fbpx

મંત્રી કુંવરજી બાવળિયાને લઇને સમાજમાં જ બે ફાટા? ભાજપના પૂર્વ સાંસદની ભવિષ્યવાણી પર કોળી સમાજના આગેવાન નારાજ

Spread the love

મંત્રી કુંવરજી બાવળિયાને લઇને સમાજમાં જ બે ફાટા? ભાજપના પૂર્વ સાંસદની ભવિષ્યવાણી પર કોળી સમાજના આગેવાન નારાજ

ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં અગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ સૌરાષ્ટ્રમાં કોળી સમાજે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેને હવે શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. જસદણ તાલુકાના અમરાપુરમાં કોળી સમાજના નેતાઓનો સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, દેવાભાઈ માલમ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના અગ્રણી નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ મંત્રી કુંવરજી બાવળિયાને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી હતી. જેનો હવે કોળી સમાજમાં જ વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં કોળી સમાજના આગેવાને આ સ્નેહમિલન કાર્યક્રમને રાજકીય સંમેલન પણ ગણાવ્યું છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયાને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ‘2027માં કુંવરજીભાઈ જસદણથી જ ચૂંટણી લડશે અને ભવ્ય મતથી ચૂંટણી જીતશે. તેઓ મંત્રી પણ બનશે.’ દેવજી ફતેપરાના આ નિવેદન સામે હવે કોળી સમાજમાં જ વિરોધ ઉઠ્યો છે. એટલું જ નહીં કોળી સમાજના આગેવાને આ સ્નેહમિલન કાર્યક્રમને રાજકીય સંમેલન પણ ગણાવ્યું છે.

devji fatepura

સ્નેહમિલન કાર્યક્રમના અંતે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ આગામી 2027ની ચૂંટણીમાં ફરી કુંવરજી બાવળિયા ચૂંટણી લડી જંગી લીડથી જીત મેળવી મંત્રી બનશે તેવો દાવો કર્યો હતો. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, હમણાં ચૂંટણી આવશે એટલે એક-એક વિધાનસભા પરથી 40-40 ફોર્મ ભરશે. નહીં ભરતો હોય એ બીજાને કેશે તું ફોર્મ ભર પરંતુ લાયક હોય યોગ્ય તેમને જ ઉમેદવારી કરવી જોઈએ. સરપંચને લાયક હોય એ સરપંચ બને, તાલુકા પંચાયત લાયક હોય એ તાલુકા પંચાયત લડે અને વિધાનસભા લાયક હોય એ વિધાનસભા લડે એ મહત્ત્વનું છે.

સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કુંવરજીભાઈનો મારો કોઈ વિરોધ નથી, કુંવરજીભાઈ પોતે જ બોલેલા છે, 7 વર્ષથી કહે છે કે ગાંધીનગરમાં હું કોળી સમાજનું શિક્ષણ ભવન બનાવીશ. તે શિક્ષણ ભવનનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી. તેઓ મિટિંગો, સંમેલન અને સ્નેહ મિલનો કરે છે, તો સમાજની કંઈ વાત થઈ? સમાજને કંઈક રાહત થાય તેમણે એવું કંઈ કર્યું? જ્યારે પોતાને જરૂર પડે ત્યારે સમાજનો ઉપયોગ કરવામાં આવે છે. સમાજને આમાં કઈ લેવા દેવા નથી. સમાજના નામે રાજકારણ થાય છે. સાહેબને ખરેખર રિટાયરમેન્ટનો ટાઈમ થઈ ગયો છે. તેમણે કોઈ યુવાનને આગળ કરવો પડે અને એક વડીલ તરીકે યુવાનને તેમણે સલાહ આપવી પડે.

pravin koli

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું કે, દિલ્હીમાં પણ સંમેલન મળ્યું હતું, ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. હાલ જે સ્નેહમિલન હતું એ સમાજનું નહીં રાજકીય હતું. કુંવરજીભાઈને જેમની સાથે મનમેળ છે એવા જ આગેવાનોને આ સ્નેહમિલનમાં બોલાવ્યા હતા. કુંવરજીભાઈ સમાજના નામે ચૂંટણી લડી રહ્યા છે અને સમાજ સાથે જ રાજકારણ રમી રહ્યા છે સમાજના કોઈ કામ કર્યાં નથી. તેમને હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે એમને નિવૃત્તિ લઈ લેવી જોઈએ.

પ્રવીણ કોળીએ વધુમાં કહ્યું કે, ભાજપ પણ હવે Gen-Z નેતાઓને ટિકિટ આપી રહી છે ગાંધીનગરમાં મેયર જેન ઝી છે એ ઠાકોર સમાજમાંથી આવે છે એમ દરેક સમાજના યોગ્ય જેન્ઝી ઉમેદવારને પાર્ટી ટિકિટ આપશે. કુંવરજી બાવળિયા સમાજના નામે ચૂંટણી તો લડે છે પરંતુ વાયદો પુરો કરતા નથી. કોળી સમાજનું વિધાર્થી ભવન ગાંધીનગરમાં બનાવવાનો વાયદો 7 વર્ષથી કર્યો છે હજુ પુરો થયો નથી.

આ જ કાર્યક્રમમાં ઉપસ્થિત ચોટીલાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું હતું કે, સમાજના ભવિષ્ય માટે સમાજના હિતમાં કામ કરવા માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરવો જોઈએ. કદાચ પાર્ટી છોડવી પડે તો પણ છોડવી જોઈએ અને આ શરૂઆત મારે કરવી પડે તો પણ હું કરવા તૈયાર છું. આગામી દિવસોમાં ચૂંટણી છે ત્યારે કોળી સમાજની વસ્તી મુજબ ચોક્કસ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ દરેક રાજકીય પાર્ટી પાસે કરવામાં આવશે.

koli samaj snehmilan

સંમેલન અને દેવજી ફતેપરાના નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ શરૂ થઈ છે કે આમ આદમી પાર્ટી અને યુવાનોથી ભાજપના નેતાઓ ડરી રહ્યા છે. AAP નેતા બ્રિજરાજ સોલંકી પણ અનેક વખત જસદણ-વિછિયા વિધાનસભા વિસ્તારમાં જંગી સભા સંબોધન કરી મંત્રી બાવળિયાની વિરુધ્ધ બેફામ બોલી રહ્યા છે. દેવજી ફતેપરાએ નામ લીધા વગર કહ્યું કે વિરોધ કરતા યુવાનોને કહેવું જોઈએ કે આપણા વડીલોએ શું કામ કર્યા છે.

દેવજી ફતેપરાના આ નિવેદનને કારણે જસદણના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યા છે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના અન્ય એક અગ્રણી નેતા ભરત બોધરા પણ જસદણ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક હોવાનું માનવામાં આવે છે તેવા સમયે કોળી સમાજના શક્તિપ્રદર્શનમાં પૂર્વ સાંસદ દ્વારા કુંવરજી બાવળિયાના નામની જાહેરાત કરી દેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે હવે આ મામલે પક્ષના મોવડીમંડળ અને અન્ય નેતાઓની શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Leave a Reply

error: Content is protected !!