા વર્ગને ખાસ પ્રાયોરિટી આપવામાં આવે અને કોઈપણ કેટેગરીમાં આવતા યુવાનોને આર્થિક ધારાધોરણ મુજબ અનામત આપવામાં આવે. હાલ જે વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સુધારાની જરૂર છે.’

ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે, મારા મતે અનામત વ્યવસ્થા જે સમયના સામાજિક સંજોગોમાં જરૂરી હતી તેણે પોતાનું ઐતિહાસિક મહત્ત્વ નિભાવ્યું છે, પરંતુ આઝાદીના દાયકાઓ પછી હવે દેશને સમાન તક, પ્રતિભા અને યોગ્યતાના આધારે આગળ વધવાની જરૂર છે. ખરેખર જરૂરિયાતમંદ હોય તેને સહાય શિક્ષણ, આર્થિક સશક્તિકરણ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ દ્વારા થવી જોઈએ.

‘આ અભિયાન પાછળ કોઈ રાજકીય એજન્ડા છે કે નહીં તે અંગે પૂરતા પુરાવા વિના કોઈ નિષ્કર્ષ આપવો યોગ્ય નથી. કોઈપણ જનઆંદોલન ત્યારે જ સફળ બને છે, જ્યારે તે લોકોની વાસ્તવિક લાગણીઓ સાથે જોડાયેલું હોય. જો તેનો હેતુ નીતિમાં સુધારો અને રાષ્ટ્રહિત હોય તો સ્વાગત યોગ્ય છે, પરંતુ જો તેનો હેતુ વિભાજન ઊભું કરવાનો હોય તો તે લાંબા ગાળે સફળ થઈ શકતું નથી.’

બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલતા કેમ્પેઇનને અમારો સપોર્ટ છે. શિક્ષણ ક્ષેત્રે પણ સામાજિક રીતે નહીં પરંતુ આર્થિક રીતે અનામત મળે તેના પક્ષમાં છીએ. આ અંગે સરકાર સમક્ષ અગાઉ પણ રજૂઆત કરી છે અને ભવિષ્યમાં પણ અનામત હટાવવા રજૂઆત કરીશું.

બંધારણના એક્સપર્ટ અને દલિત એક્ટિવિસ્ટ ચંદુભાઈ મહેરિયાએ જણાવ્યું હતું કે, અનામતનો મૂળભૂત આધાર ભારતીય સંવિધાનમાં રહેલો પ્રતિનિધિત્વનો સિદ્ધાંત છે. જે સમાજનું વસ્તીમાં જેટલું પ્રમાણ છે, તેટલું જ પ્રતિનિધિત્વ તેમને લોકસભા, વિધાનસભા, શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મળવું જોઇએ. મહિલાઓ માટે પણ અનામત એ જ કારણસર લાવવામાં આવ્યું છે, કારણ કે તેમનું પૂરતું પ્રતિનિધિત્વ નહોતું.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે OBC અનામત, આર્થિક રીતે નબળા વર્ગો માટે EWS અને મહિલાઓ માટે અલગ અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનામતનો મુખ્ય હેતુ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે. જો એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઉભી કરી શકાય, જેમાં દેશના તમામ વર્ગોને તેમની વસ્તીના પ્રમાણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તો અનામતની જરૂરિયાત જ રહેશે નહીં. સમાજમાં સમાનતા અને સામાજિક પરિવર્તન આવશે, ત્યારે અનામત અંગે વિચાર થઈ શકે, પરંતુ માત્ર અનામત હટાવવાની વાત કરીને જાતિવાદને યથાવત રાખવો યોગ્ય નથી. આ બંને બાબતો સાથે ચાલી શકે નહીં.

ઠાકોર સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, અનામત હટાવવાની વાત કરનારાઓનો હેતુ શું છે તે સમજાતો નથી, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગો માટે EWS અનામત આપવામાં આવી છે, ત્યારે હવે અનામત દૂર કરવાની માંગ શા માટે કરવામાં આવી રહી છે તે પ્રશ્ન ઉભો થયા છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર ઝૂંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે, અનામતની વ્યવસ્થા જાળવી રાખવા માટે જે કંઈ કરવું પડશે અને જેટલો પણ સંઘર્ષ કરવો પડશે તેના માટે તેઓ અને તેમનો સમાજ સંપૂર્ણપણે તૈયાર છે.

4

આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં અનામત હટાવવાની જે ઝૂંબેશ ચાલી રહી છે, તેને લઈને અમારું સ્પષ્ટ માનવું છે કે, આદિવાસી સમાજ હજુ પણ મુખ્ય પ્રવાહ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શક્યો નથી. શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રહેવી જોઇએ તે મારું અંગત મંતવ્ય છે.

‘કેટલાક લોકો આર્થિક રીતે સક્ષમ થયા બાદ અનામત છોડવાની વાત કરે છે, પરંતુ અનામતના કારણે હું ભણી શક્યો અને સરકારી નોકરી મેળવી શક્યો. નોકરી કોઈની આજીવન કે પરંપરાગત મિલકત નથી. પાટીદાર, ક્ષત્રિય અથવા અન્ય આર્થિક રીતે સદ્ધર વર્ગો પાસે જમીન, ઉદ્યોગ કે અન્ય સ્થાયી આવકના સાધનો હોય છે, જ્યારે આદિવાસી સમાજ પાસે એવી પરિસ્થિતિ નથી.’ અનંત પટેલે વધુમાં કહ્યું કે, 100% એવું લાગે છે કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા રાજકીય તત્વો જ આવી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ મુદ્દે સરકાર સમક્ષ પણ રજૂઆત કરાશે.

Leave a Reply

error: Content is protected !!