fbpx

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

Spread the love

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થશે. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગૂ થશે. સરકારના આ નિર્ણયના કારણે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ફરી કેશ અને ચેકના વ્યવહાર તરફ આગળ વધવાની વાત કરી રહ્યા છે. વેપારીઓએ કહ્યું કે, જે 2,000 રૂપિયાની લિમિટ રાખવામાં આવી છે તેને વધારીને 50,000 કે 1,00,000 કરવી જોઈએ. પહેલા વેપારીઓ અને લોકોને UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે ચાર્જ લગાવવો ખોટી વાત છે.

વેપારીઓનું માનવું છે કે આ નવો નિયમ લાગૂ થવાથી લોકો ડિજિટલ પેમેન્ટ કરવાનું બંધ કરી દેશે અથવા ઓછું કરી દેશે. આ નિયમની અસર અત્યારથી જ દેખાવાની શરૂ થઈ ગઈ છે, જ્યાં કેટલાક સપ્લાયર્સે ડિજિટલ પેમેન્ટ લેવાની ના પાડીને રોકડમાં પેમેન્ટ માંગવાનું શરૂ કરી દીધું છે. સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું અને તેના કારણે જ દેશની ઈકોનોમીમાં ટ્રાન્ઝેક્શન્સ વધ્યા હતા, પરંતુ આ પ્રકારે ચાર્જ લાદવાથી ડિજિટલ ઈન્ડિયાના અભિયાન પર વિપરીત અસર પડશે અને લોકો ફરી કેશ તરફ વળશે.

છેલ્લા 2-3 વર્ષમાં ખાસ કરીને GenZ અને સામાન્ય નાગરિકો પોતાના ખિસ્સામાં કેશ રાખવાની આદત છોડી ચૂક્યા છે. શાકભાજીથી લઈને નાની-મોટી દરેક વસ્તુ ખરીદવા માટે લોકો UPI થી ચૂકવણી કરવા ટેવાયેલા છે. હવે અચાનક આ આદત બદલવી લોકો માટે મુશ્કેલ બનશે અને તેનાથી વેપારીઓના વેચાણ પર અસર પડીને છેવટે દેશના GDPને નુકસાન પહોંચી શકે છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, MDRને લઇને બોલતા રાજકોટના ઇગલ પેટ્રોલપંપનાં મોહમ્મદભાઈએ જણાવ્યું હતું કે,અમે ઓનલાઈન સેવા ચાલુ જ રાખી છે અને ચાલુ રાખીશું. 2000 ઉપરના પેમેન્ટ પર ચાર્જ લાગવાનું 15 ઓક્ટોબરથી શરૂ થવાનું છે. જોકે અમે અત્યારે પણ તમામ પ્રકારના પેમેન્ટ ઓનલાઈન સ્વીકારીએ છીએ. અને 15 ઓક્ટોબર બાદ પણ 2000 ઉપરના પેમેન્ટ લેવાનું બંધ કરવાનો કોઈ ઈરાદો નથી. અમે સરકારના નિયમો મુજબ ચાર્જ ભરીશું પરંતુ ઓનલાઈન સુવિધા ચાલુ જ રાખવામાં આવશે.

surat

રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ RD હેર સલૂનના સંચાલક રવિભાઈ રાઠોડે જણાવ્યું કે, UPI ઉપર જે ચાર્જ વસુલવાની શરૂઆત આગામી ઓક્ટોબર મહિનાથી થવાની છે અને આગામી ઓક્ટોબર મહિનામાં નવરાત્રી પર્વ શરૂ થવાનો છે. નવરાત્રિ એ ગુજરાતીઓનો મોટો પર્વ છે આ દરમિયાન ભાઈઓ બહેનો બધા હેર સ્ટાઇલ અને મેકઅપ કરાવતા હોય છે જેનું બીલ 2000થી ઉપર જ હોય છે કારણ કે સ્ટાર્ટિંગ રેન્જ 2000 હોય છે. ત્યારે જો લોકો UPIથી પેમેન્ટ કરશે તો નાના વેપારીઓને મુશ્કેલી ઉભી થશે.

રાજકોટના ટેક્સી સંચાલક ભાવિન રાજગોરે જણાવ્યું કે, હું 15 વર્ષથી ટેક્સીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. રાજકોટમાં 1000 જેટલા નાના મોટા ટેક્સી સંચાલકો છે આ તમામને UPI નવા કાયદાથી 100% સીધી અસર પહોંચશે. કારણ કે ટેક્સીની અંદર આખા દેશમાં ઓછામાં ઓછું 300 કિલોમીટર ફિક્સ ભાડું લેવામાં આવે છે અને તેમાં નાનામાં નાની ગાડીનું હાલનું પ્રતિ કિલોમીટર 11 રૂપિયા ભાડું છે. આમ એક ભાડું ઓછામાં ઓછું 3300 રૂપિયા થાય જે 2000 કરતા ઉપર જ કહેવાય. અને હાલમાં 98% ગ્રાહકો ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તેવા સમયે આ નિર્ણય નાના વેપારીઓ માટે વધુ એક આફત સમાન છે.

અમદાવાદના આઈ.એચ જ્વેલર્સના મેનેજર જીતેશ વ્યાસે જણાવ્યું હતું કે, સરકારે UPI માટે 15 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. 2 હજાર કરતા વધુ ટ્રાન્ઝેક્શન પર 0.04 ટકા MDR દર લાગુ કરવામાં આવશે. મલ્ટીપલ લેવલે જોવા જઈએ તો ટ્રાન્જેક્શન ચાર્જ વધી જતો હોય છે. જેથી તેની અસર ચોક્કસથી થવાની છે. જ્વેલર્સના તમામ લોકોએ થોડી નેગેટિવ અસર જોવા મળવાની છે. ગ્રાહકો સાથે હવે બેંક થ્રુ કે અન્ય કઈ રીતે ટ્રાન્જેક્શન કરાવવા તેને લઈને વિચાર કરીશું.

ફૂટવેર મર્ચેન્ટ એસોસિએશનના સેક્રેટરી અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના કન્વીનર ભરત ચૌહાણે કે, અમે વેપારી વિકાસ એસોસિએશન તરીકે સરકારના આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. સરકારે 2,000 રૂપિયાથી ઉપરના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાની વાત કરી છે, પરંતુ આજે 2,000 રૂપિયાની મર્યાદા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આજે તેલનો ડબ્બો કે બૂટની બે જોડી જેવી સામાન્ય વસ્તુઓ ખરીદવા જઈએ તો પણ ₹2,500નું બિલ થઈ જાય છે. આવા સંજોગોમાં ગ્રાહક વધારાનો ચાર્જ આપવાની ના પાડે, તો એ બોજ વેપારીએ પોતે સહન કરવો પડે છે.

surat

વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળના મંત્રી હર્ષલ અમીને જણાવ્યું કે, અમારી શાળાઓમાં પણ કોવિડ પછીના સમયમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. UPI દ્વારા ઘણી બધી શાળાઓ ફી સ્વીકારે છે અને ઘણા વાલીઓની ફી UPI મારફતે જ અમારી પાસે આવી રહી છે. જો સરકાર આમાં ચાર્જીસ લાગુ કરશે તો વાલીઓ પણ વિચારશે અને જો તેઓ આ ચાર્જીસ વહન નહીં કરે તો UPI દ્વારા થઈ રહેલા ટ્રાન્ઝેક્શનમાં ભારે ઘટાડો થશે. જો ચાર્જીસ લાગૂ પડે, તો વાલીઓ ડિજિટલ પેમેન્ટને બદલે ફરીથી ચેક અથવા કેશ આપવાનું પસંદ કરશે. શિક્ષણ જેવા સેવાકીય ક્ષેત્રો માટે આ નિર્ણય પર પુનઃવિચારણા કરવી જોઈએ.

આ અંગે ફલ સોલ્યૂશન્સ કંપનીના ઓનર શૈલેન્દ્ર પંતે જણાવ્યું હતું કે, આ નિર્ણય બિલકુલ યોગ્ય નથી. આજે મોટાભાગના વેપાર અને વ્યવહારો UPIથી જ થઈ રહ્યા છે. ત્યારે 2,000 રૂપિયા જેવી નાની રકમ પર ચાર્જ લગાવવો અયોગ્ય છે. તેમની પોતાની કંપનીમાં મિનિમમ પ્રોડક્ટ 2,000 રૂપિયાનું હોવાથી 0.4% લેખે ચાર્જ ગણીએ તો માર્જિન પર મોટી અસર પડે છે. મોલ, જિયો કે બ્લિંકિટ જેવા પ્લેટફોર્મ્સ પર પણ આ રકમ વેપારીઓ માટે મોટો બોજ બની જશે.

અમદાવાદમાં BPCL ડીલર તનસુખ પરમારે જણાવ્યું કે, UPI પેમેન્ટ અંગે આ પહેલાં આટલી સ્પષ્ટ માહિતી નહોતી. પરંતુ નવા નિયમ મુજબ જો દરરોજના મોટી સંખ્યામાં 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થાય, તો વેપારીઓ અને પેટ્રોલ પંપ માલિકો પર મોટો આર્થિક બોજ આવી શકે છે. પેટ્રોલ પંપ બિઝનેસની પરિસ્થિતિ વિશે જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈ ગ્રાહક એકસાથે 25,000 કે 30,000નું ઇંધણ પુરાવતો નથી. આથી સરકારે પેટ્રોલ પંપ વ્યવસાયને આ નિયમના દાયરામાંથી છૂટછાટ આપવી જોઈએ અથવા તો માસિક મર્યાદા નક્કી કરવી જોઈએ. જો 2000 રૂપિયાની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 50 હજાર કે 1 લાખ સુધી કરવામાં આવે તો નાના અને મોટા વેપારીઓને રાહત મળી શકે છે. નહિંતર આગામી સમયમાં પેટ્રોલ પંપના સંચાલન ખર્ચમાં વધારો થતાં સંચાલકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

સુરતના વેપારી સંજય અગ્રવાલે સરકારને અપીલ કરતા જણાવ્યું છે કે, આ નિર્ણયની સીધી અસર નાના વેપારીઓ પર પડશે. 90% લોકો અત્યારે કેશલેસ સિસ્ટમમાં જોડાઈ ગયા છે. પરંતુ જો UPI પર ફરીથી ટેક્સ લાગશે, તો લોકો પાછા કેશ અને પેપર પદ્ધતિ તરફ વળી જશે.

સુરતના કાપડ વેપારી રંગનાથ શારદાએ આ 0.4% ચાર્જની ગણિત સમજાવતા કહ્યું કે, આ ચાર્જની અસર સીધી કપડાની પડતર કિંમત પર પડશે. કારણ કે કાપડ બનવાના દરેક તબક્કે 0.4% ચાર્જ લાગશે. અમે વર્કવાળાને, ગ્રે વાળાને, મિલ વાળાને અને પાર્ટીને પેમેન્ટ આપીશું, ત્યારબાદ સેમી હોલસેલથી લઈને રિટેલ સુધી દરેક જગ્યાએ ચાર્જ લાગશે. આમ, આજના સમયમાં કપડા પર 2 થી 2.5% માર્જિન આપોઆપ જોડાઈ જશે, જેના કારણે કાપડ મોંઘુ થશે અને વેચાણ ઘટશે.

ઉલ્લેખનીય છે કે, સરકારના કેશલેસ ઇકોનોમીના અભિયાન બાદ સુરતના લગભગ 70000 જેટલા કાપડ વેપારીઓ અને ટ્રેડર્સ ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા હતા. અત્યાર સુધી નાના-મોટા વેપારીઓ 5000 થી 20000 રૂપિયાનો માલ ખરીદતા અને ઇન્સ્ટન્ટ UPIથી પેમેન્ટ કરતા હતા, જેનાથી માલ તરત જ પેક થઈ જતો હતો. પરંતુ હવે UPI ચાર્જથી બચવા માટે પેમેન્ટ ચેકથી સ્વીકારવામાં આવશે. ચેક ક્લિયર થવામાં 3-4 દિવસનો સમય લાગતો હોવાથી વેપારમાં ઢીલાશ આવશે અને બહારગામના વેપારીઓના માલની ડિલિવરીમાં પણ વિલંબ થશે.

Leave a Reply

error: Content is protected !!